Home News રાજકોટ જિલ્લાના પડવલા ગામે તંત્રની રહેમનજર હેઠળ ચાલતું પથ્થર ખનીજચોરી કૌભાંડ !

રાજકોટ જિલ્લાના પડવલા ગામે તંત્રની રહેમનજર હેઠળ ચાલતું પથ્થર ખનીજચોરી કૌભાંડ !

તસ્વીર પ્રતીકાત્મ છે

Face Of Nation 14-01-2026 : ગુજરાતમાં ખનીજ ચોરો બેફામ છે છતાં તંત્રમાં તાકાત નથી કે તેઓને અટકાવી શકે. કેમ કે, ખનીજ ચોરીમાં નેતાઓથી લઈને અધિકારીઓ સુધીના લોકો સંડોવાયેલા છે. ભાગબટાઇથી કુદરતી સંપત્તિની ચોરી કરવાના આ કૌભાંડે પર્વતોના પર્વતો તોડી નાખ્યા છે અને નદીઓની નદીઓ ખાલી કરી નાખી છે. રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામ નજીક પુષ્કળ પ્રમાણમાં કાળા પથ્થરનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે. જેમાં કેટલાક સ્થાનિક નેતાઓ અને અધિકારીઓની સંડોવણી હોવાથી કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈને આસપાસના વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાયાવદર થી 9 કીમી.ના અંતરે આવેલા પડવલા ગામમાં એક સ્ટોન ક્રશર આવેલો છે. જે સરકારી ખરાબાની જમીન સર્વે નં 75/3 પૈકી 3ની જમીનમાં વર્ષ 2007થી ચાલુ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલમાં આ ક્રશરનું એન્વાયરમેન્ટ સર્ટી રદ થતા રોયલ્ટીપાસ બ્લોક થયેલો છે. છતાં આ ક્રશર છેલ્લા 3 મહીનાથી પુષ્કળ પ્રમાણમાં કાળા પથ્થરની ખનીજ ચોરી કરી રહ્યા છે. આ સિવાય લીઝની બહાર પણ ગેરકાયદેસર ખોદકામ અને સરકારી ખરાબાની જમીનમાં પણ ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે.
આ બાબતે સ્થાનિકો દ્વારા ખનીજ ખાતામાં જાણ કરવામાં આવી હતી. જ્યાંથી અધિકારીઓ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, બ્લેકટ્રેપની લીઝોમાં હાલ તપાસ કરવા માટે ઉપરની કચેરીએથી મનાઈ ફરમાવવામાં આવી છે. આ બાબત સ્પષ્ટ ચાડી ખાય છે કે, ઉપરથી લઈને નીચે સુધી કેટલી હદે ભ્રષ્ટાચાર થઇ રહ્યો હશે અથવા તો નેતાઓના ફોન ઉપરી અધિકારીંઓને પહોંચી જતા હશે જેથી અધિકારીઓ તપાસ ન કરવા મૌખિક હુકમ કરી દેતા હોય છે. સ્થાનિકોની આ બાબતે કાર્યવાહીની ઉગ્ર રજૂઆતો છતાં નિષ્ઠુર તંત્ર કે ભ્રષ્ટાચારી અધિકારીઓ આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://chat.whatsapp.com/B70iYWBxAMHJhA5Bgpo5hU આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).