Home Gujarat સરકારનો નવો ‘પંથ’; યાત્રાધામમાં ‘ભિક્ષુક’ જોવા નહીં મળે, ભિક્ષુકમુક્ત યાત્રાધામ માટે 10...

સરકારનો નવો ‘પંથ’; યાત્રાધામમાં ‘ભિક્ષુક’ જોવા નહીં મળે, ભિક્ષુકમુક્ત યાત્રાધામ માટે 10 એજન્સીને કામ સોંપાયું, 8 યાત્રાધામમાં ભિક્ષુકોનો સરવે હાથ ધરાયો!

Face Of Nation 21-05-2022 : રાજ્યનાં પવિત્ર યાત્રાધામ ખાતે વધતી જતી ભિક્ષુકવૃત્તિને ડામવા માટે રાજ્ય સરકારે વ્યવસ્થા આરંભી છે. ભિક્ષુકમુક્ત યાત્રાધામ કરીને તમામ ભિક્ષુકોને આત્મનિર્ભર બનાવવા સરકાર પ્રયાસ હાથ ધરી રહી છે. આ માટે રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેકટ તરીકે રાજપીપળાની પસંદગી કરી હતી, જ્યાં ભિક્ષુકવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને રેનબસેરામાં ખસેડવામાં આવ્યા હતા. રેનબસેરામાં લાવવામાં આવેલા તમામ ભિક્ષુકોને પોતાની આવડત અને ક્ષમતાના આધારે કામગીરી સોંપવામાં આવશે તેમજ તેનું યોગ્ય વળતર આપવામાં આવશે.
રેનબસેરા જેવું એક અલગ માળખું તૈયાર કરાશે
સમગ્ર યોજના અંગે યાત્રાધામ વિભાગ મંત્રી પૂર્ણેશ મોદીએ વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારની 10થી વધુ એજન્સીઓ દ્વારા સરવે કરવામાં આવી રહ્યો છે. યાત્રાધામ ખાતે જે લોકો રોડ પર રહેતા હોય, ફૂટપાથ પર સૂતા હોય, ભિક્ષુકવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેવા લોકોનો સરવે કરવામાં આવી રહ્યો છે. તે બધાને એક જગ્યાએ ભેગા કરીને તેમને સ્વાસ્થ્ય અંતર્ગત વિવિધ સરકારી યોજના, જેવી કે મા અમૃતમ કાર્ડ યોજના, પીએમ જેવાય કાર્ડ સહિતના લાભ આપવાની કામગીરી કરવામાં આવશે. રેનબસેરા જેવું એક અલગ માળખું તૈયાર કરવામાં આવશે, જ્યાં તમામ ભિક્ષુકોને કપડાં અપાશે, વાળ કપાશે, સૂવા માટેની વ્યવસ્થા કરાશે અને તેમને સરકારી આવાસ યોજનાના લાભ આપવા પણ સરકારે વિચારણા કરી છે. ધાર્મિક સ્થળો પર ભિક્ષુકવૃત્તિને પ્રોત્સાહન ના મળે એ માટે તેમને એક જ સ્થળ પર ભેગા કરીને સરકાર દ્વારા કાઉન્સેલિંગ કરાશે. કાઉન્સેલિંગના અંતે જે-તે ભિક્ષુકને તેની ક્ષમતા અને આવડતને આધારે કામગીરી સોંપી આત્મનિર્ભર બનાવાશે.
35 પ્રકારના લાભ આપવાના નક્કી કરાયા
ખાસ ભિક્ષાવૃત્તિમાં સંકળાયેલા લોકો માટે શરૂ કરવામાં આવનારા આ પ્રોજેક્ટ હેઠળ લાભાર્થીને અલગ અલગ એમ કુલ 35 પ્રકારના લાભ આપવાના નક્કી કરાયા છે, જેમાં પ્રથમ ફેઝ દરમિયાન લાભાર્થીનાં ભોજન, કપડાં, કોવિડ રસી સહિતના 9 લાભનો સમાવેશ થાય છે. બીજા ફેઝમાં લાભાર્થી માટે આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર, મતદારયાદીમાં નામ વગેરે જેવા 13 લાભ અપાશે, જ્યારે અંતિમ એટલે કે ત્રીજા ફેઝમાં શૌચાલય, રોજગારલક્ષી તાલીમ, આવાસ સહિતના વધુ 13 મળી કુલ 35 પ્રકારના લાભ આપવા આયોજન કરાયું છે.
પ્રોજેક્ટમાં 176થી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરાયું હતું
રાજપીપળા ખાતે હાથ ધરવામાં આવેલા પાયલોટ પ્રોજેકટમાં કુલ 176થી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. હાલના તબક્કે આ પ્રોજેકટ હેઠળ કુલ 136 લોકો લાભ લઈ રહ્યા છે, જેમાં 77 પુરુષ અને 59 મહિલાનો સમાવેશ થાય છે.
લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થયો પાયલોટ પ્રોજેકટ
રાજપીપળા ખાતે શરૂ કરાયેલો પાયલોટ પ્રોજેકટ હજુ પણ કાર્યરત છે. તમામ ભિક્ષુકોનું કાઉન્સેલિંગ શરૂ કરાયું હતું. જોકે આ પ્રોજેક્ટની ચાલુ કામગીરી દરમિયાન 50 જેટલા ભિક્ષુકો રેનબસેરામાંથી નીકળી જવામાં સફળ રહ્યા હતા અને ફરીથી ભિક્ષાવૃત્તિમાં જોડાઈ ગયા હતા. આમ, રાજ્ય સરકાર માટે આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવું લોઢાના ચણા ચાવવા સમાન પણ બની શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).