Home Uncategorized મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પાવર હર્ષ સંઘવીનો : આનંદીબેનના સમયનું પુનરાવર્તન ?

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પાવર હર્ષ સંઘવીનો : આનંદીબેનના સમયનું પુનરાવર્તન ?

Face Of Nation 02-04-2026 : આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાનું મુખ્ય કારણ પક્ષના જ નેતાઓની દખલગીરી હતી. આ વાત ક્યારેય બહાર નથી આવી પણ ખુદ ભાજપના દિગ્ગ્જ્જો અને સમગ્ર ગુજરાતને ખબર છે કે, ભાજપમાં બે જૂથ છે. એક અમિત શાહ જૂથ અને બીજું આનંદીબેન પટેલ જૂથ. આનંદીબેન પટેલ અમિત શાહ જેવા અઠંગ રાજકારણી નથી. જો હોત તો આજે હાર્દિક પટેલનું અસ્તિત્વ ન હોત અને તેમણે ગુજરાતના રાજકારણમાંથી વિદાય ન લીધી હોત. કેન્દ્રમાં બેઠા બેઠા અમિત શાહ જે રીતે ગુજરાતમાં આદેશો ચલાવતા હતા અને પોલીસ પણ મુખ્યમંત્રી કાર્યાલયને બદલે દિલ્હી અમિત શાહના કાર્યાલયના સૂચનો સાંભળતી હતી તે સમયનું આજે ફરીથી પુનરાવર્તન કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ફર્ક એટલો છે કે, તે સમયે દિલ્હીથી આવતા આદેશ પોલીસ સાંભળતી હતી આજે નાયબ મુખ્યમંત્રી કાર્યાલયેથી આવતા આદેશો સાંભળે છે. ભાજપની સત્તામાં મુખ્યમંત્રી સ્થાને ભુપેન્દ્ર પટેલ બેઠા છે પરંતુ પોલીસ તંત્રથી માંડીને સરકારી અધિકારીઓ હર્ષ સંઘવીના ઈશારે કામગીરી કરી રહ્યા છે. લોકોમાં પણ ચર્ચા ઉઠી છે કે, મુખ્યમંત્રી ભલે ભુપેન્દ્ર પટેલ હોય પરંતુ પાવર હર્ષ સંઘવીનો છે.
અમિત શાહની જેમ હર્ષ સંઘવી મીડિયાને પોતાના હાથ ઉપર રાખવામાં સફળ થઇ રહ્યા છે. મીડિયા પણ અમિત શાહની જેમ હર્ષ સંઘવીની આરતી ઉતારે છે. સંઘવીએ જાણે એવું નક્કી કર્યું છે કે એવા નિવેદનો કરવા કે, જેનાથી મીડિયામાં સતત સમાચારોમાં રહી શકાય. ગુજરાતમાં સૌ કોઈ જાણે છે કે હર્ષ સંઘવીએ અમિત શાહની નિકટના અને તેમના કહ્યાગરા નેતા છે. ગુજરાતમાં કોઈ પણ મુખ્યમંત્રી હોય પરંતુ અમિત શાહે તેમનો દબદબો હંમેશા યથાવત રાખ્યો છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તે સમયે પણ અમિત શાહનો સીધો જ કંટ્રોલ પોલીસ તંત્ર ઉપર હતો. આનંદીબેન પટેલની નારાજગીમાં આ એક મુદ્દો પણ એવો હતો, જેમાં અમિત શાહ દિલ્હી બેઠા બેઠા ગુજરાતમાં દખલ કરી રહ્યા હતા. આનંદીબેને રાજીનામુ આપતાની સાથે જ અમિત શાહના નિકટના વિજય રૂપાણીને બેસાડી દેવામાં આવ્યા. જો કે, રૂપાણીના કાર્યકાળમાં ભાજપની ઘણી નામોશી થઇ અને રૂપાણીના રાજમાં તેમના ધર્મપત્નીના હાથમાં સત્તા હોવાની પણ અનેક વાતો ઉઠી જેને લઈને મુખ્યમંત્રી સ્થાને એવા ચહેરાની જરૂર પડી કે જે ચહેરો વિવાદિત ન હોય અને તમામ લોકો તેને આવકારે. ભાજપના મોવડી મંડળની સૂચનાને લઇ ઘાટલોડિયાના ધારાસભ્ય અને સ્વચ્છ છબી ધરાવતા ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી સ્થાન માટે પસંદ કરવામાં આવ્યા. ભુપેન્દ્ર પટેલના કાર્યકાળને થોડા સમય બાદ તુરંત નાયબ મુખ્યમંત્રી પદે હર્ષ સંઘવીને બેસાડી દેવામાં આવ્યા. ફરી એક વાર અમિત શાહે સીધી રીતે નહિ તો આડ કતરી રીતે તેમના કહ્યાગરા અને ખાસ હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી પદે બેસાડી પાવર તેમના હાથમાં લઇ લીધો. હાલ સૌ કોઈ જોઈ રહ્યા છે કે, ગુજરાતના શાસનમાં જેટલું સ્થાન હર્ષ સંઘવીનું છે તેટલું ભુપેન્દ્ર પટેલનું નથી. હર્ષ સંઘવી ધારે તે કામ પોલીસના સહયોગથી પૂરું થઇ જાય છે. હર્ષ સંઘવી કરતા પણ અમિત શાહ જે ધારે તે હર્ષ સંઘવીના માધ્યમથી પોલીસ પાસે પાર પડાવી દે છે તેમ પણ કહી શકાય. પોલીસ તંત્રને હાથ ઉપર રાખીને ધારી રાજનીતિ સફળતા પૂર્વક પાર પાડી દેવામાં શાહ માહેર છે આ વાત ગુજરાતીઓ ખુબ સારી રીતે જાણે છે.
કેટલાક પત્રકારો હર્ષ સંઘવીને અમિત શાહના અનુગામી તરીકે જોઈ રહ્યા છે અને એટલે જ તેમની ઈચ્છા અનુસાર સમાચારો રજૂ કરે છે અને તેમની જી હજુરી પણ કરી રહ્યા છે. હર્ષ સંઘવીના નિવેદનો અને આદેશ અનુસાર ગુજરાત પોલીસે કામગીરી કરવામાં કશું બાકી રાખ્યું નથી. વિરોધીઓ ઉપર ખોટા કેસો કરવાથી માંડીને ભાજપ વિરુદ્ધ બોલનારાઓને દબાવી દેવા સુધીની તમામ પ્રકારની કામગીરી પોલીસના સહયોગથી હર્ષ સંઘવી પુરી કરી રહ્યા છે અને દિલ્હીની નેતાગીરીની ગુડ બુકમાં સ્થાન મેળવી રહ્યા છે. ભાજપના વર્તુળોમાં એવી પણ ચર્ચાઓ ઉઠી છે કે, હર્ષ સંઘવીને ગુજરાતમાં સર્વેસર્વા કરવા માટે જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ખસેડી દિલ્હી મોકલી દેવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).