Home Uncategorized શામ, દામ અને દંડ : ભાજપનો રાજકીય મંત્ર, રામનો પણ રાજસત્તા માટે...

શામ, દામ અને દંડ : ભાજપનો રાજકીય મંત્ર, રામનો પણ રાજસત્તા માટે ઉપયોગ કરનાર મોદી માટે લોકશાહી મુઠ્ઠીમાં !

Face Of Nation 22-04-2024 : નબળો અને ખુબ વાણીવિલાસ કરતો શાસક ક્યારેય દેશ માટે ઉત્તમ સાબિત થઇ શકતો નથી કેમ કે આવા શાસકોનો દેખાવ અને કામગીરી બંનેમાં મોટો વિરોધાભાસ રહેલો હોય છે. ભાજપ લોકશાહીને કચડીને માત્ર એક જ મંત્ર ઉપર સફળતાપૂર્વક રાજનીતિ કરી રહ્યું છે. આ મંત્ર છે શામ, દામ અને દંડ. હાલની ભાજપની રાજનીતિ આવનારી પેઢીને એક મોટા ખતરા તરફ ધકેલી રહી છે અને આ ખતરો હશે તંત્રના ઉપયોગથી પ્રજા ઉપર એક હથ્થુ શાસન જમાવવાનો. આજે મોદી અને ભાજપ એટલી નબળી કક્ષાના રાજકારણે ઉતરી ગયા છે કે જેની કોઈ વ્યાખ્યા જ નથી. પોતાને મનગમતું ન કરે કે થાય એટલે સૌથી પહેલા શામ એટલે કે શાણપણથી સમજાવવાનો અને છતાં ન માને તો તેને દામ એટલે કે પૈસા આપીને ખરીદવાનો પ્રયાસ કરવાનો અને છતાં ન માને તો આખરે તંત્રનો ઉપયોગ કરીને આખરી શસ્ત્ર દંડ અપનાવવાનું. જેમાં સીબીઆઈ, ઇડી અને અન્ય સરકારી સંસ્થાઓનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ભારતના વડાપ્રધાન મોદી આજે તહેવાર પ્રમાણે, ભગવાન પ્રમાણે અને ધર્મ પ્રમાણે રંગ બદલવાની અને રાજનીતિ કરવાની ગજબ કલા ધરાવે છે.
ગુજરાતથી તંત્રનો ઉપયોગ કરીને લોકશાહીની કચડીને એક હથ્થુ શાસન જમાવવાની શરૂ કરાયેલી રાજનીતિ આજે ભારતભરમાં ફેલાઈ છે. મોદીએ સૌથી પહેલા ગુજરાતના તંત્ર ઉપર પકડ જમાવી અને ત્યારબાદ મીડિયાને કેન્દ્ર બનાવ્યું. મીડિયાને હાથમાં લેતાની સાથે જ ભારતભરમાં મોદી જે ચાહે તે લોકોને બતાવતા હતા. અંતે, ભારતના વડાપ્રધાન બન્યા અને જે રાજનીતિથી ગુજરાત સર કરવામાં સફળતા મેળવી તે જ રાજનીતિ સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવી. આજે એ પરિસ્થિતિ છે કે, મોદી ધારે તે કરે છે અને ભાજપ ધારે તે કરે છે. કોઈ માઈનો લાલ તેમની વિરુદ્ધ બોલવાની હિંમત ધરાવતો નથી. લોકશાહી હવે જાણે કે ભારતનો ઇતિહાસ બનવા જઈ રહી છે. જાણતા જાણે છે કે, ભાજપ ઇવીએમનો ઉપયોગ કરીને જીતે છે તેમ છતાં કોઈ કશું જ ઉખાડી શકતું નથી કે કોઈનું કશું ચાલતું પણ નથી કેમ કે, લોકશાહી હોવા છતાં પ્રજામાં સત્તાનો ડર ઘુસી ગયો છે. આ ડર પ્રજાની આવનારી પેઢી ઉપર ખુબ મોટી આફત લઈને આવશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
ભાજપ જાણે કે, આરબીઆઇને જ પોતાના ખિસ્સામાં રાખીને ફરતું હોય તેમ પૈસા પાણીની માફક ધારાસભ્યો, સાંસદો અને વિરોધ પક્ષના નેતાઓને ખરીદવામાં વાપરી રહ્યા છે. પ્રજાના પૈસે ભાજપ નેતાઓ ખરીદી રહ્યું છે છતાં લોકો માત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે કેમ કે લોકોનું માનવું છે કે, તેમની પાસે તેના સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ નથી. મીડિયા વેચાઈ ગયું છે જેથી સત્યનો ઝંડો નીચો પડી ગયો છે, જેને ઉઠાવવાની જો કોઈ હિંમત કરવા જાય તો તેના હાથે દંડા મારી મારીને નબળો કરી નાખવામાં આવે છે. ખેર ! આ રાજકારણ એટલી નિમ્ન કક્ષાએ ઉતરી ગયું છે કે જેની કોઈ વ્યાખ્યા જ રહી નથી. ધર્મના ઓઢણાં ઓઢીને રાજકીય નાટકો કરતા દેશના વડાઓ જયારે નિમ્ન કક્ષાના રાજકારણે ઉતરી જાય એટલે સમજી લેવું દેશ લોકશાહીના નાશ તરફ આગળ વધી રહ્યો છે.
ચૂંટણી પહેલા જ્યાં ઉમેદવારોને ખરીદીને સત્તા મેળવી લેવામાં આવે તે સત્તા લોકશાહી માટે બળાત્કારી સમાન છે. સત્તા જયારે પાંગળી બની જાય છે કે અશક્ત બની જાય છે કે ડરપોક બની જાય છે ત્યારે તે માત્ર એક જ મંત્ર અપનાવે છે તે મંત્ર છે, શામ, દામ અને દંડ. હવે ભાજપની સત્તા અને મોદી બંને એટલા ડરપોક બની ગયા છે કે તેમની તાકાત વિરોધીઓનો કે વિરોધીઓના પ્રશ્નોનો સામનો કરવાની નથી અને એટલે જ આ ડરપોક શાસકો અને ડરપોક સત્તા આજે પ્રજાનો અવાજ દબાવવા તંત્રના અધિકારીઓના પગે પડી છે. જે અત્યંત શરમજનક છે પરંતુ આજના ભાજપના નેતાઓ માટે શરમ શબ્દ જ લાગુ પડતો નથી. તે લોકો સત્તા માટે કોઈ પણ હદે જઈ શકે છે અને જતા ખચકાય તેમ પણ નથી. ખેર ! પ્રજા પોતપોતાના ભગવાન ભરોસે છે પણ આજે જ્યાં ભગવાન રામનો પણ રાજસત્તા માટે ઉપયોગ કરવામાં આવે ત્યાં પ્રજાનું તો શું આવે ?

ડરપોક ભાજપની “નબળી” રાજનીતિ : કેજરીવાલ દોષિત હતા તો પછી ચૂંટણી સુધી ધરપકડની રાહ કેમ જોઈ ?