Home News પ્રજા જાય ખાડામાં : 10 વર્ષમાં જ નેતાઓની સંપત્તિમાં બમ્પર વધારો, ED...

પ્રજા જાય ખાડામાં : 10 વર્ષમાં જ નેતાઓની સંપત્તિમાં બમ્પર વધારો, ED અને ACB આરામમાં છે ?

Face Of Nation 07-01-2025 : ચૂંટણી ટાણે પ્રજાને પગે લાગવા આવતા ધારાસભ્યો કે નેતાઓ ચૂંટણી પછી ભ્રષ્ટાચારમાં વ્યસ્ત બની જાય છે. પ્રજા જાય ખાડામાં પણ આપણો વિકાસ થવો જોઈએ તે મંત્ર સાથે સત્તામાં આવનારા નેતાઓ દેશને ઉધઈની માફક સાફ કરી રહ્યા છે. લોકો વિકાસ વિકાસની બુમરાણ મચાવીને ખુશખુશાલ થઇ રહ્યા છે અને સત્તા દેશની સંપત્તિઓ ખાનગી કંપનીઓને હવાલે કરી રહી છે. સરકારી અધિકારીઓ, કેટલાક ઉદ્યોગપતિઓ ઉપર અને વિપક્ષના નેતાઓ ઉપર ગાળિયો કસનાર ઇડી કે એસીબી ક્યારેય સત્તાધારી પક્ષના નેતાઓને ઘરે ત્રાટકતી નથી. આજદિન સુધી ક્યારેય ઇડી કે એસીબીએ રિલાયન્સ કે અદાણીની તપાસ કરી નથી કે ક્યારેય નેતાઓની વધી ગયેલી સંપત્તિ મામલે તપાસ કરી નથી. આ એક આશ્વર્યજનક બાબત છે.
દેશમાં 2014થી NDAનું શાસન છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા આ 10 વર્ષના ગાળા દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં રિપીટ થયેલા સાંસદોની સંપત્તિમાં થયેલા વધારા-ઘટાડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ સમય દરમ્યાન ગુજરાતમાં સાત સાંસદ રિપીટ થયા છે. જેમાં જામનગરનાં સાંસદ પૂનમ માડમની સંપત્તિમાં 10 વર્ષ દરમિયાન 130 કરોડ રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળ્યો છે. જ્યારે કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલની સંપત્તિમાં આશ્ચર્યજનક રીતે 47 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લાં 10 વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સરેરાશ મિલકતમાં રૂ. 17.36 કરોડનો વધારો થયો છે. 2014માં સરેરાશ મિલકત રૂ. 15.76 કરોડ હતી, જે 2024માં વધીને સરેરાશ રૂ. 33.13 કરોડ થઈ ગઈ છે. ટકાવારની દૃષ્ટિએ જોઈએ તો આ વધારો 110 ટકા જેટલો છે. આ રીપોર્ટ તો માત્ર સાંસદો પૂરતો છે પણ જો ધારાસભ્ય અને કોર્પોરેટર માટે પણ આવા રિપોર્ટો જાહેર થાય તો અનેકના કાંડ બહાર આવે તેમ છે. જો કે, હવે કેટલાય નેતાઓ એવું શીખી ગયા છે કે, ભ્રષ્ટાચારથી ઉભી કરેલી સંપત્તિ તેમના નામે  નહિ પણ પરિવારના નામે અથવા તો વિશ્વાસુ વ્યક્તિના નામે કરે છે.
નેતા બનતાની સાથે જ સંપત્તિમાં વધારો થવો તે બાબત આમ તો સામાન્ય છે. આજદિન સુધી આ બાબતે ક્યારેય કોઈ સરકારી સંસ્થાઓએ કાર્યવાહી કરી નથી કેમ કે, નેતાઓ સત્તાધારી પક્ષના હોય છે. જેવી સત્તા બદલાય કે તુરંત જ અધિકારીઓમાં પણ પાવર આવી જાય છે અને અગાઉની સત્તા સ્થાને બેસીને નેતાઓએ કરેલા કૌભાંડો બહાર આવે છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. આ કાર્યવાહી જો કોઈ સત્તાધારી પક્ષ 10 કે 15 વર્ષ સુધી ટકી જાય તો કરવામાં આવતી નથી. નેતાઓની સાથે સાથે અધિકારીઓએ પણ ભારત દેશને નુકશાન પહોંચાડવામાં કશું બાકી રાખ્યું નથી કેમ કે, આવા સરકારી અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસે પગાર મેળવે છે અને કામકાજ નેતાઓના ઈશારે કરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://chat.whatsapp.com/B70iYWBxAMHJhA5Bgpo5hU આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).