Face Of Nation 28-03-2026 : ગેસ કે તેલના ભાવમાં એક રૂપિયાનો પણ વધારો થતા જે લોકો રોડ રસ્તા ઉપર ઉતરી તોડફોડ અને તોફાન મચાવતા હતા તે શાંત બનીને શું સત્તામાં બેઠા છે ? આ પ્રશ્ન કે વાક્ય ખટકે તેવું છે પણ સત્ય છે. તોફાનો ક્યારેય આવકાર્ય પણ નથી કેમ કે કોઈ નેતા, નેતાના દીકરાઓ કે સગાવ્હાલાનો આ તોફાનોમાં ક્યારેય ભોગ લેવાતો નથી. હંમેશા પ્રજાએ જ ભોગવવાનો વારો આવે છે. તોફાનોને પ્રોત્સાહન પણ ન આપવું જોઈએ પણ પ્રજાના હિતના નામે સત્તા સ્થાને બેસવા તોફાનોનો સહારો લેવામાં આવે તે કદાપિ યોગ્ય ન હોવું જોઈએ. જયારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને રાજ્યમાં ભાજપની સરકાર હતી ત્યારે અનેક સરકારી બસોની તોડફોડ થઇ છે, અનેક વાર ટાયરો જાહેર રોડ ઉપર સળગાવવામાં આવ્યા છે. અત્યારે ભાજપ ખુદ સત્તામાં છે અને વિરોધ પક્ષની તાકાત નથી કે, સત્તાધારી ભાજપ પક્ષ જેવા દેખાવો કરે નહિ તો સત્તા પક્ષ ભાજપના ઈશારે કામ કરતી પોલીસ જેલમાં ધકેલી દે. પહેલા રાજ્યમાં ભાજપ સરકાર હતી એટલે ભાજપના કાર્યકરો કેન્દ્રની કોંગ્રેસ સરકાર સામે ગમે તેવા દેખાવો કરે છતાં પોલીસ કોઈ કાર્યવાહી આજે વિરોધ પક્ષ સામે કરવામાં આવે છે તેવી કરતી નહોતી. હવે તો રાજ્ય તથા કેન્દ્ર બંને જગ્યાએ ભાજપ છે અને સરકારી અમલદારોને પણ રિટાયર્ડ થઈને ભાજપના નેતા બનવાના અભરખા જાગ્યા છે તેથી તેઓ પણ ભાજપનો ભગવો ઓઢીને બેસી ગયા છે. ખેર ! આ વાત આજે એટલે કરવી પડે કે, ગેસ અને પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચી ગયા છે. ડોલરની સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. મોંઘવારી સરકારના કાબુમાં નથી અને પ્રજા માટે વિરોધ કરવા કોઈ તૈયાર નથી.
ભાજપ એક એવો નબળો શાષક પક્ષ છે કે જે સત્તાના જોરે સરકારી તંત્રના ઉપયોગથી વિરોધીઓનો અવાજ બંધ કરવાના ધમપછાડા કરે છે. આ ડરપોક પક્ષમાં ડરપોક નેતાગીરી શાસન કરી રહી છે જેની કામગીરીનો વિરોધ એટલે કે દેશ કે રાજ્યની જનતાનો વિરોધ એવા નિવેદનો આપીને વિરોધીઓને એવા ચીતરી કાઢવામાં આવે છે કે, “આ લોકો દેશદ્રોહી છે”. આટલેથી પણ વિરોધ કરનારા ન અટકે તો પછી પોલીસ અને ઇડી તેમના ડાબા અને જમણા હાથ છે જેમનો ઉપયોગ સમયાંતરે કરવામાં આવે છે. ગુજરાતીઓના મગજમાં અને ખાસ કરીને હિન્દુઓના મગજમાં ભાજપે એવો ડર ઘુસાડી દીધો છે કે, “ભાજપ છે એટલે તેઓ જીવિત છે” વારે વારે કોઈકને કોઈક મુદ્દે હિન્દુવાદી હોવાના દેખાવડા કરનારા ભાજપે આજદિન સુધી એવી જાહેરાતો કરી છે કે, અમે સત્તામાં આવ્યા બાદ ક્યારેય “કર્ફ્યુ” શબ્દ સાંભળવા નથી મળ્યો. વાત સાચી છે કેમ કે, “જયારે તોફાન કરાવનારાઓ સત્તામાં હોય તો તોફાન કેવી રીતે થાય ?” પ્રજાના મગજમાં એવું ચિત્ર છે કે, કોંગ્રેસ તોફાન કરાવતી હતી અને આજે ભાજપના રાજમાં શાંતિ છે. અહીં સવાલ પણ થાય કે કેવી રીતે કોઈ શાષક પક્ષ તેમની સત્તાની બદનામી થાય કે સત્તા જાય તેના કારણ સમા તોફાનો કરાવી શકે ? જો કોંગ્રેસ જ તોફાનો કરાવતી હતી તો આજે સત્તામાં ભાજપ છે અને શાષક પક્ષને બદનામ કરવા વિરોધ પક્ષ તોફાનો કરાવે છતાં એવું કશું દેખાતું નથી. કેન્દ્રમાં કોંગ્રેસના શાસનમાં જે ભાજપી નેતાઓ આગજની વિરોધ પ્રદર્શન કરતા હતા તે ભાજપીઓ આજે શાંત થઇ ગયા છે કેમ કે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપની સરકાર છે. મીડિયા જાહેરાતની આડમાં સત્તા પક્ષની તાબે થઇ ગયું છે અને વિરોધ પક્ષના નેતાઓમાં જોર રહ્યું નથી કે, ગમે તે ભોગે પ્રજાનો અવાજ ઉઠાવી શકે. ખરેખર તો આજની દેશ અને રાજ્યની સ્થિતિ દયનિય બની ગઈ છે કે જ્યાં પ્રજાના હિત માટે અવાજ ઉઠાવનાર પણ કોઈ નથી. જે છે તેઓને યેનકેન રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ભાજપના રાજકારણે અને એમાંય ખાસ કરીને મોદીના શાસનમાં થયેલા રાજકારણે રાજકારણ શબ્દની વ્યાખ્યાય બદલી નાંખી છે. જે વડાપ્રધાન રાજકારણ માટે તેની માતાને લાઈનમાં ઉભી રાખી શકે તે વ્યક્તિ સત્તા માટે શું ન કરે શકે તે સવાલ સૌ કોઈને છે પણ જાહેરમાં કહેવાની હિંમત કોઈની નથી.
કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા નીકળેલી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત ભાજપ બની ગઈ છે. આજે ભાજપમાં મોટા ભાગે કોંગ્રેસના નેતાઓ છે જેમાંથી કેટલાકને તો મંત્રી પદ પણ મળ્યું છે અને જુના ભાજપના જોગીઓ કરતા વધારે માનસન્માન પણ મળ્યું છે. જે કાર્યકરોની મહેનતથી જે લક્ષ્ય સાથે ભાજપ પક્ષ ઉભો કરવામાં આવ્યો હતો તે તમામ આજે હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને તેઓનું કોઈ માનસન્માન પણ રહ્યું નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
અવ્યવસ્થા : મોદીના નિવેદનથી પ્રજા ભડકી !, મીડિયાથી લઈને નેતાઓ અપીલ કરવા ઉતર્યા !
અમરાઈવાડી : ધારાસભ્યના ત્રાસથી કાર્યકરોથી માંડીને પ્રજા ત્રસ્ત, BJP જોઈને મત આપવા ભારે પડ્યા !



