Home News નિસરાયા : એક એવું ગામ જ્યાં સરકાર કશું કરતી જ નથી, બધું...

નિસરાયા : એક એવું ગામ જ્યાં સરકાર કશું કરતી જ નથી, બધું મહેન્દ્ર “મેક” પટેલ જ કરે છે !

Face Of Nation 18-05-2026 : પૈસો એ પરમેશ્વર બની ગયો છે. આજકાલ પૈસો પૂજાય છે અને પૈસો જ સર્વસ્વ થઇ ગયું છે. કાળામાથાનો માનવી પૈસાના જોરે પોતાનું પ્રદર્શન કરી રહ્યો છે. ખેર ! આજે ગુજરાતના એવા ગામની વાત કરવી છે, જે ગામમાં સરકાર કશું કરતી જ નથી, માત્ર મહેન્દ્ર પટેલ ઉર્ફે મેક પટેલની મહેરબાનીથી જ બધું થાય છે. પૈસો ધારે તો સરકારને પણ પાછળ ધકેલી દે તે વાતની સાક્ષી બોરસદનું નિસરાયા ગામ પુરે છે. વિજય રાજ નામનો ભાજપનો સ્થાનિક નેતા અને સરપંચ મેક પટેલના પ્રચારકની ભૂમિકા ભજવે છે. ગામમાં શાળાઓ અને મકાનોથી માંડીને ડ્રેનેજ લાઈનો સુધીની તમામ કામગીરી અહીં મહેન્દ્ર “મેક” પટેલ કરે છે. આ અમારા શબ્દો નથી. આ શબ્દો ખુદ ભાજપના સ્થાનિક નેતા અને સરપંચ વિજય રાજે વાયરલ કરેલા વીડિયોમાં જણાવ્યા છે. વિજય રાજના મહેન્દ્ર “મેક” પટેલના પ્રચારના વિડીયો જોઈને સ્વભાવિક પ્રશ્ન થાય કે, શું સરકાર અહીં કશું કરતી જ નથી ? આશ્વર્યજનક બાબત છે કે, 65 વર્ષ પછી એક વ્યક્તિ પોતાના વતનમાં આવે છે, તેને વતન પ્રેમ ઉભરાઈ આવે છે અને ત્યારબાદ તે વતનમાં જે કાંઈ પણ થાય તે તેમને લીધે જ થાય છે તેવી જાહેરાતો થવા લાગે છે. આ વાતની સાક્ષીના અનેક વિડીયો સોશિયલ સાઈટ ઉપર છે. આ ગામ પૈસાદાર મહેન્દ્ર પટેલ ઉર્ફે મેક પટેલના ગુણગાન ગાવા માટે ગુજરાતમાં મોખરે માનવામાં આવે છે. ગુજરાતના તમામ શહેરો અને ગામોમાં દાનવીરો હશે જ અને છે જ, જેઓ તેમના ગામ માટે કે તેમના વતન માટે દાન-પુણ્ય કરે છે, પરંતુ બોરસદના આ ગામમાં દાનવીરની પ્રસિદ્ધિ અને ગુણગાન ગાવા ભાજપના નેતાઓએ હદ વટાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. ક્યારેક મેક પટેલના મુખે ભજન સંધ્યા તો ક્યારેક તેમની વાહવાહી કરવા માટે કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી. ખરેખર આવા દાનવીરો માટે દાન કરતા કદાચ તેમની પ્રસિદ્ધિ વધારે મહત્વની હશે. આ ગામમાં મેક પટેલની 26 ફૂટ ઊંચી પ્રતિમા પણ બનાવવામાં આવી છે. થોડા સમયમાં આ મૂર્તિની પૂજા અર્ચના પણ શરૂ કરી દેવામાં આવે તો નવાઈ નહીં.
બોરસદનું એક ગામ ત્યારે ચર્ચામાં આવ્યું જયારે 65 વર્ષ પછી વતનમાં આવેલા NRI મહેન્દ્ર મેક પટેલે 100 કરોડની એફ.ડી. કરશે તેવી જાહેરાત કરી. આ જાહેરાત બાદ ગુજરાતના મુખ્યમંત્રીએ પણ સન્માન પત્ર પાઠવ્યો, ભુપેન્દ્રસિંહ ચુડાસમા જેવા સ્થાનિક નેતાઓએ વાહવાહી કરી અને મેક પટેલની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. અહીં સવાલ એ થાય છે કે, 100 કરોડ જેટલી રકમની એફડી થઇ છે કે નહીં ? આ 100 કરોડની જાહેરાત પાછળનું તથ્ય શું ? આ 100 કરોડની જાહેરાત પાછળ ગામમાં 1 હજાર મકાન બનાવવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. સમાજમાં પૈસાની તાકાત એટલી વધી ગઈ છે કે, હવે પૈસાદાર વ્યક્તિઓને સરકાર કરતા પણ વધારે મહત્વ આપવામાં આવતું જોવા મળે છે. સોશિયલ સાઈટો ઉપર વાયરલ વીડિયો અને પ્રચાર જોતા સ્વાભાવિક રીતે સવાલ થાય છે કે, શું ખરેખર સરકારની કોઈ ભૂમિકા જ નથી ? શું ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અથવા રાજ્ય સરકારની કોઈ જવાબદારી નથી ? જો ગામમાં થતી દરેક કામગીરી એક જ વ્યક્તિના કારણે થાય છે તો પછી સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા શું રહી ?
સમાજ અને વતન માટે દાન કરવું નિશ્ચિતપણે સારી બાબત છે, પરંતુ જ્યારે દાન અને વિકાસને રાજકીય તથા વ્યક્તિગત પ્રચારનું સાધન બનાવી દેવામાં આવે ત્યારે પ્રશ્નો ઉભા થવા સ્વાભાવિક છે, કારણ કે લોકશાહીમાં સરકારની જવાબદારીને કોઈ વ્યક્તિગત દાનવીર સાથે બદલાવી શકાય નહીં. આજે નિસરાયા ગામ માત્ર વિકાસ માટે નહીં પરંતુ પૈસા, પ્રચાર અને રાજકીય તથા વ્યક્તિગત ગુણગાન વચ્ચેના સંબંધોને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ ગામમાં મેક પટેલના મહત્વના ફાળાને કારણે ડ્રેનેજ સિસ્ટમ, સૌર ઉર્જાથી ચાલતી સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી, ઘેર-ઘેર નળથી પાણી અને ટોયલેટ જેવી સુવિધાઓ ઉભી થઇ હોવાની વાત સરકાર શું કરી રહી છે તે પ્રશ્ન ઉભો કરે છે.
બોરસદ તાલુકાનું આ ગામ ખરેખર એટલું ગરીબ ગામ છે કે જ્યાં સરકાર કોઈ સુવિધા જ નથી કરતી અને વતનનો એક જ વ્યક્તિ બધી સુવિધાઓ પુરી પાડે છે ? સોશિયલ સાઈટ ઉપર વાયરલ મોટાભાગના વિડીયો ગરીબ અને મજબુર લોકોના છે. જેમનું ખમીર છે પણ પરિસ્થિતિ નથી એટલે હાથ લંબાવવા પડી રહ્યા છે. દાન સ્વીકારનારની મજબૂરી અને ખરાબ સમય તેને હાથ લાંબો કરાવે છે અને દાન આપનાર આ ફાયદો ફોટો અને વિડીયો દ્વારા વાહવાહી કરાવીને ઉઠાવી સોશિયલ મીડિયામાં તેનો “ભામાશા” તરીકે પ્રચાર કરે છે. જે ખરેખર વખોડવા લાયક અને શમજનક બાબત કહી શકાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

પ્રજા શાસકના આંધળા પ્રેમમાં : પેટ્રોલ-ડીઝલનો ભાવ 500 પહોંચી જાય તો પણ સત્તાને આંચ આવે તેમ નથી

Video : ગુજરાતમાં મધરાત્રે ગાયોની તસ્કરી, પોલીસ નિષ્ક્રિય, હિન્દુત્વની વાતો કરનાર નેતાઓ અને સરકારને ગાલે તમાચો

હિન્દૂ ધર્મમાં એક જ દાદા છે : “હનુમાનજી”, જીગ્નેશ ઠાકર જેવા ધંધાર્થી કથાકારોને દાદા ન કહેવાય