Face Of Nation 16-04-2026 : તાનાશાહી લોકશાહીને અંત તરફ ધકેલી રહી છે. પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને પત્રકારત્વ પણ સત્તાને શરણે પહોંચી ગયું છે. સત્તાધારી ભાજપ અને તેના આજના નેતાઓએ પક્ષના મૂળ સિદ્ધાંતોને ખાડામાં નાખીને જાણે કે હલકી રાજનીતિનો સહારો મેળવ્યો છે. રાજ્યમાં એટલી નબળી પરિસ્થિતિ થઇ ગઈ છે કે, સત્તા સામે બોલવાની કે સવાલ કરવાની કોઈ હિંમત કરી રહ્યું નથી. જે હિંમત કરે છે તેને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને શામ, દામ અને દંડ વાપરીને તોડવાના પેંતરા કરાઈ રહ્યા છે ત્યારે પ્રશ્ન થાય કે, જો ભાજપ લોકપ્રિય પાર્ટી છે અને વિકાસના કામો કર્યા જ છે તો વિરોધ પક્ષના ઉમેદવારો તોડવાની શું જરૂર પડે છે. ખરેખર ભાજપને આ ચૂંટણીમાં હારનો ડર પેઠો છે કે નિમ્ન કક્ષાની રાજનીતિના સહારે આવી ગયું છે તે પ્રશ્ન આજે સૌ કોઈને થઇ રહ્યો છે.
ભારત જેવી વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે રાજકીય પક્ષોની નીતિ, સિદ્ધાંતો અને લોકહિત પ્રત્યેની પ્રતિબદ્ધતા અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકારણમાં એવી ઘટનાઓ જોવા મળે છે, જ્યાં આદર્શો કરતાં સત્તા પ્રાપ્ત કરવી અને તેને જાળવી રાખવી વધુ પ્રાથમિકતા બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ પરિસ્થિતિ જોતા ચોક્કસ એમ થાય કે, શું રાજકારણ “સિદ્ધાંતો” પરથી “હલકી રાજનીતિ” તરફ આગળ વધી રહ્યું છે ? પરંપરાગત રીતે ભાજપ પક્ષ તેના પોતાના વિચારો અને સિદ્ધાંતો પર આધારિત રાજકારણ કરતું આવ્યું છે પરંતુ મોદીના શાસન બાદ વિચારો અને સિદ્ધાંતોને માળીયે ચઢાવી દેવામાં આવ્યા છે. રાજનીતિમાં કાવાદાવાઓ હોઈ શકે છે પરંતુ હાલમાં સત્તાધારી ભાજપ પક્ષ જેટલી હલકી રાજનીતિના સહારે ઉતર્યું છે તે કદાચ ભારતના ઇતિહાસની એક નોંધ સમાન છે. આજકાલ પક્ષ બદલતા નેતાઓ, વિવાદાસ્પદ ગઠબંધનો અને તાત્કાલિક ફાયદા માટે લેવાતા નિર્ણયો રાજકારણની દિશા બદલતા જણાય છે. વિરોધ પક્ષને દબાવી દેવો, સરકારી તંત્રને મુઠ્ઠીમાં લઇ લેવું અને મીડિયાને જાહેરાતની આડમાં ખરીદી લેવું અથવા સાચું લખે તો તેની સામે ખોટા કેસો ઉભા કરીને હેરાન પરેશાન કરી નાખવા જેવી બાબતો આજના શાસનનું મુખ્ય હથિયાર બની ગયું છે. ગુજરાત સહિત દેશભરમાં છાસવારે વિરોધ પક્ષના ધારાસભ્યો અથવા નેતાઓ સત્તાધારી પક્ષમાં જોડાતા જોવા મળ્યા છે. ભાજપ હવે કોંગ્રેસ યુક્ત ભાજપ પાર્ટી બની ગઈ છે. સામાન્ય પ્રજાના હાથમાં હવે કશું નથી, મતનો અધિકાર પણ વિરોધી નેતાઓને તોડીને છીનવી લેવામાં આવ્યો છે. ઠેર ઠેર બિનહરીફ ઉમેદવારો જાહેર થઇ રહ્યા છે અને ચૂંટણીપંચ શાંતિથી સમગ્ર તમાશો નિહાળી રહ્યું છે. આ બધી ઘટનાઓ એ વાતની ચાડી ખાય છે કે, આવનારો સમય “ભાજપની તાનાશાહી”નો હશે. જેમાં કોઈ વિરોધ પક્ષ કે સત્તા સામે બોલનારું હશે જ નહીં અને પ્રજા લમણે હાથ દઈને પસ્તાળ પાળશે કે, અમે ક્યાં આ પક્ષને સત્તામાં લાવ્યા.
મજબૂત લોકશાહી માટે મજબૂત વિરોધ પક્ષ જરૂરી છે. સ્વતંત્ર સંસ્થાઓનું નિષ્પક્ષ કાર્ય મહત્વપૂર્ણ છે. મતદારોનો વિશ્વાસ જાળવવો સૌથી મોટો આધાર છે. આ બધી બાબતો આજે ભુલાઈ ગઈ છે અને માત્ર એક જ પાર્ટી સર્વસ્વ એવું ચિત્ર ઉભું કરી દેવામાં આવ્યું છે. રાજકારણમાં પરિવર્તન સ્વાભાવિક છે, પરંતુ જો તે પરિવર્તન સિદ્ધાંતોને પાછળ મૂકી માત્ર સત્તા કેન્દ્રિત બની જાય, તો તે લોકશાહી માટે ચિંતાજનક બની જાય છે. ગુજરાતના ડાયરા કલાકારો, કથાકારોથી માંડીને સૌ કોઈ ભાજપના ગુણગાન ગાઈ નેતાઓના ખોળે બેસી ગયા છે. જે જે વ્યક્તિઓને પ્રજાએ મહત્વ આપ્યું કે ઓળખાણ આપી કે આવકાર આપ્યો તે તમામ લોકોએ સત્તાધારી ભાજપના ખોળે બેસીને પ્રજાને ઠેંગો દેખાડી દીધો. પ્રજાને છેતરી અને જયારે પ્રજાનો વારો આવ્યો મતદાન થકી જવાબ આપવાનો ત્યારે પ્રજા પાસેથી મતદાનનો અધિકાર જ છીનવી લીધો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
પાખંડી રામ સ્વામીને સ્થાને જીગ્નેશ દાદા અમેરિકામાં કથા કરશે : કાલુપુર સ્વામી. સંપ્રદાય “દાદા”ને શરણે
સત્તા માટે “બેશરમ” લોકોએ લોકશાહીના લીરેલીરા ઉડાડ્યા : “બિનહરીફ” માટે શામ, દામ અને દંડનો ઉપયોગ



