Face Of Nation 11-03-2026 : આસારામ કેસમાં જેમ ગુજરાત સરકાર ઊંઘતી ઝડપાઇ હતી તે જ રીતે કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા મામલે પણ સત્તા ઊંઘતી ઝડપાશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ગુજરાતમાંથી આસારામ આશ્રમમાંથી બે બાળકો ગુમ થયા બાદ લાશો મળી હોવાની ઘટનાએ સમગ્ર રાજ્ય હચમચાવી નાખ્યું હતું તેમ છતાં આસારામ વિરુદ્ધ ગુજરાત સરકારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નહોતી કેમ કે, આસારામના સ્ટેજ ઉપર ભાજપના નેતાઓ બાપુને પગે લાગવા જતા હતા. રાજસ્થાન સરકારે આસારામ વિરુદ્ધ કાર્યવાહી કરતા જ ગુજરાત સરકાર હરકતમાં આવી હતી ત્યાં સુધી ભર ઊંઘમાં હતી. ખેર આજે વાત કરીએ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયની. આ સંપ્રદાયના સાધુઓ નાણાં ધીરધારના ધંધાથી લઈને સેક્સ કાંડને લઈને બદનામ છે. આ સંસ્થાની આડમાં અનેક નાણાકીય ગેરરીતિઓ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે કેટલાક પુરાવાઓ સહીત કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીને ઇમેઇલ મારફતે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં અરજદાર દ્વારા ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. હાલ આ સંસ્થાના આચાર્ય, લાલજી અને સાધુઓ ભાજપના નેતાઓની શરણે છે અને નેતાઓ પણ આ સંપ્રદાયના ઉત્સવોમાં હાજરી આપી રહ્યા છે. આ બધું ચિત્ર જોતા આ સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી અશક્ય છે પરંતુ જો વિદેશથી કોઈ કાર્યવાહી કરવામાં આવે અને ભારત અને ગુજરાત સરકાર ઊંઘતી ઝડપાય તો નવાઈ નહીં ! કેમ કે આ સંસ્થાના આચાર્ય સ્થાનિક સ્તરે વોટબેન્કને કારણે ભાજપી નેતાઓના શરણે જઈને સંપ્રદાયની આડમાં ચાલતા તમામ કાંડ ઉપર પડદો પાડી શકવાની શક્તિ ધરાવે છે પરંતુ વિદેશમાં આ પ્રકારની ઓળખાણો કામે લાગતી નથી.
આ સંસ્થાના આચાર્ય તેમની વિરુદ્ધ લખનાર ને બોલનારને નેતાઓની અને અધિકારીઓની ભલામણો કરાવી ખોટા કેસો ઉભા કરી બદનામ કરી દે છે. આ તેમની પહેલેથી જ રણનીતિ રહી છે. EDને 08-03-2026ના રોજ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, “સ્વામિનારાયણ સંપ્રદાયની આડમાં, સાધુઓ દ્વારા ગેરકાયદેસર રોકડ ધિરાણ અને રોકડ બેનામી વ્યવહારો કરવામાં આવી રહ્યા છે. એવી માહિતી મળી છે કે આ સંપ્રદાયની આડમાં મની લોન્ડરિંગ થઈ રહ્યું છે અને આ બાબતે વિદેશમાં પણ અરજીઓ કરવામાં આવી છે. અમને માહિતી મળી છે કે આ સંપ્રદાયના કેટલાક સાધુઓ બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને વ્યાજે રોકડ ઉછીના આપી રહ્યા છે. અમને આ બેનામી વ્યવહારોનું એક પુસ્તક મળ્યું છે. આ પુસ્તક અમને આ જ સંપ્રદાયના અનુયાયી દ્વારા ઇમેઇલ દ્વારા મોકલવામાં આવ્યું હતું. એવી શક્યતા છે કે આવા ઘણા પુસ્તકો ઘણા મંદિરોના મહંતોના છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે આ પુસ્તક હાલના અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંતનું છે. સ્વામિનારાયણ કાલુપુર સંસ્થાના આચાર્ય કોશલેન્દ્ર પાંડે અને તેમના પુત્ર લાલજી પણ આ કૌભાંડમાં સામેલ છે. તેઓ બિલ્ડરોને વ્યાજે મોટી રકમ પણ આપી રહ્યા છે. અમે વિનંતી કરીએ છીએ કે આ મોટા કૌભાંડ અને બેનામી વ્યવહારોનો પર્દાફાશ કરવા માટે આ મામલે તાત્કાલિક યોગ્ય તપાસ કરવામાં આવે. (જોડાયેલ: સ્વામીના પુસ્તકમાં કોને કેટલા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા તે અંગેના પાના લખેલા છે)”
કાલુપુર સંપ્રદાયની આડમાં આચાર્ય અને કેટલાક સાધુઓ મોટી રકમો બિલ્ડરો, બિઝનેશમેનને વ્યાજે ધિરાણ કરે છે. આ ચોંકાવનારો ઘટસ્ફોટ ત્યારે થયો જયારે કાલુપુર મંદિરના જ મહંત નાના પીપી સ્વામીની એક ચોપડી વાયરલ થઇ. આ ચોપડીમાં રહેલા નામોને લઈને ફેસ ઓફ નેશને વેરિફિકેશન કરતા અનેક ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી હતી. ધર્મની આડમાં સુનિયોજિત રીતે ચાલી રહેલું નાણાં ધીરધારનું આ કામકાજ ખરેખર EDની તપાસ માંગી લે તેવું છે. જો કે ભારતમાં ગમે તેવા ખોટા કામો કરવા સત્તાધારી ભાજપનો સહયોગ હોય અને નેતાઓ સાથે ઘરોબો હોય તો ગમે તેવી સરકારી એજન્સી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકતી નથી આ વાત જગજાહેર છે. આ કેસમાં પણ એવું જ થશે. ED કદાચ કાલુપુર સ્વામિનારાયણ સંસ્થામાં રેડ કરશે તો પણ આચાર્ય કૌશલેન્દ્ર પાંડેની ભલામણથી નેતાઓના ફોન અધિકારીઓ ઉપર જશે અને સમગ્ર મામલે ભીનું સંકેલાઇ જશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. કૌશલેન્દ્ર પાંડેના કાંડ ઘણા છે એટલે જ તે ભાજપનો “ઉપયોગ” કરી રહ્યા છે. જે આચાર્ય તેના સાધુનો ઉપયોગ કરી સાઈડ લાઈન કરી દે તેના માટે રાજકારણીઓ કયા ખેતની મૂડી છે તેવા કટાક્ષ ખુદ સંપ્રદાયના સાધુઓ કરી રહ્યા છે. ભાજપના નેતાઓના શરણે રહેલા આચાર્યને એવું અભિમાન છે કે, સત્તા મારા ખિસ્સામાં છે જેથી કોઈ મારો વાળ પણ વાંકો કરી શકશે નહીં અને આ જ અભિમાને કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયને વેરવિખેર કરી નાંખ્યો છે. ખરેખર તો ઇડીએ આ મામલે તટસ્થ તપાસ કરીને સંસ્થામાં ચાલી રહેલી ગેરરીતિઓ કે સાધુઓના ચોપડાઓ ઉઘાડા પાડવાની તાતી જરૂરિયાત છે. સંસ્થા અને સંસ્થાના અનુયાયીઓ આસારામકાંડની જેમ પોતે “નિર્દોષ” હોવાનું જ રટણ કરશે પરંતુ જયારે કાયદો કોઈ પણ પ્રકારની ભલામણો કે દબાણને વશ થયા વિના કોઈની પણ શેહ શરમ રાખ્યા વિના કામ કરશે ત્યારે જ સત્યતા સામે આવશે. જો કે વોટબેન્કના કારણે ધર્મના દરવાજે કોઈ સરકારી અધિકારી ચઢી શકે તેવી તાકાત નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
“સંપ્રદાય”ની આડમાં “ધિરાણ” : સ્વા. કાલુપુર મંદિરના મહંત પી.પીનો “નાણાં ધિરાણ”નો ચોપડો !
ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, પાંચ વર્ષ બાદ ફરી નેતાઓ પ્રજાના દરવાજે દેખાશે !



