Face Of Nation 10-04-2026 : ભાજપે યાદી જાહેર કરતા પહેલા અમદાવાદ સહીતના તમામ મહાનગરોમાં ઉમેદવારોને ફોન કરીને જાણ કરી દીધી છે. ફોર્મ ભરવા સહીત તમામ અંતિમ તૈયારીઓ કરવા માટે ભાજપે મોટાભાગના તમામ ઉમેદવારોને ગુરુવારે જ ફોનથી જાણ કરી દીધી છે. દરેક ઉમેદવારને વિશ્વાસુ ડમી ઉમેદવારનું ફોર્મ ભરીને તૈયાર રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. આજે શુક્રવારે ભાજપ ફાઇનલ યાદી જાહેર કરે તેવી શક્યતા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ એટલે કે શનિવાર છે અને તે પહેલા સત્તાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવશે. નક્કી થયેલા ઉમેદવારોને પ્રજાના સંપર્કો શરૂ કરવા માટે પણ જણાઈ દેવામાં આવ્યું છે. મોટાભાગના વિસ્તારમાં ઉમેદવારોમાં નવા ચહેરાને તક અપાઈ છે. ઘણા વિસ્તારોમાં એવું ચિત્ર થશે કે નામ જાહેર થતા જ લોકો ચોંકી પણ જશે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં એક એક બેઠક માટે 50થી વધુ બાયોડેટા આવ્યા છે. આ દાવેદારોમાં સૌથી રમુજી વાત એવી હતી કે, કેટલાક દાવેદાર પોતાને ટિકિટ કેમ આપવી અને અન્યને કેમ ન આપવી તેના કારણો પણ રજૂ કરતા હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની ટક્કર કરતા ભાજપ-આપની ટક્કર વધુ ચર્ચામાં છે.
ગુજરાતમાં આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થાય તેના એક દિવસ પહેલાં ભાજપ દ્વારા સંભવિત ઉમેદવારોને ફોન કરીને તેમની પસંદગી અંગે જાણ કરવામાં આવી છે. પક્ષ જાહેર ન કરે ત્યાં સુધી નામ જાહેર ન કરવાની શરત સાથે અમદાવાદના આવા કેટલાક ઉમેદવારોએ ફેસ ઓફ નેશન સાથે વાત કરી હતી. આ બાબતે ભાજપના જ સૂત્રો પાસેથી જાણકારી મેળવતા જાણવા મળ્યું કે, પાર્ટી હાઈકમાન્ડે અંતિમ યાદી જાહેર થાય તે પહેલાં જ પસંદગી થયેલા ઉમેદવારો સાથે સીધી વાતચીત કરી હતી. આ ફોન કૉલ દ્વારા તેમને ચૂંટણી માટે તૈયાર રહેવા, પ્રચારની શરૂઆત કરવા અને સ્થાનિક સંગઠન સાથે સંકલન બેસાડવા સૂચના આપવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં એવા સંકેતો પણ મળ્યા છે કે, ફોન દ્વારા મળેલી માહિતી પછી સ્થાનિક સ્તરે રાજકીય ગતિવિધિઓ ઝડપથી વધવા લાગી હતી. કેટલાક લોકો ઢોલ-નગારા સાથે પાર્ટીના આદેશથી પ્રજા વચ્ચે ઉતરી પડ્યા હતા. મોટાભાગના તમામ વિસ્તારોમાં તમામ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રચારની શરૂઆત કરી દીધી છે, જેના કારણે સત્તાવાર જાહેરાત પહેલા જ રાજકીય માહોલ તૈયાર થઈ ગયો છે.
આજે એટલે કે શુક્રવારની રાત સુધીમાં ભાજપ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરશે. જે યાદી બાદ શનિવારે સવારે ટેકેદારો અને કાર્યકરો સાથે ઉમેદવારો ભરેલા ફોર્મ જમા કરાવવા પહોંચશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !
“ખાખી”નો લક્ષ્ય “ખાદી”, કામગીરી ઉપર શંકા : નિનામા જેવા અનેક IPS-IAS સત્તા માટે દલાલી કરે છે ?



