Home Uncategorized ગુજરાતમાં “ભાજપ”ની જ રણનીતિથી “આપ” મજબૂત વિકલ્પ બની રહી છે

ગુજરાતમાં “ભાજપ”ની જ રણનીતિથી “આપ” મજબૂત વિકલ્પ બની રહી છે

Face Of Nation 01-04-2026 : ગુજરાતમાં ભાજપના શાસન બાદ જો કોઈ રાજકીય પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી હોય તો તે છે આમ આદમી પાર્ટી. ભાજપની જ રણનીતિથી ભાજપની વિરુદ્ધ પ્રજા વચ્ચે જઈ રહેલા આ પક્ષના નેતાઓ રાજ્યની જનતા માટે એક વિકલ્પ ઉભો કરવામાં સફળ થઇ રહ્યા છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. કોંગ્રેસના શાસનને ધ્વસ્ત કરવા જે રણનીતિ ભાજપે અપનાવી હતી તે જ રણનીતિ ઉપર હાલ આમ આદમી પાર્ટી ચાલી રહી છે. કહેવાય છે કે, દુશ્મનને ધ્વસ્ત કરવા માટે તેની જ રણનીતિથી આગળ વધવું પડે. ખેર આ તો એક સામાન્ય વાત છે પરંતુ ભાજપની જેમ ગામડા સ્તરેથી મજબૂત બનીને શહેરમાં પ્રવેશવાની તથા ગલીએ ગલીએ કાર્યકરો દોડાવીને લોકોની વચ્ચે રહેવાની રણનીતિ હવે આમ આદમી પાર્ટીએ અપનાવી છે. ભાજપ દ્વારા કરવામાં આવતા આમ આદમી પાર્ટી કે તેના નેતાઓ વિરુદ્ધના પ્રચારને પ્રજા સમક્ષ લઇ જઈને ભાજપના જ શબ્દોમાં જવાબ આપવામાં આવી રહ્યો છે જેને લઈને ઘણે ઠેકાણે ભાજપ ભેરવાઈ ગઈ હોય તેવી સ્થિતિ પણ સર્જાઈ છે.
હાલમાં ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 6 ધારાસભ્યો છે. જેમાં ભુપેન્દ્ર ભાયાણી, ચૈતર વસાવા, ગોપાલ ઈટાલીયા, હેમંત આહીર, સુધીર વાઘાણી, ઉમેશ મકવાણાનો સમાવેશ થાય છે. ભાજપ માટે જેટલો કોંગ્રેસના ધારાસભ્યો માથાનો દુખાવો નથી તેટલો આમ આદમી પાર્ટીના નેતાઓ છે. આપના આ 6 ધારાસભ્યોમાંથી તો ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલીયા તો એવા ધારાસભ્યો છે જેમને ભાજપના નેતાઓએ સન્માન આપવું પડે તેવી સ્થિતિ છે અને જાહેરમાં ઘણી વાર આ અંગેના ફોટા-વિડીયો પણ જોવા મળ્યા છે. ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાએ પ્રજાનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે. જેના પરિણામે તેઓ ધારાસભ્ય બન્યા છે. સ્થાનિક સ્તરે સ્થાનિકોના પ્રશ્નોને લઈને મજબૂત આંદોલન અને લડત આપનારા આ બંને ધારાસભ્યોએ સાબિત કરી દીધું છે કે, કોઈ પણ પરિસ્થિતિ વચ્ચે પ્રજાનો અવાજ બનો તો પ્રજા તમને તેમનો અવાજ બનાવે જ છે. હાલના સમયમાં ભાજપના નેતાઓ કરતા આપના નેતાઓના કામો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
ગુજરાતમાં લોકો હવે ભાજપની કામગીરીથી ત્રસ્ત આવી ગયા છે. કોઈ મજબૂત વિકલ્પ ન હોવાથી અત્યાર સુધી ગુજરાતની સત્તાથી નારાજ પ્રજા કોંગ્રેસને મત આપતી હતી પરંતુ હવે આમ આદમી પાર્ટીને લોકો ટેકો આપી રહ્યા છે. આ વાતની સાક્ષી ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલીયા પુરે છે. આ બંને નેતાઓ હાલ પ્રજાને સાથે લઈને ચાલી રહ્યા છે જેને લઈને પ્રજામાં તેમની લોકપ્રિયતા પણ એટલી મજબૂતાઈથી વધી રહી છે. જે ભાજપ અને ભાજપના નેતાઓના આંખમાં ખટકી રહી છે.
ભાજપની શરૂઆત થઇ ત્યારે પાયાના કાર્યકરોએ પક્ષને ઉભો કરવામાં ખુબ મહેનત કરી છે. આજે આવા કાર્યકરોનો છેદ ઉડાડી દઈ હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. ભાજપ વિરુદ્ધ રહેલી કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ભાજપે ખરીદી લીધા છે અને કેટલાકને નેતાગીરી પણ સોંપી દેવામાં આવી છે. ભાજપની આ કામગીરીથી પક્ષના જ કાર્યકરો અને નેતાઓ અસંતુષ્ટ છે. કોંગ્રેસીઓને ભાજપમાં મળી રહેલા માન સન્માન અને મંત્રી પદને લઈને બંધ બારણે કાર્યકરો અને નેતાઓ ભારે બળાપો કાઢી રહ્યા છે પરંતુ કાર્યવાહીના ડરથી જાહેરમાં રોષ ઠાલવવા તૈયાર નથી.
ભાજપના નેતાઓને પ્રજા દ્વારા મળેલી બહુમતીથી અભિમાન ચઢી ગયું છે. રાજકીય પાર્ટીઓ કે નેતાઓને સત્તાનું અભિમાન ન ચઢી જાય તે જ કારણથી કદાચ રાજસ્થાનમાં પ્રજા દર પાંચ વર્ષે સત્તા બદલી નાખવાનું જ મુનાસીબ માને છે. આ પ્રજા બુદ્ધિશાળી કહેવાય કે જે, નેતાઓનો પોતાની ઈચ્છા અનુસાર ઉપયોગ કરે છે. ખરેખર એવું જ હોવું જોઈએ કે ગમે તે ભોગે, ગમે તેવી સરકાર હોય તેમ છતાં સમયાંતરે તેમાં બદલાવ કરવો જોઈએ નહિ તો સત્તાધીશોને અભિમાન ચઢી જાય અને આ અભિમાનમાં તેઓ એવા છાટકા બની જાય કે, તેમને મન ફાવે તેમ કામગીરી કરે તથા વિરોધમાં બોલનારાઓ વિરુદ્ધ શામ, દામ અને દંડનો ઉપયોગ કરે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

મોદીની મુલાકાત બાદ પાલિકા-પંચાયતની ચૂંટણી જાહેર : 26મીએ મતદાન, 28મીએ પરિણામ