Face Of Nation 13-10-2026, વિશેષ અહેવાલ ભાગ-2 : ગુજરાતીમાં એક સરસ ભજન છે, જે સત્ય કહે છે કે, “એકલા જ આવ્યા મનવા એકલા જવાના,..” તેવી જ રીતે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાના છીએ. આવી જ્ઞાન ભરેલી વાતો સાધુ-સંતો અને ગાદીએ બેઠેલા ગાદીપતિઓ ખુબ કરે છે અને તેઓને તમામ લોકોએ સાંભળ્યા પણ છે. જો કે, આ બધી વાતો ત્યારે સુફિયાણી લાગવા લાગે જયારે ગામ અને ભક્તોને આવા શબ્દો કહેનારા લોકોના ઘરમાં જ મિલ્કતના ઝઘડામાં ભાઈ-ભાઈ વચ્ચે તિરાડ પડી ગઈ હોય. સંસારી લોકોમાં ઝઘડાઓ અને મતભેદોના કિસ્સાઓ મોટાભાગે તમામ ઘરોમાં જોવા મળે છે. જમીનોની કિંમતોના ભાવવધારા સાથે ભાઈઓ-ભાઈઓ તથા ભાઈઓ-બહેનો વચ્ચેના અંતરો પણ વધી ગયા છે. ખેર ! આ બધું સંસારમાં બનતું હોય ત્યારે તેમાં કશું અજુગતું લાગતું નથી, કેમ કે આ બધું સામાન્ય છે. પરંતુ, જયારે સમાજને અને દેશ-દુનિયાને ધર્મના રસ્તે લઇ જઈ સામાજિક એકતાની તથા પારિવારિક એકતાની વાતો કરનારા સંપ્રદાયના વડાના ઘરમાં બને ત્યારે ચોક્કસ અજુગતું લાગે. ખેર ! આજે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ કૌશલેન્દ્ર તેજેન્દ્રપ્રસાદ પાંડે પરિવારની વાત કરવી છે. વાત ઘણી લાંબી છે તેથી અમે તેને દર અઠવાડિયે જુદા જુદા ભાગોમાં લોકો સમક્ષ રજૂ કરીશું. અહીં નોંધનીય છે કે, જરૂરી નથી આ સત્ય લોકો સ્વીકારે જ કેમ કે, આટલા વર્ષો જેલમાં રહ્યા છતાં જો આસારામના કાંડ લોકો સ્વીકારવા તૈયાર ન હોય અને તેને ભગવાન માનતા હોય તો સમજી શકાય કે સમાજ અને દેશ દુનિયામાં આંધળા અનુયાયીઓની કમી નથી. અનેક ચોંકાવનારી માહિતીઓથી લાગે છે કે, કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયનું કરોડો-અબજોનું સામ્રાજ્ય બે સગા ભાઈઓ વચ્ચે તિરાડનું કારણ બન્યું !
સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો ખુબ જ સારા છે. શિક્ષાપત્રી જેવા ગ્રન્થો અને ઉપદેશો પણ ઉત્તમ છે. આજે સંપ્રદાયના તમામ હરિભક્તો તેમના સિદ્ધાંતને અનુસરે છે અને શાંતિનું જીવન વિતાવે છે. પરંતુ, આ સિદ્ધાંતોનું પાલન કરવાનું ખુદ આચાર્ય અને તેમનો પરિવાર ચુકી ગયા. જેનું કારણ કદાચ કરોડો-અબજોનો વારસામાં મિલ્કતો સાથે મળેલો સ્વામિનારાયણ સંપ્રદાય હશે. આ સમાચારો સંપ્રદાયના ધર્મકુળને ખુબ માઠા લાગે છે કેમ કે, તેમને હવે આદત પડી ગઈ છે કે, લોકો માત્ર તેમની વાહવાહી જ કરે. જો કોઈ તેમની સામે બોલવાની હિંમત કરે કે કોઈ કાંડ જાહેર કરવાનો પ્રયાસ કરે તો તરત જ આજથી વર્ષો પહેલા સગા ભાઈ માટે જે કર્યું તે જ કરે. કોઈ નેતા કે અધિકારીને ફોન લગાવે અને ખોટો કેસ ઉભો કરીને સામે વાળાને બદનામ કરીને તે સાચા છે તેવો દેખાવ ઉભો કરે. કૌશલેન્દ્ર પાંડે પણ આજે વારસામાં મળેલી રણનીતિઓ પ્રમાણે રમે છે અને વિરોધીઓને દબાવી તેઓ લોકોને પોતે સાચા હોવાના પુરાવાઓ આપે છે. આ બધી રમતોથી ફેસ ઓફ નેશન સારી રીતે પરિચિત છે. કેમ કે, ફરીથી આજે કહીએ કે, જે વ્યક્તિ તેના ઘરની વહુ બનેલી દીકરીને પોલીસ કેસ કરીને દબાવી દેતા ન ખચકાય તે બીજા સાથે શું ન કરી શકે ?
કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાના આચાર્ય દેવેન્દ્ર પ્રસાદ પાંડેને ચાર સંતાનો હતા. બે પુત્રો અને બે પુત્રી. જેમાં બે પુત્રોમાં મોટા તેજેન્દ્દ પ્રસાદ અને નાના રાઘવેન્દ્ર પ્રસાદનો સમાવેશ થાય છે. તેજેન્દ્ર પ્રસાદને એક પુત્ર છે. જેમનું નામ કૌશલેન્દ્ર છે. જેઓ હાલ આચાર્ય પદે છે અને રાઘવેન્દ્ર પ્રસાદને બે પુત્રો છે. જેમાંથી એકનું નામ પુષ્પેન્દ્ર અને બીજાનું નામ કોમલેન્દ્ર, જે રાજા ભૈયાના હુલામણા નામથી ઓળખાતા હતા. અહીં ટૂંકમાં જણાવી દઈએ કે, કોમલેન્દ્ર ઉર્ફે રાજા ભૈયાનું શંકાસ્પદ માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. આ અંગેનો અહેવાલ અમે આગામી દિવસોમાં વિસ્તૃત રીતે રજૂ કરીશું. ઉલ્લેખનીય છે કે, અમે જયારે પ્રથમવાર આ બાબતના સમાચારો લખ્યા ત્યારે અંસખ્ય લોકોના મેસેજો અમને મળ્યા હતા અને રાઘવેન્દ્ર પ્રસાદના સરનામાં અંગેની માહિતી પૂછવામાં આવતી હતી. જે એ બાબત સ્પષ્ટ કરતી હતી કે, સંપ્રદાયના ઘણા લોકોને એ વાતની ખબર નથી કે ખબરથી દૂર રાખવામાં આવ્યા છે કે, દેવેન્દ્ર પ્રસાદજીને બે પુત્રો હતા અથવા તેજેન્દ્ર પ્રસાદના નાના ભાઈ પણ હાલમાં હયાત છે. જેઓ રાજસ્થાન આબુમાં સુરભી ગૌશાળા ચલાવે છે.
જે સંપ્રદાયના વડાઓ એવો દાવો કરતા હોય કે તેઓ ભગવાનના વંશજ છે અને પેઢી આગળ વધારવા સાંસારિક જીવન જીવી રહ્યા છે ત્યારે તેમના ઘરમાં ભાઈઓ-ભાઈઓ વચ્ચે અણબનાવ બને ત્યારે ચોક્કસ એમ થાય કે હવે કળિયુગ બેસી ગયો છે. જેના માથે સમાજના લોકોને તથા પરિવારના લોકોને એક રહેવાની સલાહ સૂચન આપવાની જવાબદારી છે, જેને લાખ્ખો અનુયાયીઓ અનુસરે છે અને ગુરુ માને છે તેવા લોકો જ જયારે મિલ્કતને પોતાનું સર્વસ્વ માનવા લાગે ત્યારે ધર્મ ઉપર સવાલ ચોક્કસ ઉભા થાય છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની પાઘડી માથે આવતાની સાથે જ તેજેન્દ્ર પ્રસાદે ભાઈ સાથેના સબંધો તોડવાની શરૂઆત કરી હતી. આ સબંધો તૂટવા પાછળનું કારણ માત્ર કરોડો અબજોની મિલ્કત હોઈ શકે છે કેમ કે, અમે આ સમગ્ર કેસ ઉપર ઊંડાણ સુધી અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ જે કાંઈ પણ જાણ્યું છે તે સંપ્રદાયના હરિભક્તોની જેમ અમને પણ ચોંકાવનારું લાગ્યું છે. આ બાબતો ઉપર ક્યારેય કોઈ હરિભક્તનું ધ્યાન ન ગયું કે સુનિયોજિત રીતે પડવા ન દીધું. સંપ્રદાયના ઘણા જુના અને પૈસાદાર લોકો આ હકીકતોથી વાકેફ છે અને તેમાંથી કેટલાક લોકોએ બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં પૈસાની લેતી દેતી મામલે અનેક જવાબદારીઓ પણ માથે લઈને હાથ ખંખેરી નાંખ્યા છે. ખેર અમારું ધ્યાન ગયું છે ત્યારે સત્યના હિતમાં અમે એક પછી એક આજથી થોડા વર્ષો અગાઉ બની ગયેલી ઘટનાઓ અંગેની વાત જાહેર કરવાનો પ્રયાસ કરીશું. અહીં અમે એ વાત પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે, જયારે આસારામનો કાંડ પ્રકાશમાં આવ્યો ત્યારથી લઈને આજદિન સુધી તેમના અનુયાયીઓએ ક્યારેય તેમને ગુનેગાર માન્ય નથી કેમ કે, વ્યક્તિ જ્યારે મૂર્તિ પૂજામાંથી બહાર નીકળીને વ્યક્તિ પૂજામાં ગરકાવ થઇ જાય ત્યારબાદ તમામ સત્યો તેને અસત્ય લાગવા લાગે છે. જેથી અમારા આ અહેવાલને લઈને પણ સંપ્રદાયના લોકો સહમત થાય તે જરૂરી નથી, પરંતુ તેનાથી સત્ય પણ બદલાઈ જતું નથી. ખેર ! અમે સંપ્રદાયના વિરોધી નથી કે સંપ્રદાય સાથે કોઈ અંગત મતભેદ નથી. અમે માત્ર જે જાણીએ છીએ તે લખીએ છીએ. કર્તાહર્તા ઈશ્વર છે તો તે ઈશ્વર અમને સુઝાડે છે અને અમે આ સમાચારથી તમામ કાંડ જાહેર કરીએ છીએ. સામાન્ય નાગરિક જો સમાચારમાં આવે તો તેને ખુબ શરમજનક લાગે છે પરંતુ આચાર્ય કૌશલેન્દ્ર અને તેમના પરિવાર માટે હવે આ આદત બની ગઈ છે કેમ કે તેમના મનમાં કદાચ એવો વ્હેમ હશે કે, આટલું મોટું સામ્રાજ્ય છે પછી કોણ આપડું શું તોડી લેવાનું છે ? કાલુપુરમાં બિરાજતા અનેક લોકોની આસ્થા સમાન નરનારાયણ દેવ આચાર્ય કૌશલેન્દ્ર પાંડે અને તેમના પરિવારને સદબુદ્ધિ આપે તેવી અમે પ્રાર્થના. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).
જે સગા ભાઈના ન થયા તે કેવી રીતે સાધુઓ કે સત્સંગીઓના થશે ? તેમના માટે માત્ર મિલ્કત મહત્વની છે !



