Home News માણકીથી મર્સીડીસ : કાલુપુર સ્વા. મંદિરના લાલજીએ 60 લાખની મર્સીડીસ લીધી, ધર્મના...

માણકીથી મર્સીડીસ : કાલુપુર સ્વા. મંદિરના લાલજીએ 60 લાખની મર્સીડીસ લીધી, ધર્મના પૈસે જાહોજલાલી

Face Of Nation 11-04-2026 : માણકીથી મર્સીડીસ સુધીની સફર ખરેખર રોમાંચક છે અને હોવી જોઈએ જયારે તે સામાન્ય માણસની હોય ત્યારે. પરંતુ આજે કોઈ સામાન્ય માણસની વાત નથી. વાત છે, ભગવાન સ્વામિનારાયણના વંશજનું જેઓ બિરુદ લઈને ગાદીએ બેઠા છે તેમની. માણકી એટલે સ્વામિનારાયણ ભગવાનની ઘોડીનું નામ અને મર્સીડીસ એટલે જેને ભગવાન સ્વામિનારાયણના વંશજ તરીકે ઓળખવામાં આવે છે તેઓએ ખરીદેલી ગાડીની કંપનીનું નામ. બદલાતા યુગ અને સમયની સાથે સંપ્રદાય, સાધુ, ભગવાનના વંશજનો અને તેમના પરિવારનો એટલે કે ધર્મકુળનો વિકાસ ચોક્કસ થયો છે. આવા વાક્યો ચોક્કસથી ભક્તોને કે આચાર્ય કે લાલજીને ખટકે છે, પણ તેની કોઈ અસર તેમનામાં જોવા મળતી નથી કેમ કે આ લોકો જાડી ચામડીના બની ગયા છે અને એટલે જ એવા નિવેદનોને આધારે જીવન ગુજારી રહ્યા છે કે, “બદનામ હુએ તો ક્યાં હુઆ નામ તો હુઆ”. આશ્વર્ય ત્યારે થાય કે આવા નિવેદનો સામે ભક્તો તાળીઓ પાળે અને એક સવાલ શુદ્ધા આચાર્યને ન કરી શકે. તેવામાં ચોક્કસ સવાલ થાય કે શું ભગવાન સ્વામિનારાયણ પણ આવું જ કહેતા હતા કે, ભક્તો આપણે તો બદનામ થઈને પણ નામ કરવાનું અને એટલે જ એમની ભાષા અને જ્ઞાન આ આચાર્ય કોશલેન્દ્ર પાંડે જાહેરમાં પીરસી રહ્યા છે ? આ જ છે સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન ? જે આચાર્યના મુખે આવી રહ્યું છે અને ભક્તો સવાલ કરવાને બદલે તાળીઓ પાડી રહ્યા છે. ખેર ! આજે એ વાત નથી કરવી કેમ કે તેમને આ બધી વાતોની કોઈ જ અસર નથી. આજે વાત કરવી છે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના લાલજી વજેન્દ્ર પાંડેએ ખરીદેલી 60 લાખની મર્સીડીસ કાર અંગેની. કદાચ એવું પણ કહેવામાં આવશે કે, આ ગાડી તો હરિભક્તે ભેટમાં આપી. મોટાભાગે આવી જ વાતો હોય છે કે, “ભક્તો ભેટ આપે છે”. કોઈ હરિભક્ત જાહેરમાં આવશે પણ ખરા કે મેં આપી ભેટમાં. ખેર ! જે હોય તે પરંતુ લાલજીની ગાડીઓના કાફલામાં નવી મર્સીડીસનો ઉમેરો થયો છે એ વાત નક્કી છે. ધર્મના નામે જાહોજલાલી ફરી એક વાર ઉઘાડી પડી ગઈ છે.
મેમનગર સ્થિત આચાર્ય કૌશલેન્દ્ર પાંડેના બંગલે મર્સીડીસની ટિમ એક નવી નક્કોર Mercedes-Benz GLA ગાડી લઈને પહોંચે છે. (જેની કિંમત 55થી 60 લાખ કરતા પણ વધુ છે) સજાવટ કરે છે અને રાહ જુએ છે કે ક્યારે લાલજી વજેન્દ્ર પાંડે બહાર આવે અને તેમની આ કારની ડિલિવરીનો સ્વીકાર કરે. લાલજી વજેન્દ્ર પાંડે તૈયાર થઈને થોડી વારમાં પાર્કિંગમાં આવે છે અને ગાડીની ચાવી લઈને ડિલિવરી સ્વીકારે છે. આનો એક વિડીયો સોશિયલ સાઈટ ઉપર મુકવામાં આવે છે. તારીખ 09/04/2026 એટલે કે, ગઈકાલે શુક્રવારે વિડીયો અપલોડ થાય છે. 4 હજારથી વધુ લોકો તેને જુએ છે. 40 લાઈક સાથે આ પોસ્ટમાં એક કોમેન્ટ હોય છે. જેને સૂર્યાસ્ત પહેલા એટલે કે સાંજ ઢળતા સુધીમાં તો ડીલીટ પણ કરી નાખવામાં આવે છે. ખેર ! તસ્વીર અને વિડીયો વાયરલ થઇ જાય છે. કેમ કે કદાચ લાલજી નથી ઇચ્છતા પરંતુ ભગવાન ઈચ્છે છે કે જાહોજલાલીના ભાગરૂપે લેવામાં આવેલી મર્સીડીસ અંગે સૌ કોઈને ખબર પડે. ભક્તોની ભાષામાં કહીએ તો, કદાચ ભગવાન અમને સુઝાડે છે અને અમે આ અંગેના સમાચાર રજૂ કરીએ છીએ. અગાઉ લાલજીએ ખુદ તેમની ધર્મ પત્ની ઉપર કરેલી ફરિયાદમાં સ્વીકાર્યું હતું કે, તેઓ હનીમૂન કરવા બાલી ગયા હતા. ધર્મના પૈસા હનીમૂનમાં વપરાય છે તે કેટલું યોગ્ય છે ? કાંઈ લાલજી કોઈ નોકરી ધંધો તો કરતા નથી કે તેની સાઈડ આવકથી તે આવા ખર્ચ કરી શકે.
ધર્મના પૈસે જાહોજલાલી કરનારાઓ દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. લાખ્ખો થી કરોડો રૂપિયાની મોંઘી દાટ ગાડીઓમાં ફરતા ધાર્મિક સંસ્થાના વડાઓ, સાધુઓ અને કથાકારોએ ધર્મના પૈસે જાહોજલાલી કરવામાં કશું બાકી રાખ્યું નથી. વિદેશોના પ્રવાસોથી માંડીને સુખ સુવિધાથી ભરપૂર બંગલાઓમાં રહેવું, ગાડીઓમાં ફરવું તથા મોંઘા ફોનનો મોહ રાખવો. આમ તો આ બધી જાહોજલાલી જોઈને સ્વાભાવિક પ્રશ્ન થાય કે, આવા લોકોને મહેનતથી આગળ વધવાનું હોત અને સામાન્ય પરિવારમાં જન્મ લીધો હોત તો શું કરતા હોત ? આજે મંદિરમાં જનારો ભક્ત ખાલી થઇ રહ્યો છે અને મંદિરના માલિકો ભરાઈ રહ્યા છે. મોંઘા ઘરોમાં રહે છે અને મોંઘીદાટ ગાડીઓમાં ફરી રહ્યા છે. આવા સમાચારો લખીએ એટલે સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને માઠું લાગી જાય અને વિરોધમાં ઉતરી પડે ત્યારે ખરેખર એમ થાય કે, લોભિયા હોય ત્યાં ધુતારા કદી ભૂખે ન મરે તે કહેવત તદ્દન સાચી છે. જાહેર સ્ટેજ ઉપરથી દાન ધર્માદા માંગતા આચાર્ય, લાલજી અને તેમના સાધુઓ આવા જંગી ખર્ચ ફક્ત તેમના મોજશોખ માટે કરે તે કેટલું યોગ્ય છે ? મંદિરે દર્શન કરવા આવતો હરિભક્ત કેટલી મહેનત પછી ભગવાનના આશીર્વાદ મેળવવા કે ભગવાનને રાજી કરવા તેની મહેનતની કમાણીમાંથી દાન-ધર્માદો લખાવે છે. આ દાન-ધર્માદો લખાવનારની પણ અનેક આશા હોય છે કે મોટી નહિ તો કઈ નહિ ભગવાન મારા ઘરે પણ એક નાની ગાડી લાવશે. એની આશા પુરી નથી થતી પરંતુ તેના દાન-ધર્માદાના પૈસે લાલજી અને તેમના પરિવારની અને સાધુઓની આશા ચોક્કસ પુરી થઇ જાય છે તેમ કહેવામાં કોઈ અતિશક્યોક્તિ નથી.
વાત ફક્ત કાલુપુરના લાલજી પૂરતી નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી વડતાલના આચાર્ય પણ સફેદ મર્સીડીસમાં એન્ટ્રી મારે છે. કદાચ તે જોઈને જ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીને પણ મર્સીડીસ લેવાનું મન થઇ ગયું ? BAPS મંદિરના સાધુઓ પણ લાખ્ખો રૂપિયાની ગાડીઓમાં ફરે છે. BAPSને તો કેટલાક લોકો કટાક્ષમાં “કોર્પોરેટ સંસ્થા” પણ કહે છે કેમ કે તેમની કામગીરી જ કોર્પોરેટ છે. હિન્દૂ ધર્મના ઠેકેદાર હોવાનો દેખાવડો કરનારા કથાકારો પણ લાખ્ખો રૂપિયાની ગાડીઓમાં ફરે છે. પારકા પૈસે જાહોજલાલી કરવા આ બધા જાણે કે ટેવાઈ ગયા છે. આશ્વયર્જ્નક બાબત છે કે, હિન્દૂ ધર્મની આડમાં સાધુઓ, આચાર્યો, લાલજીઓ, કથાકારો કે ધર્મગુરુઓ જાહોજલાલી કરવામાં નંબર વન છે. તેમના ભક્તો એટલા ડરપોક છે કે, જે ધર્મને નામે ડરીને પૈસા આપે છે. ભગવાને કહ્યું નથી કે કોઈ શાસ્ત્રોમાં ક્યારેય એવું લખાયેલું નથી કે, “અમને પૈસા આપો” છતાં સૌ ભક્તો મંદિરમાં જાય છે અને ભગવાનને પૈસા આપીને તેમનું નામ લખાવીને જાહેરાત કરાવીને તે ભગવાનને કેટલા રૂપિયા આપે છે તેનો દેખાવડો લોકો સમક્ષ કરે છે. ભગવાન પણ ઉપર બેઠા બેઠા કદાચ આ કાળા માથાના માનવી ઉપર હસતા હશે કે, મને દાન આપવાના નામે તેનો પોતાનો પ્રચાર કરી રહ્યો છે. આ કેવો મનુષ્ય છે કે, જે મારો પણ ઉપયોગ તેની વાહ વાહી માટે કરી રહ્યો છે. ખરેખર દાન-ધર્માદો કરનારા લોકો કોઈને ખબર પડવા પણ નથી દેતા કે નામ પણ નથી લખાવતા કે “મેં દાન આપ્યું” એવી જાહેરાત પણ નથી કરતા. જેનું ઉત્તમ ઉદાહરણ જલારામ મંદિર છે. જ્યાં કોણ કેવી રીતે અને ક્યાંથી દાન આપે છે તેની કોઈ નોંધ નથી કે જાહેરાત પણ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

જેતલપુર ગુરુકુળ ન લખી આપનારા મોટા પી.પી સ્વામીના શિષ્યને શિરપાવ ?

“ઓળખીતા વાદ” ચાલ્યો, MLA અને મંત્રીઓની નજીકના લોકોને ટિકિટ, ભાજપમાં ભડકો, પ્રદેશ પ્રમુખ પંચાલ વિરુદ્ધ રોષ

સરદાર માટે ન બોલનારા ડાયરા કલાકારોની ગુજરાત માટે લાગણી દુભાઈ !, પ્રજાના પ્રશ્નો ઉપર પડદો પાડવા પ્રયાસ

વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવી ભાજપ ભેરવાઈ : પ્રમુખને લોકોએ “શાકબકાલું વેચનાર” ગણાવ્યા !