Face Of Nation 11-04-2026 : ભાજપના રાજમાં મીડિયાની ભૂમિકા ઉઘાડી પડી ગઈ છે. સત્તાને તાબે થઈને પ્રજાના પ્રશ્નોનો દાટ વાળી દેનાર કેટલાક મીડિયા હાઉસોએ લોકશાહીને જોખમમાં મુકવા મહત્વનો ભાગ ભજવ્યો છે. એક સમય હતો કે, મીડિયામાં સમાચારો રજૂ થતા જ તેની અસર દેખાતી હતી. પોલીસ, નેતાઓ અને ગેરકાયદે કામ કરનારાઓ થરથર ધ્રુજતા હતા. એ સમયગાળામાં પોલીસ પણ મીડિયાના અહેવાલથી તપાસ કરતી. આજે આ ચિત્ર આખું ઊંધું થઇ ગયું છે. પોલીસ, નેતાઓ અને ગેરકાયદે કામ કરનારાઓ પત્રકારોને ધ્રુજાવી રહ્યા છે. પોલીસ કોઈ તપાસ કરે અને તેની પ્રેસ નોટ આપે તે જ સમાચારમાં રજૂ કરવામાં આવે છે. જેને લીધે પ્રજાને પણ હવે મીડિયા વેચાઈ ગયું અથવા તો સત્તાને તાબે થઇ ગયું હોય તેવું સ્પષ્ટ લાગે છે. પહેલા મીડિયાના સમાચારો વાયરલ થતા અને તેની નોંધ લેવામાં આવતી, લોકોમાં ચર્ચા પણ ઉઠતી અને લોકો નેતાઓને પ્રશ્નો પણ કરતા પરંતુ આજે ચિત્ર બદલાઈ ગયું છે. કોઈ સમાચાર કે વિડીયો કે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થાય ત્યારબાદ તેને સમાચારમાં સ્થાન મળે છે. આ વાત ખુબ જ ગંભીર છે અને મીડિયા જગત માટે લાલબત્તી સમાન છે. આ વાત સાક્ષી પુરે છે કે, હવે પ્રજા એક્ટિવ થઇ ગઈ છે અને તેમના પ્રશ્નો જાતે જ સોશિયલ સાઈટ મારફતે સમગ્ર દેશને દેખાડે છે. સત્તાધારી પક્ષ અનેકવાર એવા પ્રયાસો કરે છે કે આ સોશિયલ મીડિયા દ્વારા ઉઠતો પ્રજાનો અવાજ દબાવી દેવામાં આવે પરંતુ હવે લોકો અકળાતા નથી પરંતુ સામે લડત આપી રહ્યા છે. જો આમ જ ચાલ્યું તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ ખુબ જ ગંભીર બનશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
જે દેશમાં સરકારના વિકાસ કાર્યોની વાહવાહી કરવા સરકારી તિજોરીમાંથી કરોડો ખર્ચાઈ રહ્યા હોય ત્યાં મીડિયાએ સત્તાધારી પક્ષની વાહવાહી કરવાની જવાબદારી ન લેવી જોઈએ. છતાં આ જવાબદારી ગુજરાત સહીત ભારતના મીડિયાએ લીધી. જેની એવી ગંભીર અસર આવી કે, લોકોને હવે મીડિયા શબ્દ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. પ્રજા મીડિયાને લઈને એવો કટાક્ષ કરતી થઇ ગઈ કે, “અમારી શેરીમાં જેટલા રખડતા કુતરા નથી તેટલા મીડિયાના નામે ઉભા થયેલા લોકો છે” પ્રજાનો આ કટાક્ષ ખુબ જ ગંભીર છે. ન્યુઝ પેપરનું લાઇન્સ મેળવીને કે યુટ્યુબ ચેનલ ચાલુ કરીને દારૂના અડ્ડા, ગેરકાયદે બાંધકામ કે સસ્તા અનાજની દુકાનોમાંથી 100 થી 500 રૂપિયા ઉઘરાવીને તોડપાણિ કરી પેટિયું રળતા લોકો પોતાની જાતને પત્રકાર ગણાવી રહ્યા છે. આવા લોકોએ મીડિયા ક્ષેત્રને બદનામ કરવામાં કશું બાકી રાખ્યું નથી. આ મીડિયાનો નાનો વર્ગ છે અને બીજો મીડિયાનો મોટો વર્ગ છે. મોટા વર્ગના કામકાજો અને તોડપાણિ મોટા હોય છે તેમને 100 થી 500માં રસ નથી તેમને 1 લાખથી 5 લાખની જાહેરાતોમાં રસ છે. આ જાહેરાતની આડમાં તેઓ જે તે કામકાજ અંગે કે સરકારની નીતિરીતિ અંગે આંખ આડા કાન કરે છે. આખો દિવસ શહેરમાં ફરીને લોકોના પ્રશ્નોને વાચા આપતો પત્રકાર આજે એસી ઓફિસમાં બેસીને ફોનથી મળતી માહિતીને આધારે સમાચારો લખી નાખે છે. તેને પણ હવે પ્રજાના પ્રશ્નોમાં રસ નથી કેમ કે, તેના ઉપરી અધિકારીઓ સમાચારના નામે સંસ્થામાં જાહેરખબર મેળવી લે છે. જાહેર ખબર લેવી તેમાં કશું ખોટું નથી પરંતુ જાહેરખબરની આડમાં સમાચારનો વહીવટ કરી લેવો તે ખુબ જ ગંભીર બાબત છે. મીડિયાએ તેની ગરિમા ભૂલી ન જવી જોઈએ. ઘણા ટીવી ચેનલોના અને પોતાની જાતને સિનિયર પત્રકાર ગણાવતા લોકો આજે RSSના કાર્યક્રમમાં દેખાય છે. આટલેથી આ લોકો અટકતા નથી પરંતુ આવા કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર જઈને ઉપસ્થિત સંસ્થાના વડા પાસે નતમસ્તક બની હાથ જોડીને માન સન્માન સ્વીકારે છે. જે ખુબ જ શરમજનક બાબત છે. કેમ કે, આવી કામગીરીને કારણે તેમની ટીવી ચેનલોમાં ચાલી રહેલા સમાચારની તટસ્થતા, નિષ્પક્ષતા અંગે પણ સવાલો પેદા થાય છે. જો કે, પક્ષપલ્ટુ લોકોની જેમ આ લોકો પણ જાડી ચામડીના થઇ ગયા છે તેમને હવે પત્રકારત્વના કૈફ કરતા સત્તાને શરણે રહેવાનો કૈફ વધારે ઉર્જા અને ઈજ્જત આપે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !
હાર્દિકે માંનું ધાવણ લજવ્યું, અલ્પેશે સૂરજ-ચંદ્રની સાક્ષી તોડી, કરપડાએ સૂરજ આથમણે ઉગવાની રાહ ન જોઈ
માણકીથી મર્સીડીસ : કાલુપુર સ્વા. મંદિરના લાલજીએ 60 લાખની મર્સીડીસ લીધી, ધર્મના પૈસે જાહોજલાલી



