Home Uncategorized પ્રજાના પૈસે ધુમાડો : રોડ-રસ્તા અને લાઈટો ટકાટક કેમ કે ભાજપના “તારણહાર”...

પ્રજાના પૈસે ધુમાડો : રોડ-રસ્તા અને લાઈટો ટકાટક કેમ કે ભાજપના “તારણહાર” આવી રહ્યા છે !

Face Of Nation 22-08-2025 : નરેન્દ્ર મોદીને ભાજપના લોકો પક્ષના તારણહાર માને છે. જયારે જયારે ભાજપના આ તારણહાર ગુજરાત કે અન્ય કોઈ રાજ્યની મુલાકાતે આવે છે ત્યારે ત્યારે પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. રોડ રસ્તા અને લાઈટો ટકાટક કરી દેવામાં આવે છે. જ્યાં સરકારી તંત્ર ક્યારેય દેખાયું ન હોય ત્યાં આખી રાત જાગીને કામકાજ પુરા કરતા નજરે ચઢે છે. રાતો રાત જ્યાં રોડ ન હોય ત્યાં રોડ બની જાય છે અને લાઈટો ન હોય ત્યાં લાઈટો નંખાઈ જાય છે. ભારતીયોની આ એક મોટી દુર્દશા છે કે, નેતાઓની મુલાકાત ટાણે કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાંખવામાં આવે છે અને પ્રજા પાયાની જરૂરિયાતો માટે વલખા મારે છે અને સરકારી તંત્રના ધક્કા ખાઈ ખાઈને રજૂઆતો કરી કરીને થાકી જાય છે છતાં કોઈ કામ થતા નથી.
ભાજપમાં હાલ કોઈ સિનિયર નેતાનું કશું ઉપજતું નથી. સંઘ હવે હાંસિયામાં ધકેલાઈ ગયો છે કેમ કે, ભાજપ એટલે મોદી અને મોદી એટલે ભાજપ. આ વ્યાખ્યા અત્ર તત્ર અને સર્વત્ર થઇ ગઈ છે. મોદીની મરજી વિના પાંદડું પણ હાલતું નથી કે મોદીની મરજી વિના કોઈ કશા નિર્ણય પણ લઇ શકતા નથી. મોદી રાજમાં પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા જાહેરાતો સહિત પ્રચાર પ્રસાર પાછળ વાપરવામાં આવે છે. મોદી અને ભાજપ પ્રજાના પૈસાના સહારે જ છે. મીડિયાથી માંડીને વિરોધ પક્ષના લોકોને ખરીદવા માટે ભાજપ અઢળક પૈસો પાણીની માફક વાપરે છે. કેમ કે, ભાજપના એક હથ્થુ શાસન સામે તેમને કોઈ હિસાબ માંગવા વાળું કે અવાજ ઉઠાવવા વાળું કોઈ છે નહીં. જો કોઈ અવાજ ઉઠાવે તો તેને શામ, દામ અને દંડ વાપરીને દબાવી દેવામાં આવે છે.
PM નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે 4:30 વાગ્યે 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ખાતમુર્હુત અને લોકાર્પણના કાર્યક્રમ પાછળ જ કરોડોનો ધુમાડો કરી દેવામાં આવ્યો છે. આ બધું ભારતમાં જ શક્ય છે. જ્યાં, પ્રજાલક્ષી કાર્યોના ઉદ્ઘાટનો પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે કેમ કે પ્રજાનો ડર રાજકીય નેતાઓને નથી. જેથી નેતાઓ પ્રજાના પૈસે જાકમજોળ જાહેરાતો અને તેમની વાહવાહી કરવાના આદિ બની ગયા છે. જેમાં સરકારી તંત્રને મજુરની માફક કામે લગાડી દેવામાં આવે છે. આ સરકારી તંત્રના લોકો પ્રજાના કામોમાં ક્યારેય આટલી ઉતાવળથી કામ કરતા નથી કે ક્યારેય પ્રજાના કામોમાં સક્રિયતા દેખાડતા નથી.
મોદી આવશે એટલે જેટલો ઉન્માદ ભાજપ પક્ષ નહિ દેખાડે તેનાથી વધુ ટીવી ચેનલોના ઍન્કરો દેખાડશે. આ ટીવી ચેનલના ઍન્કરો એટલું જોર શોરથી એન્કરિંગ કરશે કે જાણે, ધરતી ઉપર સ્વંય ભગવાન હાજર હજુર પ્રજાની મુલાકાત અર્થે ઉતરી આવ્યા હોય. આ ઍન્કરો અને ટીવી ચેનલો તેમની જવાબદારી ચુકી ગયા છે કેમ કે ભાજપ સત્તામાં છે અને જાહેરાતના નામે કરોડો રૂપિયા તેમને મળે છે. પ્રજા સાથે અન્યાય થતો હોય અને સત્તા વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો હોય ત્યારે આ ટીવી ચેનલોનો બધો હોશ ઉડી જાય છે કેમ કે તેમને સત્તા તરફથી જાહેરાતની આડમાં મળતા પૈસા બંધ થઇ જઈ જશે તેનો ડર સતાવી રહ્યો હોય છે. ખેર ! જ્યાં સુધી પ્રજા જાગૃત નહિ થાય અને પ્રજાનો ડર નેતાઓમાં નહિ ઘૂસે ત્યાં સુધી આ બધું ચાલતું રહેશે અને જેના માટે જનતા ખુદ જવાબદાર રહેશે તેમ કહેવામા કોઈ બે મત નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

શાળા અને સત્તા એક થઇ જાય ત્યારે સંતાનોના હિતમાં વાલીઓએ ઘટના પહેલા જાગૃત થવું જરૂરી છે