Face Of Nation 21-03-2026 : જેવી રીતે પાટીદાર અનામત આંદોલન સમગ્ર ભારતમાં ચર્ચાસ્પદ બન્યું હતું તે જ રીતે આજે નકલી નોટો બનાવવાનું કૌભાંડ પણ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બન્યું છે. બે કરોડથી પણ વધુ રકમની નકલી ચલણી નોટો પકડાતા તંત્ર હચમચી ગયું છે. આ ચલણી નોટો છાપવાનું કામકાજ ધર્મની આડમાં થતું હોવાની વાતે સૌ કોઈને ચોંકાવી દીધા છે. ગુજરાતમાં રાતોરાત પૈસાદાર બનવા ગરીબ પરિવારના એક યુવક હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને આજે સુરતમાં પણ રાતોરાત પૈસાદાર બનવા હેર સલૂન ચલાવતા પ્રદીપ નામના વ્યક્તિએ યોગગુરુ અને ધર્મની આડમાં કાળાધંધાઓ કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આશ્વર્યજનક બાબત એ છે કે, આંદોલનકારી હાર્દિક પટેલ અને હાલના ભાજપના ધારાસભ્યને માથે આ જ પ્રદીપનો હાથ ફર્યો છે. એમ કહી શકાય કે બંનેના ઈરાદા સરખા હતા પણ રસ્તા જુદા જુદા હતા. જયારે હાર્દિક ઉપવાસના નામે પોતાની મેલીમુરાદ પાર પાડવાના નાટક કરવા બેઠો ત્યારે તેને મળવા પ્રદીપ આવ્યો હતો અને તે સમયે પ્રદીપે હાર્દિકનો હાથ જોયો હતો, હાર્દિકની બાજુમાં બેસીને તેના માથે હાથ ફેરવ્યો હતો અને તેની સાથે કેટલીક ચર્ચાઓ પણ કરી હતી. યોગાનુયોગ આ બંનેને “ગદ્દાર”નું બિરુદ મળ્યું. હાર્દિકે સમાજ સાથે ગદ્દારી કરી અને પ્રદીપે દેશ સાથે ગદ્દારી કરી. એકે સમાજનો ઉપયોગ કરીને સાચી નોટો છાપી બીજાએ મશીનનો ઉપયોગ કરીને નકલી નોટો છાપી. એકે સમાજની આડમાં શાહુકાર દેખાવવાના પ્રયાસ કર્યા તો બીજાએ ધર્મની આડમાં શાહુકાર દેખાડવાના પ્રયાસો કર્યા છતાં બંને ઉઘાડા પડી ગયા. ખેર ! એક તો જેલમાં જઈને આવ્યો અને હાલ ભાજપની શરણે છે તથા બીજો હાલ જેલમાં છે. આ બન્નેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 કરોડની નકલી ચલણી નોટો મામલે 18 માર્ચે સુરતના કથિત યોગગુરૂ પ્રદીપ જોટંગીયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ વ્યક્તિ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે. ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ જોટંગીયા સુરતમાં ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડાં કરી રહ્યો હતો. હાલ પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કાંડને લઈને તપાસ એજન્સીઓ દોડતી થઇ ગઈ છે. નકલી યોગગુરૂ પ્રદીપની કરતૂતો એક પછી એક બહાર આવી રહ્યા છે. ધરપકડ બાદ તેના એવા વીડિયો સામે આવ્યા છે જેમાં તે ભક્તિના નામે પાંખડ કરતો જોવા મળે છે. એક વીડિયોમાં આ મહાઠગ ભગવાન શ્રીકૃષ્ણનો વેશ ધારણ કરીને ભક્તોની વચ્ચે મટકી ફોડતો નજરે પડે છે. શ્રદ્ધાળુઓને આકર્ષવા અને પોતાની છબી એક દૈવી પુરૂષ તરીકે ઉભી કરવા તે આવા ધાર્મિક નાટકો કરતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ચોંકાવનારી બાબતો એ છે કે, આ યોગગુરુના કાર્યક્રમોમાં સૌથી વધુ મોટી સંખ્યામાં મહિલાઓ વધુ જોવા મળતી હતી. મોડી રાત્રે યુવતીઓ આ આશ્રમમાં આવતી હોવાનો પણ સ્થાનિકોએ ઘટસ્ફોટ કર્યો છે.
પ્રદીપના પકડાતા જ તેના રાજકીય નેતાઓ અને ધર્મગુરુઓ સાથે અનેક ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ નકલી ગુરુના આશીર્વાદ લેતા હોય તેવો જૂનો વીડિયો વાઇરલ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, ‘આટલી નાની ઉંમરમાં ગુરુજીના આશીર્વાદ મળ્યા તે મારું સૌભાગ્ય છે. તાપી કિનારે સરસ વાતાવરણ છે અને આશ્રમમાં યોગ-પ્રાણાયામની ઉત્તમ વ્યવસ્થા છે.’ બાપુએ આ વીડિયોમાં આસપાસના લોકોને પણ આ આશ્રમનો લાભ લેવા અને સમાજને યોગ્ય દિશા મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, આ જ ગુરુની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરતા હવે આ જૂનો વીડિયો બાપુ માટે ક્ષોભજનક સ્થિતિ પેદા કરી રહ્યો છે. બીજી તરફ સુરતના સામાજિક કાર્યકર વલ્લભભાઈ ચોથાણીએ આ ‘ભોગગુરુ’ સામે 2 લાખની છેતરપિંડી, વાઘના ચામડાનો ઉપયોગ અને ડૉક્ટરી ડિગ્રી વગર કેન્સર તથા હાર્ટ એટેકની જોખમી સારવાર કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ગમન સાંથલના ખાસ “ઝીલીયા બ્રધર્સ” : વિડીયો વાયરલ થતા “સરકારી” આદેશો છૂટ્યા !
Video : કાલુપુર સ્વા. મંદિરની ગાદીએ બેઠેલા અને ભાજપના શરણે રહેલા એટોમ અને હાઇડ્રોજન બૉમ્બ !



