Face Of Nation 29-04-2026 : ચૂંટણી આવતા જ ગુજરાતમાં પ્રજા સત્તાધારી ભાજપ વિરુદ્ધ રોષે ભરાઈ હોય તેવા અનેક કિસ્સાઓ અને તસવીરો જોવા મળી. પાયાના પ્રશ્નોને લઇ ઠેર ઠેર પ્રજાએ ઉમેદવારો આગળ પોતાનો રોષ ઠાલવ્યો અને ઉમેદવારોનો વિરોધ કર્યો. આ વિરોધના પગલે રાજકીય નેતાઓથી માંડીને તમામ લોકોને એવું હતું કે, આ વખતે ભાજપની બેઠકોમાં ઘટાડો થશે, પરંતુ એવું થયું નહીં. EVM ખુલતા જ સત્તાધારી પક્ષ ભાજપનો વિજય થયો. ઉન્માદમાં આવી ગયેલા નેતાઓએ આ વિજયોત્સવ મનાવ્યો અને રાજ્યના લોકોએ ચર્ચાઓ કરી કે, “ક્યાંક તો ગળબળ છે”. આ ગળબળ પ્રજાના વિરોધમાં પણ હોઈ શકે અથવા તો રાજનીતિના સોગઠાં રમવામાં હોઈ શકે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ એક એવી વાત સાબિત કરી કે, પ્રજાનો વિરોધ સત્તા નક્કી નથી કરતો. અહીં પ્રજાનો આક્રોશ બનાવટી કે વિરોધ પક્ષ દ્વારા ઊભો કરવામાં આવ્યો હશે તેમ ન કહી શકાય કેમ કે, જો બનાવટી હોય કે વિરોધ પક્ષ દ્વારા ઊભો કરવામાં આવ્યો હોય તો એકાદ બે જગ્યાએ વિરોધ ઉઠે, નહીં કે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં એવી ઘટનાઓ સામે આવે જેમાં પ્રજાના આક્રોશનો ઉમેદવારોને સામનો કરવો પડ્યો હોય. તેવામાં સિસ્ટમ ઉપર શંકા જાય તે સ્વાભાવિક છે. લોકો હવે એમ માનતા થઇ ગયા છે કે, ઈવીએમ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. ખેર! ઈવીએમ અંગે સરકાર જાણે અને નેતાઓ.
તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા 700થી વધુ ઉમેદવારોને બિનહરીફ કરીને સત્તાધારી ભાજપે કેટલાય લોકો પાસેથી તેમનો મતાધિકાર છીનવી લીધો હતો. હવે એ વાત જગજાહેર થઇ ગઈ છે કે, સત્તાધારી પક્ષ વિરોધ પક્ષના મજબૂત નેતાઓને શામ, દામ અને દંડ થકી ખરીદી લે છે. એક સમય રાજકારણનો એવો હતો કે, જયારે પ્રજાનો આક્રોશ સત્તા પરિવર્તનનું મુખ્ય કારણ બનતો હતો. આજના ચૂંટણી પરિણામો બે મજબૂત શંકા ઉભી કરે છે. એક પ્રજાનો આક્રોશ ખોટો હતો અથવા તો ચૂંટણી પરિણામોમાં કાંઈક ગળબળ છે. આ બે શંકામાંથી એક શંકા તો સાચી હોવી જ જોઈએ તો જ આજે જે ચિત્ર ઉભું થયું છે તે થઇ શકે. ખુદ સત્તાધારી ભાજપના કેટલાક નેતાઓ પ્રજાનો આક્રોશ જોઈને એવું માનતા હતા કે આ વખતે ભાજપની જીત થશે પરંતુ સીટોમાં ઘટાડો થશે. જો કે પરિણામોમાં એવું કશું થયું જ નહીં અને પ્રજાનો આક્રોશ માત્ર નામનો અને ખોટો હોવાનું પ્રસ્થાપિત થયું. પ્રજાના રોષને જોઈને જે લોકો રાજકીય ગણિત માંડતા હતા તેમના ગણિતો હવે ખોટા પડવા લાગ્યા છે. પહેલા પ્રજાનો મત જાણીને પરિણામ પહેલા જાણી શકાતું હતું કે કોણ સત્તા હાંસલ કરશે પરંતુ આજે એ જાણવું લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.
ચૂંટણી પહેલાં રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રજાનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. લોકો દ્વારા ઉમેદવારોને સોસાયટીઓમાં પ્રવેશ ન આપવા, જાહેરમાં વિરોધ નોંધાવવાના અને સોશિયલ મીડિયામાં અસંતોષ વ્યક્ત કરવાના બનાવો સતત સામે આવ્યા હતા. તેથી પ્રશ્ન ઉઠે છે કે, જ્યાં પ્રજામાં આટલો આક્રોશ હતો, ત્યાં સત્તાધારી પક્ષને જંગી જીત કેવી રીતે મળી? આ ચૂંટણીમાં 700થી વધુ સીટો બિનહરીફ જાહેર થઈ ગઈ હતી. લોકશાહીમાં બિનહરીફ જીત સામાન્ય બાબત નથી ગણાતી, ખાસ કરીને ત્યારે જ્યારે મેદાનમાં સ્પર્ધા થવી જોઈએ. અનેક જગ્યાએ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવાના બનાવો સામે આવ્યા હતા, જે અંગે ચર્ચાઓ અને શંકાઓ ઉભી થઈ હતી. પ્રજાએ અને વિરોધ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા અને નિષ્પક્ષતા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો પ્રજાનો રોષ મતમાં પરિવર્તિત થતો ન હોય, તો શું એ માનવું કે પ્રજાનો અવાજ દબાઈ ગયો ? કે પછી મતદાનની પ્રક્રિયામાં કંઈક ખામી રહી ગઈ ? રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, પ્રજાનો આક્રોશ હંમેશા ચૂંટણી પરિણામોમાં દેખાય તે જરૂરી નથી. કેટલાક સમયે સંગઠન શક્તિ, ચૂંટણી વ્યવસ્થા અને સ્થાનિક પરિસ્થિતિઓ પણ પરિણામોને અસર કરે છે. છતાં, આ ચૂંટણી બાદ ઊભા થયેલા પ્રશ્નોને અવગણવા શક્ય નથી.
લોકશાહીનો મૂળ આધાર છે “પ્રજાની ઇચ્છા”. જો પ્રજાનો અવાજ અને ચૂંટણીના પરિણામોમાં તફાવત દેખાય, તો તે પરિસ્થિતિ લોકશાહી માટે ચિંતાજનક બની શકે છે. સત્તાને જીત ભલે મળી હોય, પરંતુ પરિણામો બાદ ઉઠેલા પ્રશ્નોનો જવાબ આપવા અનિવાર્ય બની ગયા છે પરંતુ કોણ જવાબ આપે તે પ્રશ્ન છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ગુજરાત ભાજપની નેતાગીરીમાં બદલાવ લાવશે ?
ઇટાલિયાએ મીડિયાને દલાલ કીધું અને કેટલાક લોકોએ માથે ઓઢ્યું પણ “બહિષ્કાર” શબ્દ પત્રકારો ભૂલી ગયા !



