Face Of Nation 11-04-2026 : ભાજપના કાર્યકરોની મહેનત ઉપર ઇન્સ્ટાગ્રામ ગર્લ હાવી બની ગઈ. આજે કદાચ ભાજપના એ જુના જોગીઓને ધરાઈને પસ્તાવો થતો હશે કે, પ્રજા વચ્ચે દોડાદોડી કરી એના કરતા ઇન્સ્ટાગ્રામમાં મહેનત કરી હોત તો આજે ફળ મળ્યું હોત. ભાજપે ઘણી જગ્યાએ સુંદર દેખાતી અને ઇન્સ્ટાગ્રામ સહીત સોશિયલ સાઇટોમાં ફોલોઅર્સ ધરાવતી મહિલાઓને ઉમેદવાર તરીકે પસંદ કરી છે. જેને લઈને ભાજપના પાયાના કાર્યકરોમાં રોષ ફેલાયો છે. ધારાસભ્યોની નજીક રહેવાનું ઇનામ કેટલાય લોકોને મળ્યું છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. અમદાવાદ અને ગ્રામ્ય વિસ્તાર સહીત જે જે લોકો મંત્રીઓ કે ધારાસભ્યોની આગળ પાછળ ફરતા હતા તેવા કેટલાય લોકોને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એકાદ બે નામ હોય તો તેના ઉદાહરણ તરીકે લખીશકાય પરંતુ અનેક નામો એવા છે કે, જેઓ ધારાસભ્ય કે ચાલુ મંત્રીઓના પડ્યા બોલ જીલતા હતા તેવા તમામ લોકો ઉપર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. પરિવારવાદ કરતા આ વખતે ભાજપમાં ઓળખીતાવાદ વધુ ચાલ્યો છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ઉલ્લેખનીય છે કે, જુના જોગીઓ કોર્પોરેટર હોવા છતાં પ્રજાને તેમના વિસ્તારના કોર્પોરેટરો કોણ છે તેની માહિતી નહોતી તેવામાં નવા ચહેરાઓ કેટલું કાઢું કાઢશે તે પ્રશ્ન છે. જો કે પ્રજા ભાજપના ઉમેદવારને જોઈને મત આપતી જ ન કયો વ્યક્તિ છે તે અંગે પણ કશો ફરક પડશે નહીં. જુના જોગીઓએ નવા નિશાળિયાઓના પ્રચારમાં લાગવું પડશે તે આ ગરમીમાં વધુ આકરું સાબિત થશે.
અમદાવાદ સહીત અનેક મહાનગરોમાં ભાજપે નો રિપીટ થિયરી અપનાવી નવા ચહેરાઓને ઉમેદવારી માટે સ્થાન આપ્યું છે. સમગ્ર અમદાવાદમાં માત્ર 36 લોકોને જ રિપીટ કરવામાં આવ્યા છે. આ 36 લોકોની પહોંચ મજબૂત હતી તેથી તેઓને ફરીથી લાભ મળ્યો છે. અમદાવાદના ગોતા, ચાંદલોડિયા, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, નવાવાડજ, ઘાટલોડિયા, થલતેજ, નારણપુરા, સ્ટેડિયમ, સરદારનગર સહિતના અનેક વિસ્તારોમાં જે નામો મજબૂત દાવેદારીમાં હતા તે તમામ ઉપર પ્રદેશ પ્રમુખ પંચાલની કાતર ફરી છે અને ધારાસભ્યોની આગળ પાછળ ફરતા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. જેને લઈને જુના જોગીઓમાં ભારે અસંતોષની લાગણી ફેલાઈ છે સાથે જ પંચાલ વિરુદ્ધ પણ જુના જોગીઓ બળાપો ઠાલવી રહ્યા છે. કેટલાક વોર્ડમાં તો બે ટર્મ પહેલા ઉમેદવારી કરી ચૂકેલા લોકોએ દાવેદારી નોંધાવી હતી. જે લોકોને આશા હતી તેવા લોકોના ઉમેદવાર તરીકે નામ જાહેર ન થતા ટેકેદારો સાથે ભાજપ પ્રદેશ કાર્યાલય પહોંચીને રાજીનામાં ધરી દીધા હતા તો કેટલાકે ચૂંટણી પ્રચારનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.
પાર્ટી દર વખતે નો રિપીટ કહીને રિપીટ કરે છે તેવી અનેક લોકોની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. કેટલાકે તો વળી ફોર્મ ભરીને તૈયાર પણ રાખ્યું હતું અને શુભેચ્છાઓ પણ સ્વીકારી રહ્યા હતા પરંતુ જેવી યાદી જાહેર થઇ કે પગ નીચેથી જમીન સરકી ગઈ તેવી પરિસ્થિતિ આ લોકોની થઇ હતી. થોડી વાર માટે તો આવા લોકોની હાલત સાપ સૂંઘી ગયો હોય તેવી થઇ ગઈ હતી તો કેટલાક તો રીતસરના રડી પડ્યા હતા. ખેર આ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની પ્રથમ ચૂંટણી છે કે જેમાં તેમની અગ્નિ પરીક્ષા છે. જો આ ચૂંટણીમાં પરિણામો નબળા આવશે તો પંચાલની ઘર વાપસી નક્કી છે. એમ પણ તાજેતરમાં ખડગેના નિવેદનનો વિરોધ કરવા પંચાલનું નિવેદન ઘણું ચર્ચામાં રહ્યું હતું જેને ભાજપની આબરૂના લીરેલીરા ઉડાડી દીધા હતા અને આ સમયે ભાજપના ઘણા દિગ્ગ્જ નેતાઓએ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની પસંદગી સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. ખેર ! નવા ચહેરાઓ અને જુનિયરોને જીતાડવા હવે જુના ચહેરાઓ અને સિનિયરોએ મહેનત કરવી પડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !
વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવી ભાજપ ભેરવાઈ : પ્રમુખને લોકોએ “શાકબકાલું વેચનાર” ગણાવ્યા !



