Home News ફરાર : અલ-કાયદાનો વડો અલ જવાહિરી ડ્રોન-સ્ટ્રાઇકમાં ઠાર : 12 મહિનાથી કાબુલમાં...

ફરાર : અલ-કાયદાનો વડો અલ જવાહિરી ડ્રોન-સ્ટ્રાઇકમાં ઠાર : 12 મહિનાથી કાબુલમાં છુપાયો હતો, બાઇડને કહ્યું – અમે શોધીને માર્યો, તાલિબાન ભડક્યું!

Face Of Nation 02-08-2022 : અમેરિકાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ડ્રોન હુમલામાં અલ-કાયદાના નેતા અલ-જવાહિરીને મારી નાખ્યો છે. ગુપ્ત બાતમી મળ્યા બાદ જવાહિરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. 2011માં સ્થાપક ઓસામા બિન લાદેનની હત્યા બાદ જવાહિરીએ અલ-કાયદાની કમાન સંભાળી હતી. તો બીજીતરફ આ ડ્રોન હુમલો અમેરિકી ગુપ્તચર એજન્સી CIAની વિશેષ ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સત્તામાં આવી ત્યારથી જવાહિરી કાબુલમાં રહેતો હતો. જ્યારે તાલિબાન અમેરિકન કાર્યવાહી પર રોષે ભરાયું છે અને તેને દોહા સમજૂતીનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
બાઇડને કહ્યું- શોધીને માર્યો, ઓપરેશન સફળ
અલ-જવાહિરીની હત્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું- અમે જવાહિરીને શોધીને મારી નાખ્યો છે. અમેરિકા અને તેના લોકો માટે ખતરો ઊભો કરનારી કોઈપણ વ્યક્તિને અમે છોડીશું નહીં. અમે અફઘાનિસ્તાનમાં આતંકીઓ પર હુમલા ચાલુ રાખીશું.
9/11 હુમલાનો આરોપી હતો અલ-જવાહિરી
11 સપ્ટેમ્બર, 2001ના રોજ, 19 આતંકવાદીએ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે ચાર કોમર્શિયલ પ્લેનને હાઇજેક કરીને અથડાવ્યા હતા. અમેરિકામાં એને 9/11 હુમલા તરીકે ઓળખવામાં આવે છે. આ હુમલામાં 93 દેશના 2 હજાર 977 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ઓસામા બિન લાદેન, અલ-જવાહિરી સહિત અલ-કાયદાના તમામ આતંકવાદીઓને અમેરિકી તપાસ એજન્સીએ આરોપી બનાવ્યા હતા.
અમેરિકાના હુમલામાં જવાહિરી બે વખત બચી ગયો હતો
જવાહિરીને મારવા માટે અમેરિકાએ પહેલાં પણ ઘણીવાર પ્રયાસ કર્યો હતો. 2001માં જવાહિરી અફઘાનિસ્તાનના તોરા બોરામાં છુપાયો હોવાની જાણ થઈ હતી. જોકે હુમલો થાય એ પહેલાં જ જવાહિરી ભાગી ગયો હતો. જોકે આ હુમલામાં તેની પત્ની અને બાળકોનાં મોત થયાં હતાં. એ જ સમયે 2006માં અમેરિકી ગુપ્તચર એજન્સીએ ફરીથી જવાહિરીને મારવા માટે જાળ બિછાવી હતી. એ સમયે તે પાકિસ્તાનના ડમડોલામાં છુપાયો હોવાની માહિતી મળી હતી. જોકે મિસાઈલ હુમલો થાય એ પહેલાં જ જવાહિરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).