Home News ક્ષત્રિયોનો રોષ મતમાં પરિવર્તિત થઇ જશે જયારે મોદી આવશે અને કહેશે, “મારા...

ક્ષત્રિયોનો રોષ મતમાં પરિવર્તિત થઇ જશે જયારે મોદી આવશે અને કહેશે, “મારા ક્ષત્રિય ભાઈઓ-બહેનો..”

Face Of Nation 4-05-2024 : ક્ષત્રિયોનો રોષ શાંત થવાનું નામ નથી લેતો અને ભાજપ ઉમેદવાર બદલવા તૈયાર નથી. ભાજપના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ સમગ્ર મામલાની રગેરગની માહિતી મોદી સુધી પહોંચી રહી છે અને મોદી વિશ્વાસ આપી રહ્યા છે કે, રૂપાલાને બદલવા નથી. હું આવીશ અને સભા કરીશ એટલે રોષ શાંત થઇ જશે. વાત સાચી પણ છે. ચૂંટણીમાં મોદી હંમેશા અંત સમયે બાજી પલટનારા રાજકારણી મનાય છે. મોદીનો ગુજરાત પ્રવાસ નક્કી થઇ ગયો છે. આ સમયે મોદી આવશે અને સભામાં ક્ષત્રિયોને લઈને એવું કોઈ નિવેદન આપશે કે, ક્ષત્રિયોનો રોષ રૂપાલાના મતમાં પરિવર્તિત થઇ જશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. મોદી કહેશે, મારા ક્ષત્રિય ભાઈઓ બહેનો તમારો ઇતિહાસ રહ્યો છે કે, જયારે કોઈએ માફી નથી માંગી ત્યારે તમે તેના માથા વાઢી લીધા છે અને જ્યારે કોઈએ માફી માંગી છે ત્યારે તમે મોટું મન રાખીને તેમને માફ પણ કરી દીધા છે, તમારા ઘરમાં તમારી માં-બહેન-દીકરી કે બાપ-ભાઈ કે દિકરાથી ભૂલો થઇ હશે અને તમે માફ પણ કરી હશે તો આજે તમારો નરેન્દ્રભાઈ માફી માંગે છે તો તમે માફ નહિ કરો ??? અથવા નરેન્દ્ર મોદી કોઈ એવી સ્ટોરી લઈને આવશે કે ક્ષત્રિયો વિરોધ કરી શકશે નહીં.
જેમ રામના નામે દરિયામાં પથ્થર તર્યા હતા તેમ આજે મોદીના નામે ભાજપ પ્રજાના દરિયામાં તરી રહ્યું છે. મોદીના નામથી ભાજપ કોઈ પણ ઉમેદવાર ઉતારે એટલે તે પ્રજાના દરિયામાં તરી જ જાય. રાજા મહારાજાઓએ ભારતમાં અનેક ઠેકાણે રાજ કર્યું અને આજના રાજકારણીઓ પણ ભારત ઉપર રાજ કરી રહ્યા છે. સમય બદલાઈ ગયો છે હવે. આજ હવે ગઈકાલ જેવી નથી. આજે દેશ મોદીના હાથમાં છે અને મોદી જ ભારત માટે સર્વેસર્વા છે. સમગ્ર ભારત માત્ર મોદીના નામે ઓળખાય છે તેવામાં મોદી કે ભાજપ સાથે વેર કે દુશ્મની કરવાનો વિચાર શુધ્ધાં પણ વ્યક્તિ માટે જોખમ ઉભું કરી શકે છે અને આ વાત સાર્થક થતી દેશવાસીઓએ અનેક જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા લોકો પાસે થયેલી જોઈ છે. ગમે તેવા ચમરબંધી પણ આજે મોદી આગળ હાથ જોડીને ઉભા રહ્યા હોય તેવા ચિત્રો પણ જોયા છે. ખેર ! આ વાત ચર્ચા સ્થાને નથી કેમ કે આજે ગુજરાતમાં ક્ષત્રિયોનો રોષ ભાજપ માટે આફતરૂપ બનશે કે કેમ તે મહત્વનો મુદ્દો છે. રાજકીય સમીકરણ જોતા અને પ્રજાનો મોદી કે ભાજપ પ્રેમ જોતા એવું ચોક્કસ કહી શકાય કે, ક્ષત્રિયોનો રોષ ભાજપને જીત અપાવતા રોકવામાં કોઈ નડતરરૂપ બનશે નહીં. આખીય બાજી મોદી અંત સમયે પલ્ટી નાખશે અને રૂપાલાને જીત તરફ આગળ વધવામાં સરળ રસ્તો મળી જશે.
સામાન્ય અને તટસ્થતાથી વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિથી ભૂલ થાય તે સ્વાભાવિક છે અને પ્રથમ ભૂલ હંમેશા માફીને પાત્ર જ હોય છે. એવું નથી કે ક્ષત્રિયો એટલે ભગવાન. ક્ષત્રિયો કે ક્ષત્રિયોના ઘરોમાં કોઈએ ક્યારેય ભૂલો જ નહિ કરી હોય. પરંતુ ભૂલના અંતે માફી અથવા પ્રાયશ્ચિત એ સૌથી મોટી લાગણી છે કે, તેઓને પણ એવો અહેસાસ થયો છે કે તેમનાથી ખોટું થઇ ગયું છે. આવા સમયે મનઘડત વલણ અપનાવવાને બદલે ઉદાર દિલ રાખીને માફી આપી દે એ મહાન વ્યક્તિ છે. રૂપાલાએ જે નિવેદન આપ્યું હોય તે પણ એ પછી જે રીતે બે હાથ જોડીને જાહેરમાં તેમણે માફી માંગી અને ભાજપ પક્ષના પ્રમુખે પણ માફી માંગી ત્યારે આ મુદ્દાને ખોટી રીતે પકડી રાખવો એ સસ્તી પ્રસિદ્ધિથી વિશેષ કાંઈ નથી. તમે માફી ન આપી શકતા હોવ તો મત ન આપશો પણ રાજ્યમાં દેખાડાઓ ઉભા કરવા કે પ્રસિદ્ધિ મેળવવા માટે હોબાળાઓ કરવા કદાપિ યોગ્ય નથી. ખેર ! આ એક સમાજની વાત છે અને જે તે સમાજના લોકોએ આનો નિર્ણય લેવાનો છે. જોવાનું એ રહેશે હવે કે, અંત સમયે મેદાને આવનાર મોદીની માફી પણ ક્ષત્રિયો સ્વીકારશે કે કેમ ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).