Face Of Nation 28-02-2026 : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભારતના ગૃહમંત્રી તથા કેટલાક સરકારી અધિકારીઓ ઉત્સવો ટાણે કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાના આચાર્ય કૌશલેન્દ્ર પાંડેને પગે પડવા જાય છે. કેમ કે, આ એક વોટબેન્ક છે. આ વાતનો આબાદ લાભ સંસ્થાના આચાર્ય ઉઠાવે પણ છે. જેમ ભાજપ વિરોધીઓને દબાવવા તંત્રનો ભરપૂર ઉપયોગ કરે છે તેમ આચાર્ય તેમના વિરોધીઓને દબાવવા નેતાઓ અને અધિકારીઓનો ભરપૂર ઉપયોગ કરે છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. આચાર્ય કૌશલેન્દ્ર પાંડેને આસારામ બનવાના અભરખા જાગ્યા છે. જેને આસારામની જેમ લડાયક ફોજ તૈયાર કરવી છે. તાજેતરમાં કૌશલેન્દ્ર પાંડેએ સંપ્રદાયના અનુયાયીઓને ઉશ્કેરવા જ જાણે કે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ખાસ અનુયાયીઓને બોલાવી “આસારામવાણી” ઓકી હતી. જેમ આસારામે તેના સાધકોને ઉશ્કેર્યા હતા તેમ કૌશલેન્દ્રે પણ તેના અનુયાયીઓને ઉશ્કેર્યા હતા. પાંડેએ આસારામ વાણી કરતા કહ્યું કે, “તહોમતદાર બનો, પોલીસથી હું બચાવીશ”. આ વિડીયો વાયરલ થયા બાદ લોકોએ રીતસર સોશિયલ સાઈટો ઉપર કૌશલેન્દ્રના આ નિવેદન બદલ ફિટકાર વરસાવ્યો અને જેમ સાધકોએ આસારામનો બચાવ કર્યો તેમ આંધળા ભક્તોએ આચાર્યનો બચાવ કર્યો. બાદમાં પગ તળે રેલો આવતા જ તાત્કાલિક સંસ્થાએ આ વિડીયો તેમની યુટ્યુબ સાઈટ ઉપરથી ડીલીટ કરી દીધો. તેવામાં પ્રશ્ન એ થાય કે એવા નિવેદનો કે વાણી જ શું લેવા ઉચ્ચારો છો કે બાદમાં તમારે તમારા વિડીયો ડીલીટ કરાવવા કે તમારા કાંડ ઉપર ઢાંકપિછોડો કરાવવા નેતાઓને કે સરકારી અધિકારીઓને ખોટા કેસો ઉભા કરવા ભલામણો કરવી પડે.
છેલ્લા ઘણા સમયથી ગુરુકુળો અને મંદિરો લખાવી લેવા હરખપદુડા થયેલા આચાર્ય અને લાલજીએ કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાનો દાટ વાળી દીધો છે તેવો બળાપો અંદરખાને અનેક જુના હરિભક્તો અને સાધુઓ કાઢી રહ્યા છે. આચાર્ય, લાલજી અને ગાદીવાળા (આચાર્યની ધર્મપત્ની) આ ત્રણેયે ભેગા મળીને સમગ્ર સંપ્રદાયને વેરવિખેર કરી નાખ્યો છે. આ બહુ કડવી વાત છે પણ નગ્ન સત્ય છે. હજુ લાલજી સાધુઓના પડખે છે અને સાધુઓની કિંમત કેટલાક અંશે સમજે છે પરંતુ આચાર્ય તો જાહેરમાં સાધુઓની આબરૂના લીરેલીરા ઉડાડી રહ્યા છે તેથી મોટાભાગના સાચા અને તટસ્થ હરિભક્તો અને સાધુઓ અંદરોઅંદર ચર્ચા કરી રહ્યા છે કે, તેજેન્દ્રપ્રસાદે વિકસાવેલા કાલુપુર સંપ્રદાયનો પુત્ર, પુત્રવધુ અને પૌત્રએ “દાટ” વાળ્યો ! સંસ્થાના હરિભક્તોથી લઈને તમામ સંતો તેજેન્દ્રપ્રસાદ મહારાજના કાર્યકાળની ખોબલે ને ખોબલે પ્રશંસા કરી રહ્યા છે. જો કે હાલમાં સંપ્રદાયની પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. કોઈ સાચા કે સારા સાધુઓ નથી કે કોઈ સારા સાચા હરિભક્તો પણ નથી. જેને લઈને આચાર્ય જાણે કે બેફામ બની ગયા છે. જાહેરમાં પોતાના પદને ન શોભે તેવો વાણીવિલાસ કરવો અને ભક્તો તેને તાળીઓના ગળગળાટ સાથે વધાવે આ ચિત્ર કેટલું યોગ્ય છે ? શું આ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો છે ? શું હિંસા કરવી એ સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન છે ? આચાર્યના દરવાજે નેતાઓ પગે લાગવા આવે છે અને આચાર્યને શૂરાતન ચઢે છે કે, રાજકારણ અને સરકારી તંત્ર તો મારા ખિસ્સામાં છે અને એટલે તેઓ અનુયાયીઓને એમ કહે છે કે, “તહોમતદાર બનો, ફરિયાદી નહીં, હું પોલીસથી બચાવીશ”??? અરે ! શું જાહેરમાં ધર્મગુરુઓ કાયદાના ધજાગરા ઉડાડી રહ્યા છે. ખરેખર શરમથી માથું ઝૂકી જાય કે, ગુંડાઓ જે ઉશ્કેરણીજનક ભાષણો આપે તેવા હવે ધર્મગુરુઓ આપતા થઇ ગયા છે. જ્ઞાન અને ભક્તિની વાતો બાજુમાં રાખીને આચાર્ય કૌશલેન્દ્ર પાંડેએ એવું ઉજાગર કર્યું કે તેઓ મૂળ યુપીના છે. ખેર ! વાતો કડવી છે પણ સત્ય છે કે ધર્મગુરુઓ હવે તેમની મર્યાદા ભૂલી ગયા છે એટલે જ ભાજપનું વાક્ય યાદ આવી જાય કે, હિન્દૂ અને ધર્મ ખતરામાં છે. જો બંધ બારણે કૌશલેન્દ્ર પાંડે જેવા જ ધર્મગુરુઓ ઉભા થશે તો ચોક્કસ ધર્મની આડમાં ગુંડારાજ ચાલુ થશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. (વાંચો આવતા અંકે : હરિભક્તો કેમ સંસ્થા પાછળ આંધળા બન્યા છે ? : આચાર્યના ખાસ સાધુઓ કરે છે પૈસાનું ફાઇનાન્સ) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના રામ સ્વામીને મહિલા સાથે સબંધ બંધાયો, પકડાયા અને ભાંડો ફૂટ્યો !



