Face Of Nation 09-04-2026 : ખાખી ધારીઓ ભાજપની શરણ લઈને ખાદી ઓઢતા હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે. સરકારી ફરજ ઉપર રહેનારા અને ખાદી પહેરનારા અધિકારીઓના કાર્યકાળ દરમ્યાન નિષ્પક્ષતા અને પારદર્શિતા રાખવામાં આવી હશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે કેમ કે, નેતાગીરી ક્યારેય ઉચ્ચ નેતાગીરીના આશીર્વાદ વિના મળતી નથી. જો તમે સત્તાધારી પક્ષની જી હજુરી કરી હોય કે તેમને યોગ્ય લાગે તેવી કામગીરી કરી હોય તો બદલામાં તેઓ તમને ચૂંટણીમાં ટિકિટ આપે છે, આ ટિકિટના બદલામાં સરકારી હોદ્દાની રૂએ તમે કેટલા નેતાજીના કામો કર્યા છે અને કેટલા સત્તાધારી પક્ષના હિતમાં કામો કર્યા છે તે ચોક્કસ ધ્યાને લેવાય છે. તેવામાં એ પ્રશ્ન ચોક્કસ ઉદભવે છે કે, હોદ્દાની રૂએ અત્યાર સુધી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિશ્વનીયતા કેટલી ? તાજેતરમાં આઇપીએસ અધિકારી મનોજ નિનામા ખાખીનો ત્યાગ કરીને ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે તેવા સમાચારો પ્રકાશમાં આવ્યા છે. તેવામાં સરકારી નોકરીના કાર્યકાળ દરમ્યાન નિનામાએ કેટલા નકામા કામ કર્યા હશે તે એક સવાલ છે.
ખાખી અને ખાદી આ બે અલગ ઓળખ છે પરંતુ બંને એકબીજાના પર્યાય બની ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ બે વચ્ચેની રેખા ધૂંધળી થતી જાય છે. એક સમયે કાયદો અને વ્યવસ્થાના નિષ્પક્ષ રક્ષક તરીકે ઓળખાતા આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ હવે નિવૃત્તિ બાદ રાજકારણમાં પ્રવેશતા જોવા મળે છે. અધિકારીઓ પોતાની ફરજ દરમિયાન રાજકીય ઝુકાવ રાખતા હોય છે. તેઓ મહત્વના નિર્ણયોમાં સત્તાધારી પક્ષને અનુકૂળ વલણ અપનાવતા હોય છે, જે પછી તેમના રાજકીય પ્રવેશ માટે રસ્તો સરળ બનાવે છે. આ પ્રકારે “ખાખી” (વહીવટી સત્તા)માંથી “ખાદી” (રાજકારણ) તરફનો પ્રવાસ માત્ર કારકિર્દી બદલવાનો મુદ્દો નથી, પરંતુ તે સિસ્ટમની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઊભા કરે છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એવા ઉદાહરણો સામે આવ્યા છે જ્યાં ઉચ્ચ પદ પર રહેલા અધિકારીઓ નિવૃત્તિ પછી કે ચાલુ નોકરીમાં રાજીનામુ ધરીને સીધા ભાજપમાં જોડાયા છે.
જ્યારે કોઈ અધિકારી સત્તામાં રહેલી પાર્ટી સાથે નજીકના સંબંધો બનાવે છે, ત્યારે તે લોકશાહી માટે જોખમરૂપ બની શકે છે. કારણ કે તે નિર્ણયોની નિષ્પક્ષતા અને પારદર્શિતાને અસર કરે છે. ખાસ કરીને કાયદા અને વ્યવસ્થા જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં કાર્યરત અધિકારીઓ માટે આ મુદ્દો વધુ ગંભીર બને છે. આ સાથે જ કેટલાક એવા કેસો પણ ચર્ચામાં આવ્યા છે, જ્યાં અધિકારીઓના કાર્યકાળ દરમિયાન વિવાદાસ્પદ નિર્ણયો લેવામાં આવ્યા અને પછી તેઓ રાજકીય રીતે સક્રિય થયા. આ પરિસ્થિતિએ સામાન્ય નાગરિકોમાં શંકા ઉભી કરી છે કે શું આ બધું પહેલેથી જ આયોજનબદ્ધ હતું? કદાચ સમય આવી ગયો છે કે આઈએએસ(IAS) અને આઈપીએસ(IPS) અધિકારીઓ માટે રાજકારણમાં પ્રવેશ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવામાં આવે, જેથી સિસ્ટમ પર લોકોનો વિશ્વાસ જળવાઈ રહે.
ખાખીથી ખાદી તરફ વળેલા અધિકારીઓ :
1. કે.ડી. પંત (IPS)
ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી. નિવૃત્તિ બાદ ભાજપ સાથે જોડાયા અને રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય બન્યા.
2. પી.સી. બારોટ (IPS)
ગુજરાતના પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ પદ પર રહ્યા હતા. નિવૃત્તિ પછી તેઓ ભાજપમાં જોડાયા અને ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો હતો.
3. આર.બી. શ્રીકુમાર (IPS)
ભલે તેઓ ભાજપમાં જોડાયા નહીં હોય, પરંતુ ગુજરાત પોલીસમાં ઉચ્ચ પદ પર રહી ચૂકેલા આ અધિકારી બાદમાં રાજકીય રીતે સક્રિય થયા અને સરકારની નીતિઓ સામે ખુલ્લેઆમ બોલ્યા. આ કિસ્સો પણ ખાખીથી રાજકારણ તરફના પરિવર્તનનું ઉદાહરણ માનવામાં આવે છે.
4. સંજય પ્રસાદ (IAS)
ગુજરાતમાં મહત્વપૂર્ણ વહીવટી પદો પર રહેલા IAS અધિકારી. તેઓ સીધા રાજકારણમાં આવ્યા ન હોવા છતાં સત્તાધારી તંત્ર સાથેની નજીકતાને કારણે ઘણીવાર ચર્ચામાં રહ્યા.
5. અરુણ શર્મા (IAS)
ગુજરાતમાં લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ કેન્દ્ર સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. નિવૃત્તિ પછી રાજકીય રીતે સક્રિય થવાની અટકળો પણ ચાલી હતી.
આમ, આવા અનેક સરકારી અધિકારીઓ છે કે જે સીધી કે આડ્કતરી રીતે “સત્તાના દલાલ” તરીકેની જવાબદારી સંભાળે છે. જેમને સમય સમયે તેમની કાર્યશૈલીને લઈને સત્તાધીશો દ્વારા ઇનામ પણ આપી દેવામાં આવે છે. લોકશાહી માટે આ એક જબરદસ્ત નુકસાનરૂપ અને ખતરારૂપ બાબત છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).



