Home Uncategorized શાળા અને સત્તા એક થઇ જાય ત્યારે સંતાનોના હિતમાં વાલીઓએ ઘટના પહેલા...

શાળા અને સત્તા એક થઇ જાય ત્યારે સંતાનોના હિતમાં વાલીઓએ ઘટના પહેલા જાગૃત થવું જરૂરી છે

Face Of Nation 22-08-2025 : જયારે કોઈ ઘટના બને છે ત્યારે અનેક વાલીઓ સામે આવીને બોલવાની હિંમત કરે છે. વર્ષોથી ચાલતા શાળાઓના ગોરખધંધા ઘટના બન્યા બાદ ઉઘાડા પડવાની શરૂઆત થાય છે. આ ભારત દેશની એક મોટી કમનસીબી છે કે જ્યાં સંતાનોના વાલીઓ કોઈ ઘટના બાદ જાગૃત થાય છે અને શરૂ થાય છે આક્ષેપ પ્રતિઆક્ષેપનો સિલસિલો. ખરેખર તો વાલીઓ પહેલેથી જ જાગૃત હોય તો કોઈ મોટી ઘટના બનતા અટકી શકે છે. શાળા અને સત્તા જયારે એક થઇ જાય છે ત્યારે સંતાનોના હિતમાં નેતા પ્રેમ કે સત્તા પ્રેમ છોડીને વાલીઓએ જાગૃત થવું અત્યંત જરૂરી બની જાય છે. જે વાલીઓ એવી માનસિકતા ધરાવે છે કે, આપડે શું ? બધા વિરોધ કરે છે ને જોયા કરો તેવા વાલીઓ નપુસંક માનસિકતા ધરાવે છે અને તેઓને મગજનો પોલીયો થયો હોય તેવા વિચારો ધરાવે છે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
આસારામ કેસ હોય કે અન્ય કોઈ શાળામાં વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયના કેસો હોય, આ તમામ કેસો બાદ મોટા ભાગના વાલીઓ અનેક આક્ષેપો સાથે હોબાળો કરવા જાહેરમાં આવ્યા છે. હોબાળાની સાથે સાથે આ વાલીઓએ જાણે અજાણે એ વાતની પણ સાક્ષી પુરી છે કે, આજદિન સુધી થતી તમામ શાળાની કાર્યવાહી સામે તે ચુપચાપ રહ્યા અને બધું સહન કરતા રહ્યા. ક્યારેય કોઈ વાલીઓ એક થઈને શાળા સામે વિરોધમાં ન ઉતર્યા જ્યાં સુધી કોઈ મોટી ઘટના ન ઘટી. આસારામ આશ્રમમાંથી જયારે બે બાળકો ગુમ થઇ ગયા અને બાદમાં તેમની લાશ મળી ત્યારબાદ અનેક વિદ્યાર્થીઓના વાલીઓએ આશ્રમમાં તાંત્રિક વિધિઓ થતી હોવાના આક્ષેપો કર્યા પણ તે અગાઉ કોઈ આશ્રમ સામે અવાજ ઉઠાવવા તૈયાર નહોતા. જો પહેલા અવાજ ઉઠાવવામાં આવ્યો હોત તો આજે બે બાળકો હયાત હોત. આ જ ઘટનાનું પુનરાવર્તન ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં થયું છે. એક વાલીએ એવું નિવેદન આપ્યું છે કે, અનેક લોકોને ખબર હતી કે, શાળામાં બાળકો ચપ્પુ લઈને આવે છે તેમ છતાં કોઈએ કાર્યવાહી કરી નહિ. આજે વાલીઓ એકઠા થઈને શાળા સામે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તે જો પહેલા થયું હોત તો આજે વિદ્યાર્થીની હત્યા જેવી મોટી અને ગંભીર ઘટના ન બની હોત. જેથી શાળાની સાથે સાથે વાલીઓનો પણ એટલો જ વાંક છે જેઓને ઘણી બધી ખબર હોવા છતાં કોઈ મોટી ઘટના બને નહિ ત્યાં સુધી ચુપકીદી સેવી લેતા હોય છે. કેમ કે, દરેકવાલીઓ પોતપોતાનું વિચારે છે. મારે શું ? આ વિચારશરણી જયારે નાશ પામશે અને સમય પહેલા વાલીઓ જાગૃત થશે તો કોઈ શાળામાં ગંભીર ઘટના બનશે નહી.
સેવન્થ ડે જેવી અનેક શાળાઓ છે જે સત્તાને શરણે છે. જ્યાં કદાચ સત્તા કોઈ કડક કાર્યવાહી કરવાનું મુનાસીબ માનતી નથી એટલે જ જયારે સત્તા અને શાળા એક થઇ જાય ત્યારે કોઈ ઘટના ઘટે તે પહેલા વાલીઓએ સંતાનોના હિતમાં એક થવું ખુબ જ જરૂરી છે. જયારે શાળા સંચાલકોમાં વાલીઓનો ડર ઘુસી જશે ત્યારે જ શાળા અને સત્તા ગંભીર બનશે તે સિવાય બંનેમાંથી એક પણ ગંભીર નહી બને. થોડો સમય કડકાઈના દેખાડાઓ થશે. સત્તા શાળાને નોટિસ આપવાના નાટકો કરશે પણ અંતમાં વાલીઓ શાંત થઇ જશે ત્યારે ઘીના ઠામમાં ઘી પડી જશે. ફરીથી થોડા સમય બાદ કોઈ વિદ્યાર્થીનો જીવ ન જાય તેની રાહ જોવાશે, આપણી આ એક મોટી નબળાઈ છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

..તો કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીની ધરપકડ થાય, તેથી પાણી પહેલા પાળ બંધાઈ, 100 કરોડની ફરિયાદ થઇ !