Face Of Nation 18-04-2026 : ભારતમાં 56 કરોડ દેવી દેવતાઓ થઇ ગયા. આ ધાર્મિક દેશમાં ક્યારેય કોઈ આઈસ્ટાઈન, ન્યુટન, જેમ્સ બોન્ડ જેવી હસ્તીઓએ જન્મ ન લીધો, પરંતુ બાબા રામરહીમ, રામપાલ, આસારામ, નિર્મલ બાબા જેવા પાખંડીઓએ જન્મ લીધો. અનેકવાર મીડિયા જયારે આવા બાબાઓના કે કથાકારોના સમાચાર લખે છે ત્યારે લોકો પ્રશ્ન કરે છે કે, હિન્દૂ ધર્મ જ કેમ તમને નજરે ચઢે છે ? જવાબ એ છે કે, વિશ્વમાં સૌથી વધુ પાખંડીઓ હિન્દૂ ધર્મનું ઓઢણું ઓઢીને લોકોને છેતરીને મૂર્ખ બનાવીને તેમની દુકાન ચલાવી રહ્યા છે. આજે વાત કરવી છે, છેલ્લા દસેક વર્ષથી હાઈફાઈ કથાકારોના લિસ્ટમાં આવેલા જીગ્નેશ ઠાકરની. સામાન્ય રીતે જોવા જઈએ તો આ બધા કથાકારો પૈસાદાર લોકોને જ પરવળે, કેમ કે તેમની કથા કરવાના ભાવો પણ લાખ્ખોમાં હોય છે. વળી, કથા કરતા કરતા આ કથાકારો જેમની કથા હોય તેમના ગુણગાન પણ ગાય એટલે સીધી નહીં તો આડકતરી રીતે એમ કહી શકાય કે, પૈસાનો પાવર સમાજ કે દુનિયાને દેખાડવા માટેનું સાધન આજે હાઈફાઈ બાપુઓની “કથા” બની ગયું છે. આવા બાપુઓ ખરેખર તો હિન્દુઓની આસ્થા સાથે રમત રમી રહ્યા છે. શબ્દો કડવા છે પણ સત્ય છે કે, ધર્મ અથવા સનાતનના નામે દેખાવડો કરીને આમ પ્રજાને કથાકારો આંજી રહ્યા છે. લોકો સાથે રીતસર રમત રમી રહ્યા છે. દેશમાં ક્યારેય કોઈએ જોયું નથી, સાંભળ્યું નથી કે, મોરારી બાપુ, જીગ્નેશ ઠાકર કે અન્ય તમામ હાઈફાઈ કથાકારોની કથાનો યજમાન કોઈ ગરીબ કે મધ્યમવર્ગનો માણસ હોય. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની પણ આશા અપેક્ષા હોય છે કે, તે પણ કથા બેસાડે. ઘણા નાના કથાકારો આવા વર્ગ માટે વ્યાસપીઠે બેસી તેમની ઈચ્છા પુરી કરે છે. આ કથાકારોનો પ્રોજેક્ટો હોતા નથી એટલે તેમની કિંમતો લાખ્ખોમાં હોતી નથી. પોતપોતાના પ્રોજેક્ટોના નામે ધર્મ કે કથાની આડમાં કરોડો રૂપિયાની ઉઘરાણી કરનારા હાઈપ્રોફાઈલ બાપુઓનો આજે રાફળો ફાટ્યો છે, ટીવી ચેનલોમાં લાઈવ કથા દેખાડવાની હોડ જામી છે. આજે પણ હોસ્પિટલો અને શાળાઓમાં લોકો લૂંટાઈ રહ્યા છે તેની સામે કોઈ કથાકાર કે ધર્મગુરુ વિનામૂલ્યે હોસ્પિટલ કે શાળા શરૂ કરવા આગળ આવતા નથી. અનેક લોકો પૈસાના અભાવે સારવાર ન મળતા મૃત્યુ પામી રહ્યા છે. જો કે, દરેક કથાકારને તેના પોતાના પ્રોજેક્ટમાં રસ છે અને તે પ્રોજેક્ટ માટે તે કથા કરીને પૈસા ઉઘરાવી રહ્યા છે. પહેલાના જમાનામાં રાજા દરબાર ભરતા જ્યાં નૃત્યાંગનાઓ નૃત્ય કરતી અને આજે કથાકારો રાત્રી દરબાદ ભરે છે જ્યાં ડાયરા કલાકારો મનોરંજન કરે છે. હિન્દૂ અને હિન્દૂ ધર્મ પાખંડીઓ માટે સોફ્ટ ટાર્ગેટ છે કેમ કે, વિશ્વમાં સૌથી વધુ ડર ધરાવતો વ્યક્તિ હોય તો તે હિન્દૂ ધર્મનો છે. જેમાં ગ્રહોનો ડર, ભગવાનનો ડર કે અન્ય જાતિના સમુદાયોનો ડર. આવા જુદા જુદા અનેક ડરનો લાભ કથાકારો, ધર્મગુરુઓ અને જ્યોતિષીઓ તેમની આવડત પ્રમાણે ઉઠાવે છે. લોકપ્રિય થવા મોટાભાગે આવા કથાકારોની એક મોડ્સ ઓપરેન્ડી હોય છે કે, કથા સમયે ભાવનાત્મક મુદ્દાઓ લાવીને એકવાર તો લોકોની આંખમાં આંસુ આવે એવી વાતચીત કરવી.
સામાન્ય કે મધ્યમ વર્ગનો નાગરિક તેની મહેનત અને તેના કર્મને ભગવાન માને છે. તે ભગવાનને કશું આપી શકતો નથી પરંતુ સાચા દિલથી મંદિરમાં જઈને માથું ટેકવે છે. જયારે પૈસાદાર ભક્ત લાખ્ખો કરોડો આપીને એવો દેખાવ કરે છે કે ભગવાનને તે પૈસા આપી રહ્યો છે અને ભગવાનનું ઘર તે ચલાવી રહ્યો છે. દાન દક્ષિણા એ જાહેરાત કરવાનું માધ્યમ નથી. છતાં હિન્દૂ ધર્મના નામે જીગ્નેશ ઠાકર જેવા હાઈપ્રોફાઈલ કથાકારોની કથા મારફતે પૈસાદાર લોકો તેમના પૈસાનું શક્તિ પ્રદર્શન કરે છે. કદાચ એટલે જ પૈસાનું પ્રદર્શન કરતા પરિવારોની સામે ચુપચાપ મંદિરની દાનપેટીમાં 5 કે 10 રૂપિયા મૂકી આવતો સામાન્ય અને મધ્યમ વર્ગનો પરિવાર વધારે સુખી છે. ગુજરાતના ઇતિહાસમાં કદાચ ક્યારેય એવું બન્યું નથી કે, લાખ્ખો રૂપિયા લેતા કથાકારોએ ક્યારેક સામાન્ય કે મધ્યમ પરિવાર માટે કથા કરી હોય. પૈસા માટે જ પધરામણી કરતા કથાકારો કે ધર્મગુરુઓ માટે ધર્મનો ફેલાવો કરવો એના કરતા ધર્મના નામે પૈસા બનાવવા વધારે મહત્વના હોય છે. જીગ્નેશ ઠાકર જેવા કથાકારો સત્તાધારી પક્ષના ગુલામ બની ગયા છે એટલે જ ઘણી તસ્વીરોમાં જોવા મળે છે કે, નેતાઓ અને અધિકારીઓ આવા કથાકારના દરબારમાં આવે છે કેમ કે, આ જ કથાકારોની વોટબેન્ક સત્તાને ઉપયોગી બને છે. રાજકીય પક્ષોને પણ ધર્મના ખરા સાધુ સંતો કરતા પાખંડીઓમાં વધારે રસ છે, ક્યારેય સાંભળ્યું કે કોઈ CM કે કોઈ નેતા ગિરનારની તળેટીમાં કોઈ સાધુને મળવા પહોંચ્યા હોય ? કદાચ ના, પરંતુ એવું ઘણીવાર સાંભળવા અને જોવા મળે છે કે, જીગ્નેશ ઠાકર જેવા કથાકારોની કથામાં મુખ્યમંત્રીથી માંડીને નેતાઓ ઉપસ્થિત રહે છે. આ જીગ્નેશ ઠાકરને લોકોએ “દાદા” અને “રાધે રાધે”ના નામનું બિરુદ આપી દીધું છે. જો કે અમે, એક નામનું બિરુદ કાળામાથાના માનવીને અને ભગવાનને બંનેને આપી શકતા નથી કેમ કે, હિન્દૂ ધર્મમાં રામ ભગવાનના દૂત હનુમાનજીને પણ “દાદા” કહેવામાં આવે છે, આ દાદાથી મોટો દાદો સમગ્ર વિશ્વમાં કોઈ પેદા થયો નથી કે થશે પણ નહીં. જેથી અમે કથાકાર જીગ્નેશને જીગ્નેશ ઠાકર કહીને જ સંબોધીશું. તેમના અનુયાયીઓને દુઃખ થાય તે સ્વભાવિક છે પરંતુ અમે તેમના અનુયાયી કે જીગ્નેશ ઠાકરને શું સારું લાગે છે તે લખવા બંધાયેલા નથી, પરંતુ અમે સત્ય લખવા ચોક્કસ કટિબદ્ધ છીએ અને તે અમે લખીએ છીએ, લખતા હતા અને લખતા રહીશું.
આવા કથાકારોના અનુયાયીઓને પસંદ નથી હોતું કે કોઈ તેમના ગુરુ અંગે ઘસાતું બોલે કે લખે. એ વાતનું ઉદાહરણ તો આસારામ, રામપાલ, રામરહીમ અને નિર્મલ બાબા પૂરું પાડે જ છે. આ તમામ એવા પાખંડીઓ છે જેઓ જેલની હવા ખાઈ ચુક્યા છે છતાં તેમના અનુયાયીઓ આજે પણ તેમને ગુનેગાર માનતા નથી. ખરેખર તો અનુયાયી કરતા આવા બાબાઓને એવોર્ડ આપવા જોઈએ કે તેઓએ તેમના માસ્ટર માઈન્ડ દ્વારા એવી મજબૂત પટ્ટીઓ અનુયાયીઓના મગજમાં પહેરાવી હશે કે તેમના ગમે તેવા કાંડ ઉજાગર થાય તો પણ તેઓ વિશ્વાસ ન કરે. ગુજરાતમાં હાલમાં કથાકાર જીગ્નેશ ઠાકરનો સૂરજ ચીનની કોઈ સુપર ફાસ્ટ ટ્રેનની ગતિએ ઉગ્યો છે. તેમના અનુયાયીઓ પણ હાઈફાઈ લોકો છે. ડાયરા કલાકારોનો સંગાથ પણ તેમને ખુબ ગમે છે અને એટલે જ તેમની તમામ કથામાં ડાયરાની મોજ રાખવામાં આવે છે, જેથી ઉઘરાણી વધારે થઇ શકે. ખેર ! જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી આવું લખાશે કે બોલશે તો પણ કોઈ ફર્ક પડશે નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
30 વર્ષથી સરકાર છતાં ભાજપને ઉમેદવારો ખરીદવા પડે છે અને વિપક્ષીઓને આવકારવા પડે છે !
પાલિકા-પંચાયતની ચૂંટણી : નામદાર ચીફ જસ્ટીસ સાહેબ, શું આ તમાશો તમે જોઈ રહ્યા નથી ?, સુઓમોટો ક્યારે ?
ડાયરા કલાકારો અને કથાકારો ભાજપના ગુલામ બન્યા : “મતદાતા”નો “મતાધિકાર” છીનવાયો ત્યારે એકેય ન બોલ્યા !



