Face Of Nation 13-07-2025 : મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતીયાએ તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ ઈટાલીયા જો મોરબીથી ચૂંટણી લડે અને જીતે તો તેને 2 કરોડ રૂપિયા આપશે. જો કે અહીં સવાલ એ થાય છે કે, પ્રજાના સેવક બની બેઠેલા આ ધારાસભ્યો પાસે શરત લગાવવા માટે કરોડો રૂપિયા નીકળે છે પણ પ્રજાના વિકાસ કાર્યોને લઈને કેમ વાપરવામાં આવતા નથી. એમાં કાંતિ અમૃતીયાનો પણ વાંક નથી કેમ કે, તેઓ જે પક્ષમાંથી આવે છે ત્યાં વિરોધપક્ષના કે નડતરરૂપ લોકોને કેવી રીતે પૈસાથી ખરીદીને પોતાની તરફ ખેંચી લેવા તેની રાજનીતિ શીખવવામાં આવે છે. જ્યાં પૈસાથી બધું જ ખરીદી લેવામાં આવે છે અને પ્રજાને ઠાલા વચનો આપીને ઠેંગો દેખાડવામાં આવે છે. કાંતિ અમૃતિયા એ જ ધારાસભ્ય છે જેણે મોરબીની ઘટનાને આગળ ધરીને ધારાસભ્ય પદ મેળવ્યું હતું. તેઓ તેમના ચૂંટણી પ્રચારમાં પણ બ્રિજ દુર્ઘટનામાં તેમના દ્વારા કરવામાં આવેલી કામગીરી લોકો સમક્ષ મૂકતા હતા. જે ધારાસભ્ય પ્રજાને દુઃખની ઘડીએ પણ મદદ કરીને બોલી બતાવે તેવા ધારાસભ્યો શું કામના ?
મોરબી હાલ ગુજરાતમાં ચર્ચા સ્થાને છે કેમ કે ત્યાંના સ્થાનિક ધારાસભ્યએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને એક ચેલેન્જ આપી છે. આ ચેલેન્જ બદલ તેમણે 2 કરોડ આપવાની ઓફર પણ કરી છે. આ એ જ ગાંધીનું ગુજરાત છે જ્યાં સરકારી ઓફિસરોને લાંચ આપવી ગુનો બને છે અને કાયદેસરની કાર્યવાહી થાય છે પણ જો ધારાસભ્યોને પૈસા આપીને ખરીદવામાં આવે કે ધારાસભ્યો ખુદ જાહેરમાં કરોડોની ઓફરો કરે તો તેની સામે બંધારણમાં ગુનાની કોઈ વ્યાખ્યાય નથી.
ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મોરબીમાં થયેલી બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં લોકોને બચાવવા કૂદી પડ્યા હતા. બસ, આ જ ઘટના તેમના માટે જાણે કે આશીર્વાદ બનીને આવી અને ભાજપે પણ આ તક ઝડપીને તેમને ધારાસભ્ય પદના ઉમેદવાર બનાવી દીધા. પ્રજા પણ ભાજપની રાજકીય રણનીતિમાં આબાદ ફસાઈ ગઈ અને પુલ દુર્ઘટનામાં લોકો મૃત્યુ પામ્યા હોવા છતાં સત્તાપક્ષ ભાજપના ઉમેદવાર જીતી ગયા. બસ, આ જ જીત કાંતિ અમૃતિયા માટે અભિમાનરૂપ બની ગઈ અને આજે તેમણે તે જ અભિમાનમાં વિસાવદરમાં તાજેતરમાં ચૂંટણી જીતેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને બે કરોડની ઓફર જાહેરમાં કરી દીધી. કાંતિ અમૃતિયા પાસે ગોપાલને આપવા બે કરોડ છે પણ મોરબીમાં અનેક જગ્યાએ સ્થાનિકો બુમરાણ મચાવે છે ત્યાં ખર્ચ કરવા માટે બે કરોડ નથી તે સ્થિતિ પ્રજા માટે ખરેખર દયજનક કહેવાય.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation નિયમિત ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવા ક્લિક કરો : https://chat.whatsapp.com/IExd72W3WVJDj626cS7w5W?mode=r_t ).
![Kanti-Amrutiya[1]](https://www.faceofnation.news/wp-content/uploads/2025/07/Kanti-Amrutiya1-640x360.jpg)


