Face Of Nation 04-04-2026 : જૂથવાદ ફક્ત રાજકારણમાં જ નથી સંપ્રદાયમાં પણ છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં નાના પી.પી. સ્વામી અને મોટા પી.પી સ્વામીનું જૂથ કાર્યરત છે. આ વાત સૌ કોઈ જાણે છે. બંધબારણે નાના પી.પી વિરુદ્ધ મોટા પી.પી ષડ્યંત્રો કરે છે અને મોટા પી.પી. વિરુદ્ધ નાના પી.પી ષડ્યંત્રો કરે છે. બંનેના જૂથમાં કોઈ બનાવ બને તો એકબીજા જૂથ રાજી થાય છે. બંનેનો આશય માત્ર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવાનો છે. આ બધા વચ્ચે આશ્વર્યજનક બાબત એવી છે કે, આચાર્ય કૌશલેન્દ્ર પાંડે જરૂરિયાત મુજબ સમયાનુસાર આ બંનેનો લાભ લઇ લે છે. ગુજરાતીમાં એક વાર્તા હતી કે , “બે બિલાડીઓના ઝઘડામાં એક વાંદરો ફાવી જાય છે”. ખેર ! આજે એ વાર્તાની વાત નથી કરવી. હંમેશા રાજકારણીઓની જ સંગતમાં રહેતા આચાર્યને પણ નેતાઓનો રંગ લાગ્યો છે. ફર્ક માત્ર એટલો છે કે નેતાઓ જાહેર જીવનમાં રાજકારણ રમે છે અને કૌશલેન્દ્ર પાંડે તેમને મળેલી વારસાગત ધર્મસત્તામાં રાજકારણ રમી રહ્યા છે. થોડા સમય અગાઉ જ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંતના શિષ્યો રામ અને મુનિએ સંસારની વાટ પકડી હતી. હાલ નાના પી.પી સ્વામી કે જેઓનો ભૂતકાળ સેક્સસીડી કાંડના આરોપી તરીકે ખરડાયેલો છે તે મુખ્ય મંદિર એટલે કે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત છે. આ મહંતની નાણાં ધીરધારની ચોપડી પણ થોડા દિવસો અગાઉ વાયરલ થઇ હોવા છતાં તેઓ મહંત પદે યથાવત છે. તેઓએ રાજીનામુ આપવાની વાત કરી હોવા છતાં તેમની બદલી કરવામાં આવી નથી. કેમ કે, સંપ્રદાય પાસે એકાદ બેને બાદ કરતા હવે કોઈ સારા અને પ્રતિષ્ઠિત સાધુઓ જ રહ્યા નથી. બીજી બાજુ કૌશલેન્દ્ર પાંડેએ જેતલપુરના મોટા પી.પીના શિષ્ય ધર્મનંદન દાસને બાપુનગર મંદિરના મહંત બનાવી દીધા છે. હાલ સમગ્ર સંપ્રદાયમાં આચાર્ય અને મોટા પી.પી વચ્ચેના સંબંધોને કારણે આ બાબત ચર્ચાસ્થાને છે. મોટા પી.પી અગાઉ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત પદે રહી ચુક્યા છે.
જેતલપુર મંદિરના મહંતનો સમય પૂર્ણ થઇ બદલીનો સમય આવી ગયો છે જેથી સૌ કોઈની નજર જેતલપુર ઉપર હતી કે આચાર્ય ક્યા સાધુની નિમણુંક જેતલપુર મંદિરના મહંત તરીકે કરે છે. આ આશ્વર્ય વચ્ચે કૌશલેન્દ્રએ બાપુનગર મંદિરના મહંતની બદલી કરી જેતલપુરના પી.પીના શિષ્ય ધર્મનંદન દાસની નિમણુંક કરી હતી. આ નિમણુંક થતા જ મોટાભાગના સાધુઓ સ્તબ્ધ થઇ ગયા હતા. જો કે જે સાધુઓ આ બધી બાબતોથી અજાણ હતા તેવા જ સાધુઓ સ્તબ્ધ થયા બાકી કેટલાકને ખબર જ હતી કે, આચાર્ય મોટા પી.પીની ઈચ્છા વિરુદ્ધ ક્યારેય જઈ શકે તેમ નથી. જેના અનેક કારણો છે. જેતલપુર મંદિરના મહંત પદે પણ અન્ય સાધુઓ બેસાડવાને બદલે મોટા પી.પીના જ કોઈ શિષ્યની નિયુક્તિ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં જેતલપુર મંદિરના મહંત પદે મોટા પી.પી જૂથના જ આત્મ સ્વામી ફરજ બજાવે છે. લોકોને થયેલા આશ્વર્યની વાત આટલેથી અટકતી નથી. સૌથી મોટું કારણ તો એ છે કે, આચાર્યએ જયારે જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે, “સીધા નહીં ચાલનારા બધાનો વારો આવશે” તેવામાં જેતલપુર ગુરુકુળ ન લખી આપનારા મોટા પી.પી સ્વામીના શિષ્યને કેમ આટલો શિરપાવ આપવામાં આવ્યો ?
મંદિરોની આવક તરફ મંડાતી આચાર્યની નજર હવે સંસ્થાના સાધુઓ દ્વારા ઉભા કરવામાં આવેલા ગુરુકુલોની આવક ઉપર અટકી છે. જેથી અત્યાર સુધી મંદિરો લખી આપવાની જીદ હવે ગુરુકુળ લખી આપવામાં તબદીલ થઇ છે. જો કોઈ આ જીદને તાબે ન થાય તો તેની વિરુદ્ધ “સંપ્રદાય વિરુદ્ધની કામગીરી” કરી હોવાના આરોપ લગાવીને હાંકી કાઢવામાં આવે છે. જેમાં વ્હાલા દવલાની નીતિ પણ અપનાવાઈ રહી છે. જેતલપુરનો મોટો પી.પી આચાર્ય અને લાલજીના તમામ કાંડથી વાકેફ હોઈ જેતલપુર ગુરુકુળ લખી આપવામાં ન આવ્યું તેમ છતાં આચાર્યએ તેમના શિષ્યને મહંત પદ આપ્યું છે. બસ, આ વાત હાલ ચર્ચા સ્થાને આવી ગઈ છે અને આચાર્યની મોટા પી.પી આગળ પીપુડી વાગતી ન હોવાનું ચિત્ર ઉભું થયું છે. ઉલ્લેખનીય છે કે, કાલુપુરના એક સ્વામીએ નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે, જેતલપુરના ઉત્સવ સમયે આચાર્ય, લાલજી અને મોટા પી.પીની એક બંધબારણે મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં આચાર્ય દ્વારા કેટલીક માંગણીઓ કરવામાં આવી હતી. આ માંગણીઓને તાબે નહિ થતા મોટા પી.પીએ આચાર્યને ધમકી આપી દીધી હતી કે, “હું તમારા બધા કાંડ જાહેર કરી દઈશ મને શાંતિથી ઉત્સવ પૂરો કરવા દો” જેથી આ મિટિંગ અધવચ્ચેથી છોડીને આચાર્ય અને લાલજી જુદી જુદી ગાડીઓમાં રવાના થઇ ગયા હતા. ઉત્સવ દરમ્યાન આચાર્યની વર્તણુક જ કહી આપતી હતી કે, તેઓ રાજી નથી. બાંધબારણે પી.પીએ આચાર્યને અને આચાર્યએ પી.પીને શું કહ્યું તે તો તેઓ જ જાણે પરંતુ અહીં નોંધનીય છે કે, એક સમય એવો હતો કે જેતલપુરના મોટા પી.પી સતત આચાર્ય અને લાલજીની સાથે રહેતા હતા. આચાર્ય કે લાલજીને કોઈ તકલીફ આવી ચઢે તો મોટા પી.પી દોડીને તેમનો સહારો બનતા હતા. સમયાનુસાર મોટા પી.પી સાઈડલાઈન થયા અને નાના પી.પીનું વર્ચસ્વ વધ્યું. નાના પી.પીનું વધતું વર્ચસ્વ અને તેમના શિષ્યોની પ્રગતિથી મોટા પી.પી આકુળ વ્યાકુળ થઇ ગયા હતા પરંતુ આચાર્ય ફક્ત નાના પી.પીનું અને તેમના શિષ્યોનું જ સાંભળતા હોવાથી મોટા પી.પીનું કશું ઉપજતું નહોતું. જો કે તાજેતરમાં નાના પી.પીના શિષ્યો સંસારમાં જતા જ તેની ખુબ બદનામી થઇ. બસ, આ જ તકનો લાભ મોટા પી.પીએ ઉઠાવી લીધો અને આચાર્ય ઉપર તેની મજબૂત પકડ ફરીથી જમાવી દીધી. રાજકારણની જેમ મોટા સંપ્રદાયોમાં પણ ભગવા વસ્ત્રોની આડમાં અઠંગ રાજકારણીઓ છુપાયેલા હોય છે.
ગુરુકુળો ધંધો છે તો આચાર્યને કેમ આ ધંધામાં રસ છે ?
આચાર્ય પાંડેએ તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ બધા ગુરુકુળો શું છે ? ધંધો છે”. હવે એ સમજાતું નથી કે જો ગુરુકુળ ધંધો છે તો પછી આચાર્ય કેમ આ ધંધાને લખી આપવાની જીદે ચઢ્યા છે. “ખાવા ન મળ્યું એટલે ખરાબ” એવી આચાર્યની વૃત્તિ બની ગઈ છે અને આ વૃત્તિ માત્ર કેટલાક લોકો માટે જ છે. જ્યાં તેમની પીપુડી ન વાગે ત્યાં આ વૃત્તિ કશું ઉખાડી શકતી નથી. ગુરુકુલો જો ધંધો જ છે તો પછી કેમ તે ધંધો કરવાની જેતલપુરના મોટા પી.પીને છૂટછાટ છે અને કલોલના પ્રેમસ્વરૂપ સ્વામીને છૂટછાટ નથી ? કેમ કે, જેતલપુરના પી.પી આચાર્યના કાંડ જાણે છે અને પ્રેમસ્વરૂપ સ્વામી કશું જાણતા નથી એટલે ? આ પ્રશ્નોના જવાબ આચાર્ય પાસે નથી કેમ કે આચાર્ય પાસે હવે કોઈ સારા અને સાચા સાધુઓ જ રહ્યા નથી. જે છે તેમાંના મોટાભાગના કોઈક ને કોઈક ભૂતકાળથી કે આક્ષેપોથી ખરડાયેલા છે. સમાજ કે સંપ્રદાયમાં વર્ચસ્વ ધરાવનારા સાધુઓ આચાર્યને ખટકે છે.
અત્યાર સુધી રામ અને મુનિનો ઉપયોગ કર્યો
સંસારમાં ગયેલા રામ અને મુનિને પહેલા આચાર્ય અને લાલજી તમામ જગ્યાએ સાથે રાખતા હતા. આ બંને સાધુઓનો આચાર્ય અને લાલજી દ્વારા દેશ વિદેશમાં ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. કથા માટે હંમેશા આચાર્ય અને લાલજી દ્વારા રામને જ આગળ કરવામાં આવતો હતો. રામના કાંડથી આચાર્ય અને લાલજી સારી રીતે વાકેફ હતા પરંતુ તેમના લાભ માટે કશું કહેવા તૈયાર નહોતા. વાત જયારે હદથી વધી ગઈ ત્યારે આચાર્યએ જ રામ સાથે છેડો ફાડીને તેને કાઢી મુકવાનો હુકમ કર્યો. જેની આગળ કોઈનું કશું ચાલ્યું નહીં.
આચાર્યને માથે અભિમાન ચઢી ગયું છે
સાધુઓને ટીસ્યુ પેપરની જેમ વાપરીને સાઈડલાઈન કરવાની વૃત્તિ ધરાવતા આચાર્ય પાંડેને પદનું અભિમાન ચઢી ગયું છે. “કોણ શું ઉખાડી લેશે ? આપણી તો પેઢી ચાલે છે”. “બદનામ હુઆ તો ક્યાં હુઆ, નામ તો હુઆ”ની આચાર્યની વિચારશરણીને લીધે આજે સંપ્રદાય પણ વેરવિખેર થઇ ગયો છે. સાચા અને સારા સાધુઓનો મહિમા ન રાખીને આચાર્યએ સંપ્રદાયને તોડી નાખ્યો છે. કોઈ એવા મજબુત સાધુઓ પણ રહ્યા નથી કે જે આચાર્યને ખોટા કહી શકે. બધા બધું જાણતા હોવા છતાં આચાર્ય સામે કશું બોલવા તૈયાર નથી. સંસાર છોડીને આવેલા સાધુઓને કાઢી મૂકે તો આખરે ક્યાં જાય તે ડરથી સૌ કોઈ ચૂપ રહેવાનું જ મુનાસીબ માને છે.
લાલજીની નગ્ન સેલ્ફીકાંડમાં પણ મોટો પી.પી સહારો બન્યો અને નામચીન ગુંડાના પગ પકડ્યા !
સમગ્ર સંપ્રદાયમાં જેતલપુરનો મોટો પી.પી એક એવો રાજકીય ગેમ પ્લાન કરનારો સાધુ છે કે જેનાથી આચાર્ય અને લાલજી ડરની લાગણી અનુભવે છે. ફેસ ઓફ નેશન જેતલપુરના મોટા પી.પીના કાંડથી બખૂબી વાકેફ છે. જયારે ફેસ ઓફ નેશને સ્ટિંગ ઓપરેશન કર્યું અને લાલજી વજેન્દ્ર પાંડેનો નગ્ન સેલ્ફીકાંડ ઉજાગર કર્યો ત્યારે આ જ પી.પીનો સહારો ધર્મકુળે લીધો હતો અને પી.પીએ અમદાવાદના માથાભારે નામના ધરાવતા વ્યક્તિના પશ્ચિમ વિસ્તારમાં ફાર્મ હાઉસમાં પી.પીએ મુલાકાત લઇ ફેસ ઓફ નેશનના એડિટરનો રસ્તો કરવા માટે રીતસર તેના પગ પકડ્યા હતા. જેને લઈને આ ફેસ ઓફ નેશનના તંત્રીનો આ ગુંડાના માણસો દ્વારા સમ્પર્ક કરીને ફાર્મ હાઉસ ઉપર બોલાવવામાં આવ્યા હતા. બાદમાં સચ્ચાઈ જાણ્યા બાદ આ મામલે પોતે કોઈ ભાગ ન ભજવવા માંગતા હોઈ તેમણે ફેસ ઓફ નેશનના તંત્રીની હાજરીમાં મોટા પી.પી સાથે ફોન કરી સ્પીકર ઉપર વાતચીત કરી હતી. જો કે, પી.પીને ખબર નહોતી કે તે સમયે ફોન સ્પીકર ઉપર હતો અને ફેસ ઓફ નેશનના તંત્રી આ ફોન સાંભળી રહ્યા હતા. બાદમાં આ જ મોટા પી.પીએ થલતેજ ખાતે એક બિલ્ડરના ફાર્મ હાઉસમાં મિટિંગ કરીને લાલજીના નગ્ન ફોટા પોતાને આપવા અથવા તો વાયરલ કરવા કહ્યું.
હંમેશા ભાગદોડ કરતો “કાગળો” કેમ શાંત છે ?
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એક સમયે મંદિરના મહંત પદે રહી ચૂકેલ અને “કાગળા”ના ઉપનામ તરીકે ઓળખાતા સ્વામી કેમ શાંત છે તે એક પ્રશ્ન છે. રાજનેતાઓ અને પત્રકારો સાથે સતત સંપર્કમાં રહેતા આ સ્વામી હાલ શાંત થઈને બેઠા છે. તેઓ પાસે રહેલું ગુરુકુળ બંધ કરીને હાલમાં તેમના શિષ્યને અમદાવાદ બહાર હાઇવે ઉપરના એક મંદિરમાં મહંત બનાવવામાં આવતા સૌ કોઈએ ત્યાં ડેરા લગાવ્યા છે. તેમના આ શિષ્યને આચાર્ય અને લાલજી ખુબ માનપાન આપી રહ્યા છે. રામની કમી હવે આ શિષ્ય દ્વારા પુરી કરવામાં આવી રહી છે. ખેર ! એક સમયે સતત કાર્યરત રહેતા આ સ્વામીની શાંતિ સૌ કોઈને પ્રશ્નો કરાવી રહી છે. લાલજીના નગ્ન સેલ્ફી કાંડ વેળાએ પણ આ સાધુ ખુબ કાર્યરત રહ્યા હતા. ફેસ ઓફ નેશને તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પાવર હર્ષ સંઘવીનો : આનંદીબેનના સમયનું પુનરાવર્તન ?



