Home News સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યના ઈશારે ફેસ ઓફ નેશનના એડિટર ઉપર થયેલી ફરિયાદ હાઇકોર્ટે...

સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યના ઈશારે ફેસ ઓફ નેશનના એડિટર ઉપર થયેલી ફરિયાદ હાઇકોર્ટે રદ્દ કરી

Face Of Nation 27-12-2025 : કહેવાય છે કે, ખોટું વધારે દિવસો ટકતું નથી. નબળા લોકો હંમેશા તેમની જાતને મજબૂત પુરવાર કરવા માટે સત્તા સ્થાને બેઠેલા લોકોનો સહારો લેતા હોય છે. અહીં સવાલ એ થાય કે, એવા ધંધા કે ખોટા કામો જ શું લેવા ધર્મનું ઓઢણું ઓઢીને કરવા પડે છે કે, જેથી કરીને સરકારી અધિકારીઓ કે પોલીસ અધિકારીઓના પગ પકડવા પડે. ખેર ! આજે 9 વર્ષ બાદ સત્યનો વિજય થયો છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પાંડેએ તેના દીકરા વ્રજેન્દ્ર પાંડેના કરતૂતો ઉપર ઢાંક પીછોડો કરવા માટે ફેસ ઓફ નેશનના એડિટર  ઉપર આઇટી એક્ટ હેઠળ હરિભક્ત રિતેશ અમૃતભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધવામાં આવી હતી. જે ફરિયાદ ગુજરાત હાઇકોર્ટે 9 વર્ષ બાદ રદ્દ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આ ફરિયાદ નોંધી અને એડિટરની ધરપકડ કરી ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ટેબલે ટેબલે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાડુડી ભરેલા બોક્સો પડ્યા હતા. આ બોક્સો સ્પષ્ટ ચાડી ખાતા હતા કે, આચાર્યએ તેમના પદનો દુરપયોગ કરી સત્તાને પગે લાગીને તેના છોકરાના કરતૂતો ઢાંકવા બીજાને ગુનેગાર ચીતરી દીધા હતા.
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના વડા અને ભગવાન સ્વામિનારાયણના વંશજ જેમને કહેવામાં આવે છે તે આચાર્ય કૌશલેન્દ્ર પાંડેના પુત્ર લાલજી વજેન્દ્ર પાંડેએ આજથી 9 વર્ષ અગાઉ એક છોકરીને બાથરૂમમાંથી તેના ગુપ્તાંગને હાથમાં પકડીને સેલ્ફી મોકલીને દેખાડી દીધું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય અને ધર્મકુળમાં કેવા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. જો કે અહીં નમાલા હરિભક્તોનો રાફળો હોવાથી લાલજીની આ નગ્ન સેલ્ફીકાંડને ધર્મકુળના ભાવિ ગાદીપતિની “લીલા”માં તબદીલ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના ખરેખર હાસ્યાસ્પદ હતી કે જેમાં લાલજીએ નગ્ન સેલ્ફી કાંડ કર્યો છતાં કોઈ પણ હરિભક્તે આ બાબતે ધર્મકુળ પાસે સવાલ ન કર્યો કે કોઈ ટ્રસ્ટીએ પણ આ બાબતે ખુલાસો ન માંગ્યો. જો કોઈ સાધુએ આવું કામ કર્યું હોત તો તેને સંસ્થાએ હાંકી કાઢ્યા હોત અને કોઈ હરિભક્ત તેને બોલાવતા પણ નહીં. ખેર ! હરિભક્તો અને ટ્રસ્ટીઓની વર્તણુક જ કહી દેખાડે છે કે, કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્મની આડમાં ચાલતા ખોટા કાર્યોને નજર અંદાજ કરવામાં આવે છે.
નમાલા હરિભક્તો એ શબ્દ અમે એટલા માટે વાપરીએ છીએ કે, આ સંપ્રદાયના કોઈ પણ હરિભક્તની એટલી હિંમત નથી કે કશું ખોટું થતું હોય તો સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પાંડે કે લાલજી વજેન્દ્ર પાંડેને એક સવાલ શુધ્ધા કરી શકે. જો કોઈ એવું વિચારતું હોય કે, ફેસ ઓફ નેશન ત્યારે ખોટું હતું અને આજે પણ ખોટું છે અને તેમના આચાર્ય કે લાલજી સાચા છે તો હરિભક્તો એ વાતની બાંહેધરી આપે કે, પુરાવાઓ જાહેર કરવામાં આવે તો તેના અંગે લાલજી અને આચાર્ય પાસે ખુલાસો માંગવામાં આવશે તો ફેસ ઓફ નેશન તે તમામ ફોટાઓ અને ચેટની નકલો જાહેર કરવા તૈયાર છે જે એક લાલજી તો શું આમ નાગરિકને પણ ન છાજે તે ભાષામાં ઉત્તેજિત ચેટ કરીને સેક્સની માંગણી કરવામાં આવી હતી. તે સમયે લાલજી ઉપર ફરિયાદ કે જવાબ લેવાની જગ્યાએ આચાર્યના ઈશારે એક હરિભક્તે ફેસ ઓફ નેશન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી દીધી અને દોષીતોએ નિર્દોષોને આરોપી બનાવીને તેમની જાતને નિર્દોષ પુરવાર કરી. ખરેખર તાળીઓ પાડવી જોઈએ કે, હરિભક્તો પણ આચાર્યના ખોટા કાર્યોમાં સહયોગ આપે છે.
મણિનગરમાં રહેતા રિતેશ અમૃતભાઈ પટેલ નામના વ્યક્તિએ આચાર્યના ઈશારે ફેસ ઓફ નેશનના તંત્રી સહિતના લોકો ઉપર ફરિયાદ દાખલ કરાવીને ધાર્મિક લાગણી દુભાતી હોવાનું જણાવ્યું. અહીં સવાલ એ થાય છે કે, જે લાલજીએ તેમનું ગુપ્તાંગ દેખાડ્યું તેનાથી આ હરિભક્તની ધાર્મિક લાગણી ન દુભાઈ ? કેમ તે એક લીલા હતી ? આ જ રિતેશ પટેલની પત્ની, બહેન કે દીકરીને આ લાલજીએ તેના ગુપ્તાંગ વાળા ફોટા મોકલ્યા હોત તો શું આ રિતેશ પટેલ તેની પત્ની, બહેન કે દીકરી ઉપર પોલીસ ફરિયાદ નોંધાવવા આગળ આવતો કે તેની પત્ની, બહેન કે દીકરીએ તેની ધાર્મિક લાગણી દુભાવી છે ? ના ક્યારેય નહિ. કદાચ તે સમયે આ જ રિતેશ પટેલ તેની તાકાત પ્રમાણે લાલજી સામે પડતો અને અવાજ ઉઠાવતો. ક્યારેક એ પણ જાણવું ખુબ જરૂરી હોય છે કે, આપણે જેના માટે જંડો પકડીને આગળ ચાલીએ છીએ તે ખરેખર સાચા કે દુધે ધોયેલા છે કે કેમ ?
સત્તા અને ગાદી જતી રહેવાનો ડર સંપ્રદાયના આ બાપ-દીકરાને એટલો બધો છે કે, સંપ્રદાયના તમામ મંદિરો તેઓ લખાવી લેવાની જીદે ચઢ્યા અને તે જીદ પુરી પણ કરી. હજુ પણ એવા મજબૂત સાધુઓ છે કે જેઓ તેમની આ જીદ સામે ઝૂકતાં નથી અને ઝુકે પણ શું કામ ? સાધુઓ સંસાર છોડીને આવે છે અને આ આચાર્ય-લાલજી મનફાવે તેને કાઢી મૂકે છે અને મનફાવે તેને ખોળામાં બેસાડી દે છે. તે કેટલું યોગ્ય છે ? આ આચાર્ય કે લાલજીને ન ગમે તેને અંકમાં લખીને જાહેર કરી દે એટલે હરિભક્તો પણ તે અંકના જ લખાણને સર્વસ્વ માનીને તેનું અનુકરણ કરે પણ ક્યારેય આ બાબતે સવાલ ન કરે તે કદાપિ યોગ્ય નથી. આ જ સંપ્રદાયમાં ઘણા સાચા અને નિષ્પક્ષ સાધુઓ હજુ હયાત છે જેઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે કેમ કે તેઓ આચાર્ય કે લાલજીની હા માં હા નથી પૂરતા. બીજી બાજુ જેતલપુરના પીપી અને આત્મ જેવા રાજકારણ રમનારા સાધુઓ છે કે જેમને કૌશલેન્દ્ર પાંડે ખોળે બેસાડીને તે નચાવે તેમ નાચે છે. આ બંને એટલા માસ્ટર માઈન્ડ છે કે, તેઓ આચાર્ય અને લાલજીને હાથ ઉપર રાખીને ધારેલા કામ પાર પડાવે છે. ખેર ! અત્યારે લાલજી કાંડની વાત કરીએ તો, જયારે લાલજીના લગ્ન સેલ્ફી કાંડનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે આ જ જેતલપુરના આત્મ અને પીપી નામના સાધુએ તંત્રીનો અમદાવાદના થલતેજ ખાતેના એક નામી બિલ્ડર થકી સંપર્ક કર્યો હતો. જો કે તે સમયે તંત્રીએ આ બંને સાધુઓને મળવાની ના પાડી દીધી હતી. બિલ્ડર થકી આ સાધુઓએ એવો સંદેશો મોકલાવ્યો હતો કે, આ લાલજીના તમામ નગ્ન ફોટાઓ અને ચેટની કોપીઓ ઉજાગર કરીને બરોબર પાઠ ભણાવો. તમે તે ન કરી શકતા હોય તો અમને આપી દો તેવી માંગ કરી હતી. જો કે, ફેસ ઓફ નેશને ધર્મની મર્યાદાને ધ્યાનમાં રાખી લાલજીના કોઈ નગ્ન ફોટાઓ કે ચેટ હજુ સુધી જાહેર કરી નથી. આ એક નગ્ન સત્ય છે. આજે આ જ પીપી અને આત્મના ઈશારે કૌશલેન્દ્ર પાંડે અને વજેન્દ્ર પાંડે કાર્ય કરે છે કેમ કે પીપી અને આત્મ પાસે લાલજી અને આચાર્ય વિરુદ્ધની એવી ઘણી વાતો છે કે, જે ઉજાગર થાય તો આચાર્ય અને લાલજી ઉઘાડા પડી જાય તેમ છે.
ખેર ! ફેસ ઓફ નેશન કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયનું કે આચાર્ય કે લાલજીનું વિરોધી નથી પરંતુ આચાર્ય અને લાલજીની ગાદીએ બેસીને કૌશલેન્દ્ર પાંડે અને વજેન્દ્ર પાંડેની બાપ-દીકરાની જોડીએ જે કાર્યો કર્યા છે તે સખત શબ્દોમાં વખોડવા લાયક છે. આ બંને બાપ દીકરાઓ એટલા ડરપોક છે કે, કાંડ કર્યા પછી કશું પણ તેમની ઉપર આવે તે પહેલા સામે વાળા વિરુદ્ધ તેમના પદ અને ઓળખાણોના સહારે પોલીસ ફરિયાદ કરીને સામે વાળાને બદનામ કરી દેવાનો. આ જ તેમની મુખ્ય રણનીતિ છે. તે ચાહે પછી ઘરમાં હોય કે સંપ્રદાયમાં હોય. જેનું ઉત્તમ ઉદાહરણ હમણાં લાલજીએ તેની પત્ની વિરુદ્ધ કરેલી ફરિયાદ છે. આ ફરિયાદમાં હનીમૂન સહિતના અન્ય ઉલ્લેખવામાં આવેલા શબ્દ જ આ ધર્મકુળ માટે શરમજનક કહેવાય. પણ એવું લાગે છે કે, હવે શરમ જેવું કશું રહ્યું જ નથી. કેમ કે હરિભક્તો જ લાલજીના લગ્નમાં જાનૈયા બનીને નાચતા હોય ત્યાં એમ જ કહેવાય કે એમાં શું ? લાલજી મહારાજ પણ હનીમૂન તો કરે જ ને ! જો કે, બાદમાં સમાધાનનું કારણ આગળ ધરીને આ ફરિયાદ પણ હાઇકોર્ટે રદ્દ કરી. ફેસ ઓફ નેશનના યૂટ્યૂબ એકાઉન્ટથી લઈને સોશિયલ એકાઉન્ટ પણ બંધ કરાવવા આ બાપ-દીકરાએ અથાગ પ્રયાસો કર્યા છે ત્યારે જાહેરમાં અમારો એક જ પ્રશ્ન છે તમને તમારી પ્રતિષ્ઠાનો આટલો બધો ડર લાગે છે તો એવા કાંડ જ શું લેવા કરો છો કે જેનાથી તમારે અમારી વિરુદ્ધ ફરિયાદો દાખલ કરાવવા લોકોના પગ પકડવા પડે છે કે અમારી સોશિયલ સાઈટો બંધ કરાવવા લોકોને ધંધે લગાવવા પડે છે ?
આજથી આચાર્ય, લાલજી અને સ્વામિનારાયણ સમ્પ્રદાય કાલુપુરના અનુયાયીઓ માટે વધુ એક કામ શરૂ થયું છે, ફેસ ઓફ નેશનનો બહિષ્કાર કરવો. લાગી જાઓ લાલજીનો આદેશ આવે તે પહેલા અમે જ તમને કહીએ છીએ કેમ કે ખબર જ છે કે હવે આ સંપ્રદાયના અનુયાયીઓ શું કરી શકશે ? બીજી પણ ફરિયાદ કરવા પાછા આચાર્ય અને લાલજી કોઈ નેતાને ફોન કરીને ભલામણ કરશે અને ફેસ ઓફ નેશનને આરોપી સાબિત કરવામાં લાગી જશે. ખેર ! આ જ ચાલશે જ્યાં સુધી તેમના અનુયાયીઓ આ બધું ચલાવશે. સ્વામિનારાયણ ભગવાન જો ખરેખર ભગવાન હોય તો આ બાપ દીકરાને ચમત્કાર આપે તેવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).