Face Of Nation 20-03-2026 : ગુજરાતમાં ગુંડા અને ગેંગોનો આતંક આસમાને છે. જયારે કોઈ મોટા કાંડ થાય ત્યાં સુધી આ ગુંડાઓ અને ગેંગ સામે આંખ આડા કાન કરવામાં આવે છે. ખરેખર આ ગુંડાઓ અને ગેંગોનો ઇતિહાસ જોઈએ કે તેમના સોશિયલ એકાઉન્ટ જોઈએ તો મોટાભાગે ડાયરા કલાકારો સાથેના વિડીયો અને ફોટો જોવા મળે છે. ગુંડા અને ગેંગ બનાવની શરૂઆત મુખ્યત્વે ડાયરા કલાકારના સ્ટેજ ઉપરથી થાય છે કેમ કે, જયારે આવા ગુંડાઓ પૈસાની કડકડતી નોટો ડાયરા કલાકાર ઉપર ઉડાડે એટલે તેમની વાહવાહી કરતા ગીતો અને “આયો મારો વાઘ આયો” જેવા શબ્દો ઉપસ્થિત લોકોને શૂરાતનના માંચડે ચઢાવે છે. અહીંથી બનતી રીલ્સ અને ફોટાઓ લોકોમાં વાયરલ થાય છે અને બસ, શરૂ થાય છે ગેંગનો આતંક. આ વાતની સાક્ષી હાલમાં પાટણમાં બનેલી ઘટના પુરી રહી છે. મસ્તાની ગેંગના વિડીયો અને ફોટાઓ મુખ્યત્વે ડાયરા કલાકારો અને ગરબા કલાકારો સાથે સોશિયલ સાઈટો ઉપર જોવા મળે છે. આ ગેંગના સૌથી વધુ વિડીયો અને ફોટોમાં ગમન સાંથલ નજરે ચઢે છે. અવારનવાર ગમન સાંથલ ઝિલીયાના ફાર્મ હાઉસ ઉપર પણ આવતા હોવાના વિડીયો છે. આ વિડીયો અને ફોટામાં સ્પષ્ટ દેખાય છે કે, કેવી રીતે ડાયરા કલાકારો આ ગુંડાઓને પ્રોત્સાહિત કરે છે. આ વાત કડવી છે પણ સત્ય છે. ક્યાં સુધી પૈસા માટે થઈને ડાયરા કલાકારો લોકોના વખાણ કરતા રહેશે કે સમાજમાં જે ગુંડાગીરી કરી રહ્યા છે તેને પ્રોત્સાહન પૂરું પાડતા રહેશે તે એક મુખ્ય સવાલ છે.
ગમન સાંથલને ભુવાજી તરીકે પણ લોકો પૂજે છે ત્યારે તેમને એક જ સવાલ સ્વાભાવિક થાય કે, શું તમને નહોતું દેખાતું કે આ બે ભાઈઓનો આતંક આસમાને છે અને ગુંડાગીરી કરીને આ બે ભાઈઓ કાળાકામો કરી રહ્યા છે ? જો પાટણની મસ્તાની ગેંગ દ્વારા પોલીસ ભાગતી હોવાના કોઈ વિડીયો જ જાહેર કરવામાં ન આવ્યા હોત તો કુલડીમાં ગોળ ભાંગી જાત અને સમગ્ર મામલો દબાવી દેવામાં આવતો, પરંતુ ગુંડાઓના આક્રમણથી ડરીને પોલીસ ભાગતી હોવાનો વિડીયો વાયરલ થતા જ પોલીસ અને સરકારની આબરૂ ધૂળધાણી થઇ ગઈ અને અંતે આદેશ છૂટ્યો કે, પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરો, જેઓને કારણે પોલીસને ભાગવું પડ્યું તેના ટાંટિયા તોડો અને બાદમાં જેણે પોલીસ અને સરકારની આબરૂ જાય તેવો વિડીયો વાયરલ કર્યો તેના સામ્રાજ્ય ઉપર બુલડોઝર ફેરવી આખી ગેંગને તોડી નાખો. આ જ કામ જો ગેંગ કે ગુંડાઓ બનતાની શરૂઆતથી જ કરવામાં આવ્યું હોત તો કદાચ આજે પોલીસે ભાગવાની નોબત અને ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવાની સ્થિતિ પેદા ન થઇ હોત. કમનસીબે આપણા રાજ્યમાં કે શહેરમાં પોલીસ પહેલા ગુંડા અને ગેંગને ઉભી થવા દે છે અને જ્યાં સુધી કોઈ મોટી ઘટના ન ઘટે ત્યાં સુધી તેની વિરુદ્ધ આંખ આડા કાન કરવામાં આવે છે.
રાજ્યના કોઈ પણ વિસ્તારમાં કે સમાજમાં નેતા, પોલીસ અને ડાયરા કલાકારની મહેરબાનીથી ગુંડા અને ગેંગ બને છે. આ કડવી વાસ્તવિકતા છે. કેમ કે, જયારે આ ગુંડાઓના કોઈ કારનામા પ્રકાશમાં આવે છે ત્યારે તેમના રાજકારણીઓ, પોલીસ અથવા તો ડાયરા કલાકારો સાથે ફોટા વાયરલ થાય છે. થોડા સમય અગાઉ ડાયરા કલાકારોને લઈને થયેલા એક વિવાદમાં હકાભા ગઢવીએ એક આશ્વયર્જ્નક નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, “અમને પૈસા આપે તો ટ્રમ્પના પણ ગુણગાન ગાવા જઈએ” આ નિવેદન એ વાતની સાબિતી પુરે છે કે, ડાયરા કલાકારો માત્ર ને માત્ર પૈસાના ભૂખ્યા છે. આવતીકાલે આ ડાયરા કલાકારોને પૈસા આપીને પાકિસ્તાનની જયજયકાર કરવાનું કહેવામાં આવે તો તેમ કરવામાં પણ તે પાછા ન પડે. સમાજમાં જે માથાભારે છે અને ગુંડાઓ બનીને કાળો કહેર વર્તાવે છે તેવા લોકો સ્ટેજ ઉપર જઈને ડાયરા કલાકારો ઉપર પૈસા વરસાવે છે એટલે કલાકારો તેમનો જયકારો બોલાવે છે અને તેમની સાથે રીલ્સ બનાવી ફોટા પણ પડાવે છે. આ વાતની સાબિતી પાલનપુરની મસ્તાની ગેંગ પુરે છે. આ ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ અને ભાર્ગવ ઝીલીયા છે. આ બંને ભાઈઓ સાથે રાજકારણીઓ અને ડાયરા કલાકારોના ફોટા અને વિડીયો સોશિયલ સાઇટ્સ ઉપર વાયરલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ભાવેશ અને ભાર્ગવ ઝિલીયાનું મસ્તાની ગ્રુપ બન્યું “સ્ટેટ ઓફ રામાધણી” ટ્રેન્ડ
Video : કાલુપુર સ્વા. મંદિરની ગાદીએ બેઠેલા અને ભાજપના શરણે રહેલા એટોમ અને હાઇડ્રોજન બૉમ્બ !



