Home News DGP સહાયને સરકારની સહાય, 6 મહિનાનું એક્સ્ટેંશન, વિદાય માટે કરાયેલો ખર્ચનો ધુમાડો...

DGP સહાયને સરકારની સહાય, 6 મહિનાનું એક્સ્ટેંશન, વિદાય માટે કરાયેલો ખર્ચનો ધુમાડો કોના બાપની દિવાળી ?

Face Of Nation 30-06-2025 : ગુજરાત રાજ્યના ડીજીપી જે દિવસે નિવૃત થવાના હતા તે જ દિવસે મોડી સાંજે સરકાર દ્વારા તેમને એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ નિર્ણય પહેલા તેમની વિદાય માટે લાખ્ખોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ખર્ચ કોના બાપની દિવાળીએ થયો તે એક પ્રશ્ન છે. પ્રજાના ટેક્સથી પગાર મેળવનારા આ અધિકારીઓ માટે પ્રજાના પૈસા પાણીની જેમ વેડફાય છે તેમ છતાં કોઈના પેટનું પાણી હાલતું નથી. ભાજપ સરકાર અને તંત્ર માટે કરોડોની રકમ તો જાણે કે, પાણીની એક ડોલ ઢોળવા સમાન બની ગઈ છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ડીજીપી વિકાસ સહાયને સરકારે સહાય કરવાની જ હતી તો અગાઉથી જાહેર કરી દેવું જોઈતું હતું. આટલો ખર્ચ કરીને દિવસના અંતે જાહેર કરવાનો શું મતલબ ? ડીજીપીને તો 6 મહિનાનું એક્સ્ટેંશન મળતા તેમની આવક પણ 6 મહિના એક્સ્ટેન થઇ ગઈ છે પણ શું હવે તેઓ આ ખોટો ખર્ચ તેમની આવકમાંથી ભોગવશે ? તે પણ એક પ્રશ્ન છે. જો કે આ પ્રશ્નો પ્રજા હિત માટેના છે અને તે પ્રશ્નોના ક્યારેય જવાબો મળતા નથી.
ગુજરાતના હાલના પોલીસવડા (DGP) આઈપીએસ વિકાસ સહાયને રાજ્ય સરકારે છ મહિનાનું એક્સટેન્શન આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. 1989 બેચના આઈપીએસ અધિકારી વિકાસ સહાય આજે (જૂન 30, 2025) વયનિવૃત્ત થવાના હતા, ત્યારે આ એક્સટેન્શનના નિર્ણયથી તેઓ આગામી છ મહિના સુધી ગુજરાતના DGP પદ પર યથાવત રહેશે. વિકાસ સહાય આજે તેમની નોકરીના છેલ્લા દિવસે રોજની જેમ ઓફિસે આવ્યા હતા, પરંતુ તેમનો વિદાય સમારંભ એક અણધારી સ્થિતિમાં અટકી પડ્યો હતો. પોલીસ ભવનમાં તેમને ગાર્ડ ઑફ ઑનર સાથે વિદાય આપવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી – પોલીસ બેન્ડ, શણગારેલી જીપ્સી અને અધિકારીઓ-કર્મચારીઓને છેલ્લું સંબોધન કરવા માટે સામિયાનો પણ બંધાઈ ગયો હતો. જોકે, દિવસભર ચાલેલી એક્સટેન્શનની અટકળો વચ્ચે કોઈ સત્તાવાર આદેશ ન આવતા, વિદાય સમારંભ રદ કરવો પડ્યો હતો.
બપોરથી જ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે સરકારે વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન આપવાનું નક્કી કર્યું છે. આ ચર્ચા મોડી સાંજ સુધી, લગભગ સાંજના 7 કલાક સુધી ચાલુ રહી હતી. ટેકનિકલી, સાંજે 6:10 કલાકે વિકાસ સહાય નિવૃત્ત થાય અને તેમનો વિદાય સમારંભ યોજાય, પરંતુ વાસ્તવિકતામાં ન તો તેમને વિદાય અપાઈ કે ન તો તેમના એક્સટેન્શનનો કોઈ લેટર આવ્યો. છેવટે, વિકાસ સહાયને વિદાય આપવા માટે આવેલા સ્ટાફ પોલીસ ભવનમાંથી રવાના થયા, બાદમાં અન્ય અધિકારીઓ રવાના થયા અને તે જ ક્રમમાં વિકાસ સહાય પણ ઓફિસેથી નીકળી ગયા. ઓફિસ છોડતી વખતે, વિકાસ સહાય ફક્ત એટલું જ બોલતા ગયા કે, “ઓર્ડરની રાહ જોઈએ.” (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).

ભાજપની ભક્તોને ભેટ ! : ભારતમાં સૌથી વધુ પશુ સંહાર !, બીફ (માંસ) નિકાસ કરનારો વિશ્વમાં બીજો દેશ !

ભાજપને તેની ઓકાત દેખાડનાર વિસાવદરની સમજુ જનતા અને ગોપાલ ઈટાલીયા