Home Uncategorized હિટલરશાહીનું પુનરાવર્તન : વિશ્વમાં મોદી બીજા હિટલર સાબિત થશે, મોદીની લોકપ્રિયતા કરતા...

હિટલરશાહીનું પુનરાવર્તન : વિશ્વમાં મોદી બીજા હિટલર સાબિત થશે, મોદીની લોકપ્રિયતા કરતા ડર વધી રહ્યો છે

Face Of Nation 4-04-2024 : આજે એક એવી નગ્ન સત્યતાથી સૌને વાકેફ કરવા જઈ રહ્યા છીએ કે જે ભવિષ્યમાં સાચી ઠરીને લોકોની સામે આવશે. આ લેખ તમે સાચવીને ચોક્કસ રાખી શકો છો કેમ કે જો અત્યારે જે સ્થિતિ છે તે કાયમ રહેશે તો અમારો આ લેખ સાચો સાબિત ઠેરવવામાં કોઈ તાકાત નહીં રોકી શકે. રાજકારણ જયારે સરકારી તંત્ર ઉપર પકડ જમાવવા લાગે ત્યારે સમજી લેવું કે તે દેશનો રાજા નબળો છે અને તે દેશની લોકશાહી હવે જોખમમાં છે. આવા દેશનો નબળો રાજા સરકારી તંત્રના ઉપયોગ કરીને તેની બહાદુરી છતી કરતો હોય છે. આજે મોદી ભારત દેશ માટે એક એવા શાસક સાબિત થઇ રહ્યા છે કે, જેની લોકપ્રિયતા કરતા ડર વધુ છે. એક સમયે મોદીની લોકપ્રિયતા હતી જે ધીમે ધીમે ડરમાં પરિવર્તિત થઇ રહી છે. મોદી શાસનએ હિટલર શાસનનું પુનરાવર્તન છે.
હિટલરશાહીનું પુનરાવર્તન શીર્ષક હેઠળ જયારે આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે સૌ પ્રથમ હિટલર વિષે થોડી વાત જાણવી જરૂરી છે. હિટલર કોણ હતો અને આજે કેમ ઇતિહાસ તેનું નામ લે છે તેની માહિતી કંઈક આવી છે. “૧૯૨૩માં, હિટલરે નાઝી પક્ષના કેટલાક અન્ય સભ્યોને ભેગા કરી તત્કાલીન વેયમર રિપબ્લિક સરકારને ઉથલાવાનો પ્રયત્ન કર્યો. આ નિષ્ફળ બળવાનાં કારણે હિટલરને જેલમાં પૂરવામાં આવ્યાં અને તે દરમિયાન તેઓએ તેમની આત્મકથા અને રાજકીય મેનિફેસ્ટો મેઈન કેમ્ફ (મારો સંઘર્ષ) લખી. નવ મહિનાનાં કારાવાસ બાદ હિટલરને મુક્ત કરવામાં આવ્યાં. ૧૯૩૩ની ચૂંટણીમાં નાઝી પાર્ટી, પ્રમુખ પાર્ટી તરીકે ઉભરી અને હિટલર જર્મન સરકારમાં ચૂંટાયા. જ્યારે જર્મન રાષ્ટ્રપતિ વોન હિન્ડેનબર્ગનું ૧૯૩૪માં મૃત્યુ થયું હતું ત્યારે હિટલર પાસે જર્મનીનો સંપુર્ણ અંકુશ હતો અને તેમણે પોતાની જાતને “ફ્યુહરર” (નેતા)નું શીર્ષક આપ્યું. તેમણે ભાષાની સ્વતંત્રતાનો અંત લાવ્યો અને પોતાનાં દુશ્મનોને જેલમાં મૂક્યા અને કેટલાકની હત્યા કરાવી નાખી. હિટલર અને તેના પ્રચાર મંત્રી, જોસેફ ગોબેલ્સે જર્મનીમાં પ્રખર રાષ્ટ્રીયવાદ ફેલાવ્યો. તમામ સંચાર માધ્યમોએ સરકારની પ્રશંસા કરવાની ફરજ પાડવામાં આવી. જર્મની નાઝી પાર્ટી અને હિટલરનાં એકહથ્થું શાસન નીચે આવ્યો. આમ, જે લોકો હિટલરને સૌથી વધુ લોકપ્રિય માનતા હતા તેમના જ માટે હિટલર જીવલેણ સાબિત થયા અને એક ઇતિહાસનું નિર્માણ થયું.
હિટલરના શાસન અને આજના મોદીના શાસનમાં ઘણી સમાનતાઓ જોવા મળી રહી છે. હિટલર પણ લોકપ્રિય નેતા હતો અને સમય જતા તેની લોકપ્રિયતા ડરમાં પરિણમી. હિટલરે શાસનમાં આવતા વેંત સરકારી તંત્રના જોરે વિરોધીઓને જેલમાં પૂરીને એક હથ્થુ શાસન જમાવવાનો પ્રયાસ કર્યો અને તે તેમાં સફળ પણ રહ્યો. આવું જ પુનરાવર્તન આજે ભારતમાં થઇ રહ્યું છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ભારતમાં આજે મોદીની લોકપ્રિયતા ડરમાં પરિણમી રહી છે અને મોદી એક એવા શાસક સાબિત થવા જઈ રહ્યા છે કે, મોદી જ સર્વસ્વ. જેમ હિટલરના શાસનમાં હતું કે હિટલર સર્વસ્વ તેમ આજે પણ ભારતના નામે માત્ર એક જ ચહેરો અને નામ ઉપસી રહ્યું છે અને તે છે મોદી. ભારતીયો માટે આવનારો સમય ઐતિહાસિક સાબિત થશે.
હિટલર પછી આજદિન સુધીના ઇતિહાસમાં વિશ્વમાં ક્યારેય એવા કોઈ નેતા પેદા નથી થયા કે જેણે પદનો દુરપયોગ કરીને વિરોધીઓને ડામવા માટે સરકારી તંત્રનો ભરપૂર ઉપયોગ કર્યો હોય. સરકારી તંત્ર કોઈ એક નેતા કે નેતાની પાર્ટીને તાબે થઈને તેની જી હજુરી કરી રહ્યું હોય તેવું પણ આજે ભારતમાં જોવા મળી રહ્યું છે. મીડિયાને માત્ર ભાજપની વાહવાહી કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. મીડિયા હાઉસો સત્તા અને મોદીના પ્રભાવમાં આવી ગયા છે. ભારતમાં ભાજપના શાસન બાદ રાજકારણે એક નવો જ વળાંક લઈ લીધો છે. આ રાજકારણે તમામ નીતિ નિયમો અને મયાર્દાઓ નેવે મૂકી દીધી છે. આ રાજકારણનો માત્ર એક જ મંત્ર છે, “શામ-દામ અને દંડ”. ગુજરાતના મુખ્યમંત્રી બનીને દેશભક્તનો દેખાડો કરી પ્રજામાં લોકપ્રિયતા મેળવનારા નરેન્દ્ર મોદીથી આજે લોકો રીતસર ડરી રહ્યા છે. ભાજપ પક્ષથી અને ભાજપના નેતાઓથી આજે લોકો ડરની લાગણી અનુભવી રહ્યા છે. કેમ કે, પોલીસથી માંડીને તમામ સરકારી તંત્ર સત્તાના પ્રભાવમાં છે. કોઈ કશું જ બોલી શકતા નથી કે પોતાનો વિરોધ રજૂ કરી શકતા નથી. લોકશાહીને જેલમાં ધકેલીને તાળા મારી દેવામાં આવી રહ્યા છે. ભારત ફક્ત મોદીશાહી હેઠળ ધકેલાઈ રહ્યું છે. એવું ચિત્ર ઉભું કરવામાં આવી રહ્યું છે કે, જો કોઈ મોદી કે ભાજપનો વિરોધ કરે એટલે તેઓ ભારતના વિરોધી છે. જો કોઈ વિરોધી મોદીને કંઈ કહે તો તેને ભારત દેશ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતીયો ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે તેમ કહીને ભારતના નામે ઠોકી દેવામાં આવી રહ્યું છે.
ખરેખર ભારત એક ચિંતાજનક પરિસ્થતિ તરફ આગળ ધકેલાઈ રહ્યું છે જેની આવતીકાલ ફક્ત ગુલામીના માંચડે ચઢવા જઈ રહી છે. નેતા પ્રત્યેની લોકપ્રિયતાની સાથે નેતાના મગજમાં પ્રજાનો ડર પણ અત્યંત જરૂરી છે. આજે મોદીને કોઈનો ડર નથી. મોદીને ખબર પડી ગઈ છે કે, પ્રજા મોટી મોટી વાતોથી અંજાઈ રહી છે અને તેથી જ મોદી એ જ કરી રહ્યા છે જેનાથી પ્રજા મોદી મોદીના નારા લગાવવામાં મશગુલ થઈ જાય. આજની પેઢી જે મોદી મોદી કરે છે તે તેમના સંતાનોનું ભવિષ્ય વિદેશમાં બનાવવા ઈચ્છે છે અને વિદેશમાં રહેતા લોકો મોદી મોદી કરે છે. આવા લોકો પણ દેશને ગેરમાર્ગે ધકેલી રહ્યા છે. ભારતમાં રહેતા લોકો જો એમ માનતા હોય કે મોદી શાસન જ સર્વશ્રેષ્ઠ છે તો તેઓએ પોતાના સંતાનોનું ભવિષ્ય વિદેશમાં ન જોવું જોઈએ અને જો વિદેશમાં રહેનારા લોકો એમ માનતા હોય કે મોદી જ સર્વશ્રેષ્ઠ છે તો તેવા લોકોએ વિદેશ છોડીને દેશમાં સ્થાયી થવા આવી જવું જોઈએ. આ લોકો ક્યાંકને ક્યાંક દેશને આફત તરફ ધકેલવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે.
ગઈકાલ સુધી જે મોદી દેશ પ્રેમી હતા અને પ્રજા એને ઇચ્છતી હતી તે મોદીમાં આજે બદલાવ થઇ ગયો છે. ગુજરાતની ગાદીએ બેસીને દેશપ્રેમ દેખાડતા મોદી ભારતની ગાદીએ બેસીને આજે સત્તા પ્રેમી થઇ ગયા છે. મોદી સત્તાના બંધાણી થઇ ગયા છે અને તેના માટે તેઓ કોઈ પણ હદે જતા ખચકાય તેમ નથી. આ વાત કડવી છે પણ એક નગ્ન સત્ય છે. મોદી આજે એ હદે પહોંચી ગયા છે કે, શામ-દામ અને દંડ કાંઈ પણ કરીને સત્તા જાળવી રાખવી. જે દેશમાં મજબૂત વિરોધ પક્ષ નથી કે વિરોધ કરનારને ડામી દેવામાં આવે છે, તે દેશ કોઈ એક વ્યક્તિની ગુલામી તરફ આગળ વધે છે. ભારત દેશ આજે ફરી એક વાર હિટલરશાહીના પુનરાવર્તન તરફ આગળ ધકેલાઈ રહ્યો છે. આવનારી પેઢીને ભારત દેશને એક નવા જ રૂપમાં જોવા મળશે, અને આ રૂપ હશે ગુલામીનું, તેમ કહેવામાં કોઈ બે મત નથી.
પત્રકારનો ધર્મ સત્તાને રાજી રાખવા માટે લખવાનો નથી પણ પ્રજાને જાગૃત કરવાનો અને પ્રજાના હિતમાં લખવાનો છે ત્યારબાદ પ્રજા શું વિચારે છે તે વિષય પ્રજાનો બની જાય છે. શરમજનક બાબત છે કે, આજના કેટલાક ભારતીય મીડિયા હાઉસો પણ મોદીના ઘૂંટણિયે પડી ગયા છે. ડર અને પૈસાના માર્યા તેઓ ફક્ત ભાજપ અને મોદીની વાહવાહી કરવામાં જ દિવસ અને પેપરના પાનાં પુરા કરી નાખે છે. ખેર ! ખોટી દિશામાં જઈ રહેલા પત્રકારત્વને પણ આજે સાચી દિશામાં વળવાની તાતી જરૂરિયાત છે નહીતો આવનારા સમયમાં અખબારો, પત્રકારોનો પણ એક ઇતિહાસ બનશે. (ફેસ ઓફ નેશન ભાજપ કે મોદી વિરોધી નથી પણ પ્રજાના હિતમાં પત્રકારત્વધર્મ નિભાવવાની જવાબદારીને લઈને હંમેશા સતર્ક રહે છે અને તેથી જ કડવા સત્યને સમાચારના શબ્દોમાં રજૂ કરે છે.) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).