Home News નવાવાડજ : એક માત્ર એવો વિસ્તાર જ્યાં કાર્યકરો નારાજ હોવા છતાં ક્યારેય...

નવાવાડજ : એક માત્ર એવો વિસ્તાર જ્યાં કાર્યકરો નારાજ હોવા છતાં ક્યારેય ભાજપ વિરુદ્ધ ગયા નથી !

Face Of Nation 14-04-2026 : ભાજપ હોય કે કોંગ્રેસ, હંમેશા જૂથવાદને જ પ્રાધાન્યતા આપવામાં આવે છે. નેતાઓના જુથવાદમાં ક્યારેક ટિકિટ વહેંચણી દરમ્યાન કાર્યકરોનો ભોગ લેવાઈ જાય છે. સારો ઉમેદવાર હોવા છતાં જુથવાદના કારણે તેને ઘણું સહન કરવું પડે છે. પાલિકા પંચાયતની ચૂંટણી નજીક છે, ઉમેદવારો જાહેર થઇ ગયા છે ત્યારે આજે અમદાવાદના એક એવા વોર્ડની વાત કરવી છે જે ભાજપનો ગઢ છે. અહીં અનેકવાર જુના જોગીઓને હાંસિયામાં ધકેલવામાં આવ્યા છે અને જુથવાદના કારણે હારેલા ઉમેદવારોને પણ રિપીટ કરવામાં આવ્યા છે. સ્થાનિક નેતાઓથી લઈને કાર્યકરોમાં પક્ષની કામગીરી સામે જબરદસ્ત અસંતોષ રહ્યો છે છતાં તે અસંતોષ ક્યારેય ચૂંટણીના પરિણામો ઉપર દેખાયો નથી. ટિકિટની ઈચ્છા સૌ કોઈને હોય છે. એક વાર, બે વાર કે ત્રણ વાર ચૂંટણી લડ્યા પછી પણ કાર્યકર્તાને કે નેતાને એવી પ્રબળ ઈચ્છા હોય છે કે પાર્ટી તેને ટિકિટ આપશે અને જો ન આપે તો તે અસંતોષી થઇ જાય. તેમાં કોઈ નવાઈની વાત નથી. ભાજપ હોય કે કોંગ્રેસ દરેક પક્ષમાં આ ચાલતું આવ્યું છે અને ચાલી રહ્યું છે. ખેર ! મૂળ મુદ્દાની વાત કરીએ તો અમદાવાદનો એક એવો વિસ્તાર છે કે જ્યાં ભાજપના કાર્યકરોથી નેતાઓમાં ટિકિટ વહેંચણીને લઈને અથવા તો પક્ષની કામગીરીને લઈને નારાજગી હોવા છતાં ક્યારેય તે પાર્ટી કાર્યાલય સુધી પહોંચી નથી. થોડા સમયમાં જ આ નારાજગી સમેટાઈ જાય છે અને લોકો ચૂંટણી કાર્યમાં લાગી જાય છે. 1987માં પ્રથમવાર અહીં ભાજપના કોર્પોરેટર હસમુખ પટેલ, રાજેન્દ્ર પટેલ અને બળવંત ગોહિલ નામના ત્રણ ઉમેદવારોની જીત થઇ હતી.
અમદાવાદમાં આવેલો નવાવાડજ વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જ્યાંના ભાજપી કાર્યકરો કે પૂર્વ નેતાઓને પક્ષની કામગીરી સામે વાંધો કે નારાજગી હોવા છતાં ક્યારેય અવાજ ઉઠાવવાની હિંમત કરી નથી. આમ જોવા જઈએ તો અમિત શાહનો આ બેઠક ઉપર દબદબો રહ્યો છે. ઘણા વિસ્તારોમાં કાર્યકરોનો અસંતોષ કાર્યાલય સુધી પહોંચ્યો છે. પક્ષ દ્વારા એક જ ઉમેદવારને સતત ટિકિટ આપવાથી લઈને મહેનતુ અને યોગ્ય વ્યક્તિની કદર ન કરવામાં આવી હોવાના મુદ્દા સાથે અનેકવાર કાર્યકરો પક્ષની કામગીરી સામે રોષ ઠાલવે છે. પરંતુ નવાવાડજ વિસ્તારમાં ક્યારેય કોઈ કાર્યકરે પાર્ટીના પગથિયે પહોંચીને તેમનો રોષ ઠાલવવાની હિંમત શુધ્ધા કરી નથી. નવાવાડજમાં કાર્યકરો અને નેતાઓ પક્ષ વિરુદ્ધ બુમરાણ ખુબ મચાવે છે પરંતુ કોઈ શેકેલો પાપડ ભાગી શકે તેમ નથી. દરેક ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ આ વિસ્તારમાં અસંતોષની આગ ઉઠે છે પણ તે કોઈને દઝાડતી નથી કે ગરમી પેદા કરતી નથી. માત્ર ફોન દ્વારા કે એક બીજા સાથે વાતચીત દ્વારા કાર્યકરો બળાપો ઠાલવી લે છે પરંતુ જાહેરમાં આવીને કોઈ એક શબ્દ ઉચ્ચારવાની હિંમત ધરાવતું નથી. આ બેઠકના કાર્યકરો અને નેતાઓ માટે એમ ચોક્કસથી કહી શકાય કે, “ગાજ્યા મેઘ ક્યારેય વરસતા નથી”.
અમદાવાદ સહીત અનેક ઠેકાણે ભાજપના ઉમેદવારોની ઘોષણા થતા જ લોકોનો અસંતોષ જોવા મળે છે. મોટાભાગની બેઠકો ઉપર અંસતુષ્ટોએ પોતાનો આક્રોશ પક્ષના નેતા આગળ કે જાહેરમાં આવીને ઠાલવ્યો. કદાચ એક માત્ર એવો નવાવાડજ વિસ્તાર કે જ્યાં કાર્યકરો અસન્તુષ્ટ હોવા છતાં તેઓએ બળાપો અંદરો અંદર ઠાલવ્યો. અનેક વાર આ વિસ્તારના નેતાઓ ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવાની પ્રતિજ્ઞા લે છે પરંતુ આ પ્રતિજ્ઞા માત્ર રાત્રી દરમ્યાન સુધીની જ હોય છે. જે ઉમેદવાર સામે રાતે રોષ ઠાલવવામાં આવે છે તે જ ઉમેદવારના પ્રચાર માટે સવારમાં ખભે કેસરી ખેસ નાખીને નીકળી પડે છે. હાથમાં પક્ષના કાગળો સાથે ગલીઓ-શેરીઓ, સોસાયટીઓમાં જઈને લોકોને “ભાજપને મત આપજો”, “ઉમેદવારને જીતાડજો”ની બુમરાણ શરૂ કરી દેવામાં આવે છે. આ વિસ્તારમાં અમિત શાહ અને આનંદીબેન પટેલ બંને જૂથના નેતાઓ છે. પક્ષ તરફથી કાર્યવાહી કરવામાં આવશે તેવો ડર પણ અહીંના સ્થાનિક નેતાઓ અને આગેવાનોમાં છે. સાબરમતી બેઠક ઉપર કોઈ પણ ધારાસભ્ય આવે, તેમને માટે નવાવાડજ વિસ્તારનું ખાસ મહત્વ છે. આ વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવે છે. કમલેશ પટેલ, નવલ પટેલ, હેમાક્ષુ પટેલ, નિપમ શાહ, મનુભાઈ ભરવાડ જેવા જુના જોગીઓએ આ વિસ્તારમાં ભાજપને ઉભી કરવામાં સિંહ ફાળો આપ્યો છે. અહીં આરડીનું નામ લેવામાં આવતું નથી કેમ કે, આરડીએ ભાજપને ઉભી કરવા કરતા ટિકિટની લાલચે અમિત શાહની જી હજુરી કરવા વધારે મહેનત કરી છે.
ધારાસભ્યોની વાત કરીએ તો, 2002 બાદ સાબરમતી બેઠક ઉપરથી ચૂંટાયેલા બે ધારાસભ્યોએ પક્ષ સામે બળવો કર્યો છે. જેમાંથી એક ડો.જીતુ પટેલ અને બીજા ગીતાબેન પટેલ. ડો.જીતુ પટેલે ભાજપમાંથી ચૂંટણી જીત્યા બાદ ફરીથી ટિકિટ ન મળતા પક્ષ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાંથી ટિકિટ લઈને ચૂંટણી લડતા તેમની હાર થઇ હતી. જે તે સમયના કોંગ્રેસી નેતા અને હાલના ભાજપી નેતા નરહરિ અમીનનો સાબરમતી બેઠક અને નવાવાડજ વિસ્તારમાં એક સમયે ભારે દબદબો હતો અને એટલે જ વર્ષ 1990માં જનતા દળ અને 2001ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય બન્યા હતા. 1975થી લઈને 1985 સુધી આ બેઠક ઉપર કોંગ્રેસનું રાજ હતું. 1995 અને 1998માં ભાજપના યતીન ઓઝાએ સાબરમતી વિધાનસભા બેઠક ઉપર વિજય મેળવ્યો હતો અને સતત બે ટર્મ તેઓ ધારાસભ્ય પદે રહ્યા હતા. 2002થી લઈને અત્યાર સુધી સતત ભાજપ આ બેઠક ઉપર જીત મેળવતું આવ્યું છે.
1987થી લઈને અત્યારસુધી માત્ર એક જ વાર રમણ પટેલ નામના કોંગ્રેસી ઉમેદવાર જીત્યા
1987થી લઈને અત્યાર સુધી અમદાવાદની આ બેઠક ઉપર ભાજપનો દબદબો રહ્યો છે. 1992માં ભાજપ દ્વારા પાંચ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં નવલ પટેલ, હેમાક્ષુ પટેલ, કમલેશ પટેલ, નિપમ શાહ, જયેશ પરમાર ઉમેદવારી નોંધાવી હતી. જો કે તે સમયે બાબરી મસ્જિદ તોડવામાં આવતા તોફાનો ફાટી નીકળતા ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી. આ તોફાનો લાંબા ચાલતા ત્રણ વર્ષ સુધી મ્યુ. કમીશ્નરે સત્તા સંભાળી હતી. બાદમાં વોર્ડના વિભાજન થતા 33% મહિલાઓ અને દરેક વોર્ડમાં બે પુરુષો એક મહિલાને ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું. 1995માં ચૂંટણી જાહેર થઇ, જેમાં ભાજપે કમલેશ પટેલ, આર.ડી.દેસાઈ અને ગીતા નાયકને ટિકિટ આપી. જેમાં ભાજપનો વિજય થયો. 2000માં આર.ડી.દેસાઈ, કમલેશ પટેલ અને રંજનબેનને ટિકિટ આપવામાં આવી. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર રમણ પટેલે જીત મેળવી અને આર.ડી.દેસાઈને હરાવીને ઘરભેગો કરી દીધો. 2005માં ભાજપે ફરીથી આર.ડી.દેસાઈ, હેમાક્ષુ પટેલ અને બીનાબેન પંડ્યાને ટિકિટ આપી જેમાં ત્રણેય ઉમેદવારે જીત મેળવી. 2010માં મનુભાઈ ભરવાડ, વિષ્ણુ પટેલ અને જયશ્રી ચૌહાણને ભાજપે મેદાને ઉતાર્યા બાદ આ ત્રણેયની જીત થઇ. 2015માં જીગ્નેશ પટેલ, આર.ડી.દેસાઈ, ભાવનાબેન વાઘેલા અને દક્ષાબેન પટેલને ભાજપે ઉમેદવાર બનાવ્યા અને તેઓએ પણ જીત મેળવી. 2021માં ભાવના વાઘેલા, લલિતા મકવાણા, યોગેશ પટેલ અને વિજય પંચાલને ટિકિટ મળી હતી. પહેલા અહીં બળદેવ દેસાઈનું નામ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ વિવાદિત હોવાથી તેમની વિરુદ્ધ અનેક ફરિયાદો ઉઠતા તેમની સ્થાને વિજય પંચાલને સ્થાન આપવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં મળેલી ટિકિટ વિજય પંચાલ માટે બગાસું ખાતા પતાસું મળ્યું જેવી સ્થિતિ હતી.
અમિત શાહની ભક્તિ આર.ડી.દેસાઈને ફળી : ચાર વાર ભાજપે ટિકિટ આપી !
1995થી 2020 સુધીમાં ચાર વખત ભાજપે આર.ડી દેસાઈને ટિકિટ આપી. અનેકવાર આર.ડી વિરુદ્ધ રોષ ઉઠ્યો હોવા છતાં અમિત શાહને લીધે તે ફાવી ગયા. આર.ડીનું રાજકારણ સ્થાનિક કક્ષાએ ખુબ નિમ્ન સ્તરનું રહ્યું છે. જેને કારણે જ આ સીટ ઉપર અસંતુષ્ટોમાં વધારો થયો હતો. જો કે પક્ષ સામે જાહેરમાં કોઈની બોલવાની હિંમત નહોતી અને તેનો જ ફાયદો આર.ડીએ સતત ઉઠાવ્યો. આર.ડીને અમિત શાહનો ચુસ્ત ભક્ત માનવામાં આવે છે. શાહના પગની ચરણરજ મેળવતા આર.ડીને વારંવાર અમિત શાહે ઉમેદવાર બનાવીને તેમનો દબદબો આ સીટ ઉપર યથાવત રાખ્યો. અમિત શાહ નારણપુરા વિસ્તારમાં રહેતા હતા તેથી તેમનો દબદબો યથાવત રાખવા નારણપુરા, વાડજ, સાબરમતી જેવી બેઠકો ઉપર તેમના ખાસ ભક્તોને ટિકિટ આપતા રહ્યા છે. આર.ડીને અમિત શાહના પગ પકડ્યા વિના છૂટકો નહોતો કેમ કે તેમના સિવાય તેનો ઉદ્ધાર જ નહોતો.
આ વખતે પણ નવા નિશાળિયાઓને ધારાસભ્યોની “સેવા” ફળી
આવનારી ચૂંટણીમાં વાડજ વોર્ડમાંથી નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ નવા ચહેરાઓને સામાન્ય રીતે કોઈ ઓળખતું નથી પરંતુ ભાજપના ગઢ હોય તેવા વિસ્તારોમાં ઓળખની જરૂર પણ હોતી નથી. આવા વિસ્તારોમાં ભાજપ ગમે તેને ટિકિટ આપી દે તો તે જીત જ મેળવે કેમ કે આવા વિસ્તારોમાં લોકો ઉમેદવાર નહીં પણ પક્ષ અને મોદીને જોઈને મત આપે છે. નવા ચહેરામાં વિરાટ પુરોહિત, નિધિ વાઘેલા, રાજેશ પટેલ અને અનિતા પટેલનો સમાવેશ થાય છે. ખરેખર તો આ ઉમેદવારોને ધારાસભ્યની ભક્તિ ફળી છે કેમ કે ભાજપે આ વખતે મોટાભાગે મંત્રીઓ અને ધારાસભ્યોની નજીકના માણસો કે તેમની ભલામણો વાળા વ્યક્તિઓને ટિકિટ આપી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

“ઓળખીતા વાદ” ચાલ્યો, MLA અને મંત્રીઓની નજીકના લોકોને ટિકિટ, ભાજપમાં ભડકો, પ્રદેશ પ્રમુખ પંચાલ વિરુદ્ધ રોષ

ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !

લ્યો કરો મતદાન : પ્રજા સાથે છેતરપિંડી કરવાનું નવું હથિયાર “બિન હરીફ”, 2021માં 237 લોકો મતદાન વિના જીત્યા !

કરપડા માટે કપરા ચઢાણ : સ્થાનિક ભાજપીઓ નિષ્ક્રિય રહીને અસંતોષ વ્યક્ત કરશે

માણકીથી મર્સીડીસ : કાલુપુર સ્વા. મંદિરના લાલજીએ 60 લાખની મર્સીડીસ લીધી, ધર્મના પૈસે જાહોજલાલી