Face Of Nation 06-10-2026, વિશેષ અહેવાલ ભાગ-1 : ગુજરાતીમાં હંમેશા કહેવાય છે કે, જે પોતાના સગા ભાઈનો નહીં તે કોઈનો નહીં. ખેર ! આ તો વાત છે પરંતુ આજે વાત કરવી છે કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાના હાલના આચાર્ય કૌશલેન્દ્ર તેજેન્દ્ર પ્રસાદ પાંડે અને તેમના પરિવાર અંગેની. આ સમાચાર ચોક્કસથી પાંડે પરિવારને અને તેમના અંધ ભક્તોને માઠા લાગશે અને ખટકશે. હંમેશની જેમ ફરીથી આચાર્ય કૌશલેન્દ્ર, લાલજી વજેન્દ્ર સહીત તેમના મળતીયાઓ કે જેઓના ઘર લાલજીના ભરોસે ચાલે છે તેઓ કોઈ નેતા કે પોલીસ અધિકારીને કરગરવા દોડશે કે, આ સમાચાર માટે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને સમાચાર લખનારને બદનામ કરી તેની લીટી ભૂંસી પોતાની લીટી લાંબી અને સ્વચ્છ દેખાડવામાં આવે. કાંડ ઉઘાડા પડે કે કોઈ પાડે તેની સામે ખોટા પોલીસ કેસ કરાવી દેવાના અને પોતે નિર્દોષ દેખાવવાનું તે આચાર્ય કૌશલેન્દ્ર પાંડેની નીતિરીતિ રહી છે. ખેર ! આ બધું તેમની આદત બની ગઈ છે. આ આદતથી તેમના ઘરની વહુ બનેલી દીકરી પણ બાકાત રહી શકી નથી, તે સૌ કોઈ જાણે જ છે. મૂળ વાત કરીએ તો, કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાના આચાર્ય દેવેન્દ્ર પ્રસાદને બે પુત્રો હતા. એકનું નામ તેજેન્દ્ર પ્રસાદ અને બીજા રાઘવેન્દ્ર પ્રસાદ. ઉંમરમાં તેજેન્દ્ર પ્રસાદ મોટા હોવાથી તેમને ગાદીએ બેસાડવામાં આવ્યા. બસ, તેમને ગાદી મળતાની સાથે જ થોડા વર્ષોમાં રાઘવેન્દ્ર પ્રસાદ સાથે અંતર બનાવવામાં આવ્યું. કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાથી રાઘવેન્દ્ર પ્રસાદને હંમેશા દૂર રાખવામાં આવ્યા કેમ કે કદાચ તેજેન્દ્ર પ્રસાદ અને કૌશલેન્દ્ર પ્રસાદ ક્યારેય ઇચ્છતા જ નહોતા કે આટલા મસમોટા કરોડોના સામ્રાજ્યનો કોઈ ભાગીદાર બને. આચાર્ય માત્ર ધર્મના ગાદીપતિ છે, માલિક નથી છતાં આજે આચાર્ય કૌશલેન્દ્રનું વર્તન ગાદીપતિ કરતા મિલ્કતના માલિક તરીકેનું વધુ થઇ ગયું છે. તમામ મંદિરો અને ગુરુકુલો તેમને લખાવી લેવા છે, જેને લઈને કેટલાક સાધુઓ સાથે વિવાદ પણ થયો છે. સમય ક્યારેય કોઈનો સ્થિર રહ્યો નથી અને રહેશે પણ નહીં. કદાચ ! કાલુપુરના નરનારાયણ દેવ પરચો આપે છે પરંતુ કોઈને સમજાતું નથી. વર્ષમાં એકાદ બે વાર વિવાદ થાય છે, આચાર્ય અને લાલજીનું નામ સમાચારોની હેડલાઈન બને છે, બદનામ થાય છે, પરિવારમાં અશાંતિ થાય છે, લાલજીના બે વાર લગ્ન થયા છતાં વિવાદ સિવાય કશું થતું નથી છતાં કોઈ સમજી શકતું નથી કે ખાટલે ખોટ ક્યાં છે ?
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય તેજેન્દ્ર પ્રસાદને એક સગા ભાઈ છે જેમનું નામ રાઘવેન્દ્ર પ્રસાદ છે. રાઘવેન્દ્ર પ્રસાદ તેમના પરિવાર સાથે રાજસ્થાનના આબુમાં સુરભી ગૌશાળા ચલાવે છે અને ખુબ જ નિર્માની જીવન જીવે છે. ખરેખર જોવા જઈએ તો રાઘવેન્દ્ર પ્રસાદ તથા તેમનો પરિવાર અને તેજેન્દ્ર પ્રસાદ તથા તેમનો પરિવાર આ બંને વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. રાઘવેન્દ્ર પ્રસાદનો સમગ્ર પરિવાર ખુબ જ શિક્ષિત પરિવાર છે, તેઓને હંમેશા સંપ્રદાયથી દૂર રાખવામાં આવ્યા છતાં ક્યારેય વિવાદ ઉભો કર્યો નથી કે જાહેરમાં આવ્યા નથી કેમ કે કદાચ તેઓ ક્યારેય એવું ઇચ્છતા નથી કે આ બધા વચ્ચે સંપ્રદાયનું નામ કે સ્વામિનારાયણ ભગવાનનું નામ બગડે. ભગવાન અને ભગવાનના આદેશો જ જેમના માટે માથે રહ્યા છે તેવા આ પરિવારને વિવાદમાં પડવા કે વિવાદ ઉભો કરવામાં પણ કોઈ રસ નથી એટલે જ તેઓ ક્યારેય આજદિન સુધી જાહેરમાં આવ્યા નથી કે તેઓ ક્યારેય કોઈ દાવા કર્યા નથી. પૈસા અને મિલ્કત માટે થઈને કોઈ પણ હદે જઈ શકે તેવી છાપ તેજેન્દ્ર પ્રસાદ અને ખાસ કરીને કૌશલેન્દ્ર પ્રસાદ પાંડે ધરાવે છે. આ બાબતની ઘણી બાબતો જયારે ફેસ ઓફ નેશને જાણી ત્યારે આઘાત લાગ્યો કે ખરેખર કોઈ ગાદીપતિ આ હદે જઈ શકે ? કૌશલેન્દ્રને પસંદ નથી કે કોઈ તેમની સામે અવાજ ઉઠાવે. ભગવાન સત્ય છે પણ ઠેકેદારો ચોક્કસ અસત્ય છે અને આ અસત્યમાં સાથ આપી જી હજુરી કરનારા લોકો પણ એટલા જ ગુનેગાર છે. અંધ ભક્તોના સમુદાયથી જ એક પાખંડ પેદા થાય છે અને જેના ઉત્તમ ઉદાહરણો આસારામ, બાબા રામ રહીમ, રાધે માં સહિતના લોકો છે.
જે આચાર્ય પોતાના સગા ભાઈના ના થયા તે શું સાધુઓ કે સત્સંગીઓના થશે ? આ પ્રશ્ન ખુબ જ વિચારવા લાયક છે. જેમના પોતાના પરિવારમાં એકજૂથતા નથી તે સત્સંગીઓને ભાઈચારાની સલાહ શું આપી શકશે ? તેમને માટે પૈસો અને વંશ પરંપરામાં મળેલી મિલ્કત સાથેની ગાદી જ સર્વસ્વ છે. પોતાના સગા ભાઈ રાઘવેન્દ્ર પ્રસાદ સાથે જ જેમણે ખુબ જ અન્યાય કર્યો છે તે સાધુઓ સાથે કે હરિભક્તો સાથે શું ન કરી શકે ? અનેક સાધુઓ તથા હરિભક્તો આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદના વર્તન અને વાણી વિલાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પણ સાધુઓને સંસ્થામાંથી કાઢી મૂકે તે ડરથી કોઈ બોલી શકતું નથી. અનેક સાચા સાધુઓને મિલ્કત માટે થઈને કાઢી મુકવામાં આવ્યા છે, ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા છે. આ સાધુઓએ હાથ ઊંચા નથી કર્યા કે કોર્ટે નથી ચઢ્યા પણ અંતરથી ખુબ રડ્યા છે અને અંતરથી દુઃખી થઈને શ્રાપ આપ્યા છે કે, જાઓ તમારા કુળમાં પણ અશાંતિ થાય. પરિણામ આજે સૌ કોઈની સામે છે. ભલે જાહેરમાં દેખાડતા ન હોય પણ ખુદ ધર્મકુળ પરિવારમાં આજે અશાંતિ છે, લાલજી વજેન્દ્ર પ્રસાદ લગ્ને લગ્ને કુંવારા છે અને મંદિરના પૈસેથી વિદેશમાં જાહોજલાલી કરવા ટેવાઈ ગયા છે. અનેક સાચા સાધુઓને સંપ્રદાયમાં ખોટી રીતે બદનામ કરી દઈને તેમનું એક હથ્થુ શાસન જમાવી રાખ્યું. તાજેતરનું કલોલ ગુરુકુળના સાધુઓ સાથે કરવામાં આવેલું વર્તન ઉત્તમ ઉદાહરણ છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે એકેય સાધુનું મંડળ એવું નથી કે જેમને એક બીજા સાથે સારા સબંધો હોય. જે સાધુ પોતાનું સર્વસ્વ છોડીને આવ્યા છે તે સાધુની કિંમત આચાર્ય કૌશલેન્દ્ર પાંડે માટે કોડીની છે. ટીસ્યુ પેપરની જેમ સાધુઓની જરૂર હોય ત્યાં સુધી તેને વાપરીને ખૂણામાં નાંખી દેવાની ગજબ બુદ્ધિ અને આવડત કૌશલેન્દ્ર ધરાવે છે. જો કે આ બાબતે કોઈ આશા કે ફરિયાદ ન જ હોવી જોઈએ કેમ કે, જે તેના સગા ભાઈનો ન થાય તે કેવી રીતે સાધુઓ કે સત્સંગીઓના થાય તે પ્રશ્ન ચોક્કસથી ઉભો થાય. અંદરો અંદર જ સાધુઓને એક બીજા સામે લડાવીને ભાગલા પાડી દેવામાં આવ્યા છે.
ફરી એક વાર અમે કહીએ છીએ કે, અમે સ્વામિનારાયણ ભગવાનના કે ધર્મના વિરોધી નથી પરંતુ સત્ય દબાવી દેનારા પણ નથી કે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે વેરભાવ ધરાવતા પણ નથી. અમે ફક્ત ધર્મના હિતમાં સત્ય સમાચારો રજૂ કરીએ છીએ, કોઈકે તો અવાજ ઉઠાવવો જ પડશે તેમ સમજીને ધર્મના હિતની નૈતિક જવાબદારી અમે સ્વીકારી છે, છતાં તળિયા ચાટનારાઓને વિશ્વાસ ન હોય તો સમાચારથી દૂર રહી શકે છે. સમાચારોથી આચાર્ય અને લાલજીના પેટમાં તેલ રેડાયું છે સાથે જ શકુની બુદ્ધિ ધરાવતા જેતલપુરના મોટા પી.પીને પણ પેટમાં તેલ રેડાયું છે. કામ એવા ન કરશો તો અમે સમાચારો પણ નહીં લખીએ. ઉત્તમ અને સારા કામ કરશો તો અમે ચોક્કસ તેની પ્રશંસા કરીશું પણ વિના કારણે કોઈની લીટી ભૂંસીને તમારી મોટી કરવા જશો તો એક દિવસ દૂધનું દૂધ અને પાણીનું પાણી ચોક્કસ થશે, કેમ કે પૈસાની તાકાતથી સમયને તમે બદલી શકશો પરંતુ કર્મને નહીં બદલી શકો. આચાર્ય અને લાલજી બંનેને અમે જાહેરમાં કહેવા માંગીએ છીએ કે, તમારી જોડે પૈસો છે, ધર્મ સત્તા છે એટલે નેતાઓ તથા કેટલાક પોલીસ અધિકારીઓની ઓળખાણો છે તેથી તમે ગમે તે કરી શકો છો. ખોટા કેસો કરીને તમે ગમે તેને બદનામ કરીને પોતે સાચા છો તેવો દેખાવડો પણ કરી શકો છો છતાં તમારા ઘરમાં શાંતિ નથી આ વાત તમારે સ્વીકારવી પડશે કેમ કે, કર્મનો હિસાબ ભગવાન નથી ચુકી શક્યા તો તમે તો માણસ છો. જાણે અજાણે અનેક નિર્દોષ સાધુઓનો અંતર આત્મા દુઃખી કરીને તેમની તમે હાય લઇ રહ્યા છો. હરિભક્તોને પણ એક સૂચન આપીએ છીએ કે, આચાર્ય અને લાલજી તેમની જરૂરિયાત પ્રમાણે સાધુઓને નજીક અને દૂર કરે છે તે સૌ કોઈ જુએ અને જાણે જ છે. તમે તેમના રવાળે ચઢીને સાચા સાધુઓનો દ્રોહ ન કરશો નહીતો કર્મ તમામનો હિસાબ કરે છે. અમે આજથી કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયની આડમાં જે મિલ્કત માટે જે પણ કાંડ થયા છે અને તેજેન્દ્ર પ્રસાદના ભાઈ સાથે જે અન્યાય થયો છે તે અંગેના અહેવાલો જુદા જુદા ભાગોમાં પ્રસિદ્ધ કરીશું. કાલુપુરમાં બિરાજતા નરનારાયણ દેવ જો સત્ય હોય તો આચાર્ય અને સમગ્ર ધર્મકુળને પરચો આપે કેમ તેવી આશા સાથે સૌને જય સ્વામિનારાયણ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).



