Home Uncategorized ભાજપની લોકપ્રિયતા છે પછી મોદીની શું જરૂર ?, વિશ્વકર્મા માટે ચેલેન્જ :...

ભાજપની લોકપ્રિયતા છે પછી મોદીની શું જરૂર ?, વિશ્વકર્મા માટે ચેલેન્જ : “આપ”ને લીધે ડરનો માહોલ

Face Of Nation 05-04-2026 : ગુજરાતની રાજનીતિમાં હાલ નવી ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચા પ્રમાણે, જો ભાજપ પોતાની લોકપ્રિયતા પર વિશ્વાસ ધરાવે છે અને ખરેખર ભાજપ પ્રજાની લોકપ્રિય પાર્ટી છે તો પછી દરેક ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય ચહેરા તરીકે કેમ આગળ ધપાવવામાં આવે છે ? આ બાબત એ વાતની સ્પષ્ટ ચાડી ખાય છે કે ભાજપ લોકપ્રિય પાર્ટી નથી પરંતુ મોદી લોકપ્રિય છે અને ભાજપ કરતા મોદીનું કદ મોટું છે જેના લીધે રાજ્યમાં કે દેશમાં ગમે ત્યાં ચૂંટણી આવે એટલે ભાજપ મોદીને મેદાને ઉતારે છે. વડાપ્રધાનને ખુદ પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પ્રચાર કરવા આવવું પડે તે વાત ઘણું કહી જાય છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીનું કદ જે રીતે ગુજરાતમાં વધી રહ્યું છે તે જોતા “આપ”થી ભાજપમાં ડરનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ભાજપીઓના ઈશારે પોલીસ નાની નાની બાબતોમાં અથવા તો બાબતો ઉભી કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર પોલીસ કેસ કરી જેલના સળિયા પાછળ ધકેલી રહ્યા છે.
આમ આદમી પાર્ટી (આપ)ના વધતા પ્રભાવને કારણે ભાજપના નેતાઓમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાત અને અન્ય રાજ્યોમાં “આપ” દ્વારા કરવામાં આવતી આક્રમક રાજનીતિ અને જનતાને સીધી રીતે જોડવાની વ્યૂહરચનાએ ભાજપ માટે પડકાર ઊભો કર્યો છે. ભાજપ સ્થાનિક નેતાઓ કરતાં વધુ મોદીની છબી પર નિર્ભર રહી રહી છે. જેના કારણે વિરોધ પક્ષો આ મુદ્દાને ઉછાળી રહ્યા છે કે શું ભાજપ પાસે મજબૂત સ્થાનિક નેતૃત્વની કમી છે? ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ જેવું વ્યક્તિત્વ હાલના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માનું નથી. અંદરખાને ભાજપમાં વિશ્વકર્માને લઈને કેટલાક નેતાઓ અને કાર્યકરોમાં ભારે અસંતોષ છે પરંતુ કોઈ ખુલીને જાહેરમાં બોલવા તૈયાર નથી. સી.આર મોદીની ગેરહાજરીની કમી પુરી કરનારા સક્ષમ પ્રદેશ પ્રમુખ હતા પરંતુ તેમની વધતી જતી લોકપ્રિયતા અને કાર્યશૈલી જોતા મોદીએ સાઈડ લાઈન કરી દીધા હતા. મોદીને એ વાત પસંદ નથી કે કોઈ નેતાનું કદ વધી જાય.
પક્ષના આંતરિક સૂત્રો મુજબ વિશ્વકર્માનું નેતૃત્વ કદ એટલું મજબૂત નથી માનવામાં આવતું, જેના કારણે આવનારા સમયમાં ભાજપને સંગઠન મજબૂત કરવા વધુ મહેનત કરવી પડી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યમાં ભાજપ વર્ષોથી મજબૂત પકડ ધરાવે છે છતાં તાજેતરના રાજકીય પરિબળોને જોતા પક્ષ માટે પડકારો વધી રહ્યા છે. ખાસ કરીને સ્થાનિક સ્તરે કાર્યકરોમાં ઉત્સાહ જાળવી રાખવો અને મતદારો સાથે સીધો સંપર્ક વધારવો હવે વધુ મહત્વનો બની ગયો છે. વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ છે. પક્ષના વરિષ્ઠ નેતાઓએ પણ આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ સક્રિય બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. આવતા ચૂંટણી સમયને ધ્યાનમાં રાખતા ભાજપ માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. પક્ષે હવે માત્ર પરંપરાગત મજબૂતાઈ પર આધાર રાખવાને બદલે નવી રણનીતિઓ અપનાવી અને કાર્યકરોને વધુ સક્રિય બનાવી ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રયત્નો વધારવા પડશે.
“આપ” સતત જનતા સાથે જોડાઈને મફત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોને કેન્દ્રમાં રાખીને પોતાની પકડ મજબૂત કરી રહી છે. જેના કારણે ભાજપના પરંપરાગત મતદારોમાં પણ થોડી હલચલ જોવા મળી રહી છે. આવનારી પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ નહિ પરંતુ ભાજપ અને “આપ” વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. આ પરિસ્થિતિમાં ભાજપ માટે પોતાની વ્યૂહરચનામાં ફેરફાર કરવો જરૂરી બની શકે છે અને તેને લઈને કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. નવા પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માનું કદ એટલું મજબૂત ન હોવાને કારણે આ વખતે ભાજપને ઘણી મહેનત કરવી પડે તેવી સ્થિતિ પણ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

ગુજરાતમાં “ભાજપ”ની જ રણનીતિથી “આપ” મજબૂત વિકલ્પ બની રહી છે

જુઓ પૃથ્વીની તસ્વીર : નાસાએ જાહેર કરી વાદળી અને ભૂરા રંગમાં પ્રકાશિત પૃથ્વીની છબી

ફૂડ વિભાગ ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે અને રેસ્ટોરન્ટોના ભોજનમાંથી વંદા-જીવડાં નીકળી રહ્યા છે

જેતલપુર ગુરુકુળ ન લખી આપનારા મોટા પી.પી સ્વામીના શિષ્યને શિરપાવ ?