Face Of Nation:મંગળવાર અને બુધવાર એટલે કે 16-17 જુલાઈનાં રોજ રાત્રિ દરમિયાન ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે. અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા અને આ અવસરે જ ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે. ભારત સહિત આ ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ આફ્રિકામાં દેખાશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ મંગળવારે, 16 જુલાઈ 2019ની રાત્રે અંદાજે 1.31 કલાકે ગ્રહણ શરૂ થશે. તેનો મોક્ષ 17 જુલાઈના રોજ વહેલી પરોઢે 4.30 કલાકે થશે. વર્ષ 2019નું આ છેલ્લું ચંદ્રગ્રહણ છે.
ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા શરૂ થશે. ચંદ્રગ્રહણનું સૂતક આવતી કાલે 16 જુલાઈએ બપોરે 4.30 કલાકેથી શરૂ થઈ જશે. જે 17 જુલાઈની સવારે 4.30 વાગ્યા સુધી રહેશે.16 જુલાઈએ ગુરુપૂર્ણિમા હેવાથી આ દિવસે વિશેષ પૂજા-પાઠ કરવાની પરંપરા છે. આ દિવસે ખાસ ગુરુની પૂજા કરવામાં આવે છે. ચંદ્રગ્રહણ હોવાથી આ દિવસે બપોરે 4.30 પહેલાં તમામ પૂજા-પાછ પૂર્ણ કરી દેવા જોઈએ. ત્યારપછી સૂતક કાળ શરૂ થતો હોવાથી પૂજા-પાઠ કરી શકાશે નહીં.
શનિ અને કેતુ ગ્રહણ સમયે ચન્દ્ર સાથે ધન રાશિમાં રહેશે. તેથી ગ્રહણનો પ્રભાવ વધી શકે છે. સૂર્યની સાથે રાહુ અને શુક્ર પણ રહેશે. સૂર્ય અને ચન્દ્ર ચાર વિપરિત ગ્રહ શુક્ર, શનિ, રાહુ અને કેતુનાં ઘેરાવમાં રહેશે. મંગળ નીચે રહેશે. આ ગ્રહ યોગના કારણે તણાવ વધી શકે છે. ભૂકંપની પણ શક્યતા રહેશે. પૂર, તોફાન અને અન્ય પ્રાકૃતિક વિપદાઓના કારણે નુકશાન થવાનો યોગ પણ બની શકે છે.