Home News ગુજરાતમાં દારૂની અસંખ્ય ફરિયાદો : સત્તા જ જયારે ઈચ્છે કે વેચાય ત્યારે...

ગુજરાતમાં દારૂની અસંખ્ય ફરિયાદો : સત્તા જ જયારે ઈચ્છે કે વેચાય ત્યારે કશું ન થાય !

Face Of Nation 03-02-2026 : ગુજરાતમાં દારૂબંધી છે. જો કે આ દારૂબંધી માત્ર કાગળ ઉપર અને નામ પૂરતી છે. જે રાજ્યમાં સત્તા જ ઇચ્છતી હોય કે દારૂનું વેચાણ થવું જોઈએ તે રાજ્યમાં પ્રજા ગમે તેટલા ધમપછાડા કરે કશું ઉપજવાનું નથી. પ્રજાના વિરોધથી થોડો સમય પોલીસ રેડ કરીને બંધ કરાવી દેશે અને જેવું બધું શાંત થશે એટલે જૈસે થે. ફેસ ઓફ નેશનને ગુજરાતમાંથી દારૂના અડ્ડાઓ અંગેની અસંખ્ય ફરિયાદો મળી રહી છે. તમામના સમાચારો રજૂ કરવા જઈએ તો દરરોજે માત્ર દારૂના અડ્ડાઓના જ સમાચારો જોવા મળે. હવે પ્રજાએ જે સરકારને રાજ કરવા પસંદ કરી છે તે જ ઈચ્છે કે રાજ્યમાં દારૂ વેચાય તો પ્રજા ગમે તેટલી ફરિયાદો કરશે, પત્રકારો ગમે તેટલા સમાચારો લખશે કશું ઉપજશે નહિ. કહેવા પૂરતું થોડો સમય બંધ રહેશે અને ફરીથી વેચાણ ધમધમવા લાગશે. જો સત્તા એવું ઈચ્છે કે, ગુજરાતમાં કડક પણે દારૂબંધીનો અમલ થવો જોઈએ તો કોઈ માઈના લાલની તાકાત નથી કે એક અડધી બોટલ દારૂ પણ વેચી શકે. દુર્ભાગ્યે આ બધું ક્યારેય શક્ય નથી કેમ કે પ્રતિબંધ કરતા પૈસો વધુ મહત્વનો છે. પોલીસને બધી જ ખબર છે કે ક્યાં વેચાય છે અને કોણ વેચે છે છતાં હપ્તાને કારણે બધું ધમધમે છે.
જો ઉપરથી આદેશ આવે તો કેટલાય દારૂડિયાઓને ઝડપી લેવામાં આવે છે અને બુટલેગરોને ફોન કરીને થોડો સમય વેચાણ બંધ કરી દેવા સૂચના આપી દેવામાં આવે છે. આ બધી વાતોમાં કશું નવું નથી. બધા બધું જાણે જ છે પણ મતલબ શું ? પ્રજા એટલી નબળી બની ગઈ છે કે, સત્તાને હવે પ્રજાનો કોઈ ડર નથી. સત્તાને ખરેખર અભિમાન છે કે, આ પ્રજાને અમારા સિવાય કોઈ છૂટકો જ નથી એટલે આ પ્રજા ક્યારેય અમને સત્તાથી દૂર કરી શકવાની પણ નથી. આ એક નગ્ન અને કડવું સત્ય છે. સરકાર અને ખાખી બંને માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી સ્થિતિ કહેવાય કે જયારે ગુજરાતમાં જે સ્થળની ગણના પવિત્ર યાત્રાધામ તરીકે થતી હોય અને ત્યાં જ દારૂ બિન્દાસ્ત વેચાતો હોય. અહીં વાત છે પાલનપુરના અંબાજીની. અરે સત્તાધારીઓ એટલી તો શરમ કરો કે, અહીં એવો બાહોશ પોલીસ અધિકારી મુકો કે જે દારૂનું ટીપું પણ પવિત્ર યાત્રાધામમાં પડવા ન દે. અંબાજીની જનતા છાશવારે દારૂના અડ્ડાઓને લઈને પોતાનો રોષ ઠાલવે છે અને જાહેરમાં વિરોધ પ્રદર્શન કરવા ઉતરી આવે છે છતાં પોલીસ ક્યારેય કડકાઈથી કામ કરતી નથી. તાજેતરમાં જ અંબાજીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બુટલેગર બેફામ ગાડી હંકારીને અકસ્માત સર્જે છે. આ અકસ્માત કરનાર બુટલેગરના પોલીસ અધિકારીઓ અને ભાજપના સ્થાનિક નેતાઓ સાથે સબંધો હોવાથી તે બેફામ બનીને ફરી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, બુટલેગરનો ત્રાસ આસમાને છે છતાં પોલીસ કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી. અંબાજી ગુજરાતની બોર્ડર ઉપર આવેલું હોવાથી બુટલેગરો માટે રાજ્યમાં દારૂ ઘુસાડવાનું એક સ્થાન પણ છે. એક નાગરિકે ફેસ ઓફ નેશનને જણાવ્યું કે, ગાંધીનગરના ડભોડા પોલીસ ચોકીની હદમાં બેફામ દારૂ વેચાય છે. આ બાબતની ફરિયાદો છેક મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાર્યાલય સુધી કરી પણ બંધ થતું જ નથી. આ રજૂઆતની નકલો પણ તેઓએ ફેસ ઓફ નેશનને મોકલી આપી. જો કે, આવી અસંખ્ય ફરિયાદો છે જેનો કોઈ નિકાલ જ નથી.
અમદાવાદ, મહેસાણા, પાલનપુર, રાજકોટ, સુરત, વડોદરા, કચ્છ સહીત ગુજરાતમાં એકેય શહેર કે ગામ એવું નથી કે જ્યાંથી દારૂ ન મળે. સરકાર કે પોલીસ અધિકારીઓ હવે ગમે તે લુલા બચાવો કરે તે મગજમાં ઉતરે તેમ નથી કેમ કે, પ્રજા જયારે કોઈ કાયદો તોડે તો પોલીસ કેમેરાથી તેના ઘર સુધી મેમો પહોંચાડી દે તો તે પોલીસને દારૂની ટ્રકો પસાર થતી નજરે નથી ચઢતી ? કેમ પોલીસનું બાતમીદારોનું નેટવર્ક દારૂ શબ્દ આવતા જ ભૂગર્ભમાં જતું રહે છે તે બધા સવાલોના એક જ જવાબ છે કે, સત્તા ઈચ્છે છે કે રાજ્યમાં દારૂ વેચાય. હવે તો દારૂ કરતા ડ્રગ્સનું વેચાણ વધતું જઈ રહ્યું છે. દારૂ સામાન્ય થઇ ગયો છે અને ડ્રગ્સ હવે દારૂનું સ્થાન લઇ રહ્યું છે. સત્તાધારી ભાજપ વિકાસની ગુલબાંગો પોકારી રહ્યું છે. હા વિકાસ ચોક્કસ થયો છે. ગઈકાલે દેશી અને વિદેશી દારૂની રેલમછેલ હતી અને આજે ડ્રગ્સની. જો તમામ વિકાસની વાહવાહી સત્તા લુંટતી હોય તો પછી દારૂમાંથી ડ્રગ્સ સુધીનો વિકાસ પણ સત્તાને આભારી છે અને તે વિકાસનો સ્વીકાર પણ ભાજપે કરવો જોઈએ. જો પોલીસ કે સત્તા કે નેતાઓને અમારો આ લેખ ખોટો લાગ્યો હોય તો ગુજરાતમાંથી જેમ દારૂ વેચાવવાની ફરિયાદો આવે છે તેમ દારૂ વેચાતો નથી તેવી ફરિયાદો શરૂ થાય તેવા કામો કરી દેખાડે અન્યથા અમે અને ગુજરાતની તમામ જનતા એમ જ માનશે કે, ગુજરાતમાં સત્તાની મરજીથી દારૂનું ધૂમ વેચાણ થાય છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

જય શાહે દેશની આબરૂ કાઢી ? : ભારતે જે કામ કરવાનું હતું તે પાકિસ્તાને કર્યું !

પતિના મૃત્યુના ચોથા દિવસે જ પત્ની બની નાયબ મુખ્યમંત્રી : આનું નામ “રાજકારણ”