Home Exclusive ભાજપે 15 બેઠકો ઉપર ઉમેદવારો રિપીટ કર્યા, નો રિપીટ થિયરીથી નારાજગી

ભાજપે 15 બેઠકો ઉપર ઉમેદવારો રિપીટ કર્યા, નો રિપીટ થિયરીથી નારાજગી

આખરે શનિવારે રાત્રે ભાજપે લોકસભાની બેઠકો માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, જેમાં ગુજરાતની 15 બેઠકો પણ સામેલ છે. પસંદગીની કવાયત દિવસો સુધી લંબાઈ હતી અને મુખ્યમંત્રી સહિતના નેતાઓએ વારંવાર દિલ્હીના દોડા કર્યા આથી ઉમેદવારોની પસંદગીમાં ભાજપ મોટો ધડાકો કરશે એવી ધારણા મંડાઈ રહી હતી. જોકે ભાજપે કોઈ જોખમ લેવાનું ટાળીને જાહેર કરેલી 15 બેઠકો પૈકી 14 બેઠકો પર જૂના ઉમેદવારો રિપિટ કર્યા છે. ગાંધીનગરની બેઠક માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉમેદવારી અગાઉ જાહેર થઈ ચૂકી છે, જે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડશે.

ભાજપે જોખમ લેવાનું કેમ ટાળ્યું?: ચૂંટણી જાહેર થઈ તેના એક મહિના અગાઉ ભાજપે આંતરિક સ્તરે હોમવર્ક શરૂ કરી દીધું હતું અને દરેક બેઠકમાં પક્ષના પ્રદેશ નેતાગીરી, સ્થાનિક સંગઠન ઉપરાંત ત્રાહિત સોર્સ એમ ત્રણ સ્તરેથી વર્તમાન સાંસદની કામગીરીનો અહેવાલ મંગાવાયો હતો. આ અહેવાલમાં બાર જેટલાં સાંસદોની કામગીરી નબળી હોવાનું અથવા નિષ્ક્રિયતાની ફરિયાદ હોય કે અન્ય કોઈ રીતે વિવાદોમાં સંડોવાયેલા હોવાનું તારણ નીકળ્યું હતું. આથી પ્રથમ તબક્કાની વિચારણામાં દસથી બાર સાંસદોને બદલવાનો નિર્ણય લેવાયો હતો.