Face Of Nation 17-04-2026 : એક સમય એવો હતો કે, જયારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઘરે સમાચાર પત્રો વાંચતા અને એવી કોઈ બાબત તેમના ધ્યાને આવતી તો સુઓમોટો રિટ દાખલ થતી. ઘરેથી કોર્ટ સુધી જતા રસ્તામાં એવી કોઈ બાબત નજરે ચઢતી તો પણ સુઓમોટો રિટ દાખલ કરવામાં આવતી અને આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તાધારી ભાજપે શામ, દામ અને દંડનો ઉપયોગ કરીને લોકશાહીના ચીંથરે ચીંથરા ઉડાડી દીધા છે ત્યારે કેમ હાઇકોર્ટ સુઓમોટો રિટ દાખલ કરીને ન્યાયિક તપાસ કે તટસ્થ તપાસના આદેશ નથી કરતી ? જયારે ચૂંટણી પંચ પણ સરકારના ઈશારે કામ કરે અને 700થી વધુ ઉમેદવારો બિનહરીફ બની જાય છતાં કોઈ કાર્યવાહી ન કરે ત્યારે પ્રજાના હિતમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સુઓમોટો રિટ દાખલ કરવી જરૂરી બની જાય છે. મીડિયાની જવાબદારી સમજીને આજે જાહેરમાં અમે આ લેખ મારફતે માનનીય ચીફ જસ્ટિસ સાહેબને વિનંતી કરીએ છીએ કે, નામદાર સાહેબ શ્રી આપ સુઓમોટો રિટ દાખલ કરો અને પ્રજાને તેમનો મતાધિકારનો લાભ અપાવો. પ્રજા આજે પણ આપ સાહેબની કોર્ટને ભગવાન માને છે, જ્યાં ન્યાય થશે તેવી તેમને આશા છે. જો આ સમયે આપ કોઈ કાર્યવાહી નહીં કરો તો રાજ્યના ઇતિહાસમાં આ ઘટના લખાશે. પોલીસ એ હદે સત્તાધારી ભાજપના ઈશારે કાર્યવાહી કરી રહી છે કે જેની કોઈ સીમા નથી. પોલીસ જ જાણે કે ભાજપના કાર્યકર અને નેતાની ભૂમિકામાં આવી ગઈ છે, જે ખુબ ગંભીર બાબત છે.
ઇતિહાસમાં ક્યારેય ન બનેલી ઘટના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બની છે. સમગ્ર રાજ્યના નાગરિકોને ખબર પડી ગઈ છે કે, ચૂંટણી પંચ સત્તાના પ્રભાવમાં કામગીરી કરી રહ્યું છે. આ બાબત લોકશાહી માટે ખતરનાક છે. મોટી સંખ્યામાં ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાયા છે, જે બાબતે ચૂંટણી પંચની કામગીરી પણ શંકાના દાયરામાં જતી રહી છે. આ સમયે નાગરિકોને તમામ બાબતોથી ઉપર એવી નામદાર હાઇકોર્ટ ઉપર એક આશા હોય છે કે, ચીફ જસ્ટીશ આ બાબતને ગંભીરતાથી લઈને ચૂંટણીપંચ અને સરકારને કઠેડામાં બોલાવી સવાલો કરશે અને યોગ્ય કાર્યવાહી કરશે. પાંચ વર્ષથી પોતાના મતાધિકારની રાહ જોઈને બેઠેલી પ્રજાને છેતરીને શામ, દામ અને દંડના સહારે ઉમેદવારોના ફોર્મ રદ્દ કરાવી દેવા તે લોકશાહીમાં કાળી ટીલી સમાન છે.
ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા, પૈસાની ઓફરો કરવી આ તમામ બાબતોના કોલ રેકોર્ડિંગો વાયરલ થયા છે. સત્તાએ સરકારી સંસાધનો અને પોલીસનો ભરપૂર ઉપયોગ કર્યો હોવાનું ચિત્ર પણ જોવા મળ્યું છે. અનેક ઠેકાણે ઉમેદવારોને કિડનેપ કરવામાં આવ્યા હોવાના બનાવો પણ બન્યા છે. આ બાબતને ગંભીરતાથી લેવી અત્યંત જરૂરી છે. ટીવીમાં અને સમાચાર પત્રોમાં સમાચારો છે કે, ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મીડિયા તરીકે અમે પ્રજાનો અવાજ બની રહ્યા છીએ અને આ અવાજ આપ સુધી પહોંચાડી રહ્યા છે. ડાયરા કલાકારો અને કથાકારો જયારે સત્તાની ચાપલુસી કરે છે ત્યારે આજે ખરેખર રાજ્યની જનતા સાથે ખોટું થઇ રહ્યું છે ત્યારે કેમ આ બધા ચૂપ છે તે પણ પ્રશ્ન છે.
ઉમેદવારોને પૈસા આપીને ખરીદવાના અનેક ઓડિયો વાયરલ થઇ રહ્યા છે. જે બાબતે આજદિન સુધી કોઈ પોલીસ ફરિયાદ કે કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી નથી. હવે, આ બધી બાબતો હાઇકોર્ટ દ્વારા પણ નજરઅંદાજ કરવામાં આવશે તો તે એક ગંભીર વાત બની જશે. અમે આપ સાહેબને વિનંતી કરી રહ્યા છીએ જે બાબતે અમારા દ્વારા કાંઈ ખોટું થતું હોય તો અમે આપ સાહેબની માફી માંગીએ છીએ, પરંતુ પ્રજાના હિતમાં આ મામલે તત્કાલ કાર્યવાહી કરવા સુઓમોટો રિટ દાખલ કરવામાં આવે તેવી અમે આપ સાહેબને કરબદ્ધ પ્રાર્થના કરી રહ્યા છીએ.
નામદાર ચીફ જસ્ટિસ શ્રી, રાજ્યની તમામ જનતાને આશા છે કે આપ સુઓમોટો રિટ દાખલ કરશો અને આ સમગ્ર બાબતે તાત્કાલિક કાર્યવાહી કરીને રાજ્યની જનતાને ન્યાય અપાવશો. આ ન્યાય પણ એવો હશે કે, ભવિષ્યમાં કોઈ ફરીથી મતદારો સાથે અન્યાય કે છેતરપિંડી કરવાનો પ્રયાસ ન કરે. જો આપ સાહેબ દ્વારા પણ ચુપકીદી રાખવામાં આવશે અને આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પ્રજાને કાયદા ઉપરથી ભરોસો ઉઠી જશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
પક્ષના સિદ્ધાંતોને ખાડામાં નાંખી “હલકી રાજનીતિ”ના સહારે BJP, લોકશાહી અંત તરફ, તાનાશાહીનો ઉદય
કથાકાર જીગ્નેશ દાદાનું બિલ્ડરોને 2 થી 3 ટકે પૈસા ધિરાણ !, અનુયાયીઓનો ઇન્કાર



