Face Of Nation 11-01-2026 : ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકો સરકારની કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ એવા લોકો છે જેને જગતના તાત કહેવામાં આવે છે. જેઓ મહેનત કરીને ખેતી કરે છે અને જીવન નિર્વાહ કરે છે તેમ છતાં સૌથી વધુ તકલીફો આ લોકોને વેઠવી પડે છે. કોડીનારમાં આવેલા મિતિયાઝ ગામમાં પોલીસ અધિકારીઓની મહેરબાનીથી દારૂની રેલમછેલ છે અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. આ ગુજરાતની ખરી તસ્વીર છે કે જે વિકાસની આડમાં ગ્રામ્ય વિસ્તારની જનતા સાથે થઇ રહેલા અન્યાયની ચાડી ખાય છે. ખરેખર વિકાસની આડશ એવા ઘણા ગ્રામ્ય વિસ્તારમાં રહેનાર લોકો માટે મોત સમાન બની ગઈ છે. કેમ કે, અહીં રહેનારા લોકોનો અવાજ ક્યારેય કોઈ સાંભળતું નથી તે એક મોટું દુર્ભાગ્ય છે.
ગામના વિકાસ માટે એક કરોડ જેટલી રકમ હોવા છતાં સ્થાનિક રાજકારણીઓના અંદરો અંદર ઝઘડાઓના કારણે પ્રજાના વિકાસ કાર્યો અટકી ગયા છે. એવું લાગી રહ્યું છે કે, રાજકારણીઓમાં અંદરો અંદર ભાગબટાઇમાં ડખો પડ્યો હશે અને તેનું નુકસાન પ્રજાને ભોગવવું પડી રહ્યું છે. સરપંચે આ મામલે પોતે સ્વીકાર્યું છે કે, પાણીની લાઈન તૂટી ગઈ હોવાથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. જો કે આ પાણીની લાઈન રિપેરિંગનું કામ ચાલુ હતું તે દરમ્યાન કેટલાક વિઘ્ન સંતોષી લોકોએ આ કામ ઉપર રોક લગાવી હતી. અહીં સવાલ એ થાય છે કે, ગામના લોકોએ જયારે સરપંચને ચૂંટીને પોતાનો અમૂલ્ય મત આપ્યો હોય ત્યારે પ્રજાના કામો કરવા એ સરપંચની જવાબદારી બને છે. નહિ કે સરપંચ અન્ય લોકો ઉપર આરોપો નાંખીને છટકબારી શોધે. જો સરપંચને કોઈ કામ ન કરવા દેતું હોય અને સરપંચની તાકાત ન હોય તો તેણે સ્વેચ્છાએ રાજીનામુ આપી દેવું જોઈએ કેમ કે, જો સત્તાધારી વ્યક્તિ વિરોધ કરનારાઓ આગળ પ્રજાના વિકાસ કાર્યોને લઈને ઝૂકી જાય તો તે સત્તા સ્થાને રહેવાને લાયક જ નથી.
ગામના વિકાસો અટકાવનાર કોડીનાર તાલુકાના રાજકીય લોકોથી પ્રજા હાલ ત્રાહિમામ પોકારી ઉઠી છે. ખરેખર પ્રજાએ નેતાઓને આ બાબતનો પાઠ ભણાવવા ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ. જો આટલી તકલીફો બાદ પણ આ ગામની પ્રજા ચૂંટણી સમયે મત આપવા દોડી જાય તો તકલીફ બદલ તેઓ પોતે જ જવાબદાર છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. પ્રજા ક્યારેય એટલી નમાલી નથી કે, ગામના વિકાસ આડે આવનારા કે ગામના વિકાસ કાર્યો બંધ કરાવનારાઓને પાઠ ન ભણાવી શકે. આખું ગામ જો અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ ઉપર ઉતરી જાય તો ગાંધીનગરથી અધિકારીઓને દોડતા કોઈ રોકી શકે નહિ. પ્રજાએ તેમની તાકાત ન ભૂલવી જોઈએ. જયારે વિનંતી અને રજૂઆતોની તંત્ર કે અધિકારીઓ ઉપર અસર ન પડે ત્યારે પ્રજાએ આક્રમક થવું જરૂરી છે કેમ કે, આજના નેતાઓ આક્રમકતાની ભાષા વધારે સમજે છે. વિનંતી તેઓ માટે જાણે કે ભીખ સમાન બની ગઈ છે.
છેલ્લા ઘણા સમયથી પોલીસની મહેરબાનીથી મિતિયાઝમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. જ્યાં સુધી લોકો પોલીસ સ્ટેશને રજુઆત કરવા ન પહોંચે ત્યાં સુધી કોઈ અધિકારી આ મામલે કોઈ કાર્યવાહી કરવા આગળ આવતા નથી. પોલીસ અધિકારીઓ પણ હપ્તાખોર થઇ ગયા છે. તેઓને માટે પ્રજા મરે તો ભલે મરે અમને હપ્તાઓ મળવા જોઈએ તે જ જાણે કે મંત્ર બની ગયો છે અને એટલે જ પ્રજા ગમે તેવી બુમરાણ મચાવે પણ તંત્રના અધિકારીઓનું કે સત્તા સ્થાને બેઠેલા લોકોનું પેટનું પાણી હાલતું નથી. આપણા દેશની આ જ એક કમનસીબી છે કે, જ્યાં પ્રજા ટેક્સ ભરે છે છતાં તેમની જ જરૂરિયાતો માટે વલખા મારે છે અને નેતાઓ, અધિકારીઓ જલસા કરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://chat.whatsapp.com/B70iYWBxAMHJhA5Bgpo5hU આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
પ્રજા જાય ખાડામાં : 10 વર્ષમાં જ નેતાઓની સંપત્તિમાં બમ્પર વધારો, ED અને ACB આરામમાં છે ?



