Face Of Nation 22-01-2026 : વિરોધ પક્ષો સામે થતી સત્તાની કાર્યવાહી આજે ધર્મના ગાદીપતિઓ સુધી પહોંચી ગઈ છે. રાજસત્તા જયારે ધર્મસત્તા સામે કાર્યવાહીઓ ચાલુ કરે એટલે સમજી લેવું, ધર્મસત્તા નબળી પડી ગઈ છે. આજે ખરેખર હિન્દૂ ખતરામાં છે કેમ કે હિન્દૂ સરકારમાં હિન્દૂ સાધુઓ સામે તંત્ર કાર્યવાહીઓ કરવા મેદાને ઉતર્યું છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે ચાલી રહેલી તંત્રની કાર્યવાહીઓ એ વાતની સ્પષ્ટ ચાડી ખાય છે કે હવે સત્તાને વિરોધમાં બોલનારા કે ધર્મની રક્ષા કાજે બોલનારા હિન્દૂ સાધુ સંતો પસંદ નથી. સત્તાની કાર્યવાહી કે સત્તાની કામગીરી ક્યારેય સત્તાધારી પક્ષના વડાની પીઠ પાછળ નથી થતી. હાલમાં ચાલી રહેલો શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના વિવાદના પડદા પાછળની કહાની જુદી જ છે. હકીકત એવી છે કે, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરકારને આંખમાં કણાની જેમ ખૂંચે છે. જેનું મુખ્ય કારણ તેમના સત્તા વિરોધી નિવેદનો અને હિન્દુને લઈને કેટલીક માંગણીઓ છે. માઘ મેળામાં જે રીતે તંત્રએ સાધુઓ સાથે કાર્યવાહી કરી તે હિન્દુવાદી સરકારના રાજમાં ખુબ જ શરમજનક બાબત છે. સાધુઓને ચોટલા પકડીને ઢસેડવા, માર મારવો અને પાલખીઓ તોડી પાડવી જેવા કૃત્યો તો ખરેખર અયોગ્ય છે. આ પ્રકારના કૃત્યો ક્યારેય સત્તાની પરમિશન વિના શક્ય નથી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ ક્યારની બંધ બારણે રણનીતિઓ ઘડવામાં આવી રહી હતી. જે આખરે માઘ સ્નાન સમયે પુરી કરવામાં આવી.
ઉત્તરાખંડ સ્થિત જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી તેમના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેમણે એક નિવેદનમાં વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ‘જે વ્યક્તિ અંગ્રેજી તારીખથી પોતાનો જન્મદિવસ ઉજવે છે, અમે તેને હિન્દુ નથી માનતા, કારણ કે હિન્દુઓના દેવી-દેવતાઓની જન્મતિથિ અંગ્રેજી તારીખથી બની નથી.’ આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘અમારે વડાપ્રધાન મોદીથી એક જ સવાલ કરવો છે કે, તમે હિન્દુ છો, તમારી પાસે તાકાત છે અને તમે ખુરશી પર બેઠા છો. તમે હિન્દુઓના વોટ લીધા છે. તમે ગાયના વાછરડાને રમાડતા પણ જોવા મળો છો. આમ છતાં શું કારણ છે કે, તેઓ ગૌહત્યા બંધ નથી કરાવી રહ્યા? તમારા પર શું દબાણ છે, તે જાહેર કરો અથવા હિન્દુ-હિન્દુ બોલવાનું બંધ કરો.’ આ નિવેદન મોદીને આંખમાં કણાની જેમ ખૂંચ્યું હતું પણ નિવેદન કરનાર શંકરાચાર્ય હોવાથી તે સમયે તેમની સામે કશું થયું નહોતું. જો કે, આ નિવેદન બાદથી જ અવિમુક્તેશ્વરાનંદને કેવી રીતે સાણસામાં લેવા તેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા પણ એકેય પ્રયાસો સફળ રહી શકે તેમ નહોતા. મોદી એક એવું વ્યક્તિત્વ છે કે જે, તેમના દુશ્મનોને કે તેમની વિરુદ્ધ બોલનારાઓને ક્યારેય ભૂલતા નથી. સમય આવ્યે તેઓને પાઠ ભણાવીને ઝંપે છે.
તાજેતરમાં વિવાદો વચ્ચે અવિમુક્તેશ્વરાનંદનું નામ લીધા વિના, સીએમ યોગીએ કહ્યું-કોઈને પણ પરંપરાઓને તોડવાનો અધિકાર નથી.” ધર્મના નામે ઘણા કાલનેમી સનાતન ધર્મને નબળો પાડવાનું કાવતરું ઘડી રહ્યા છે. સનાતન ધર્મને નબળો પાડવા માંગતા લોકો સામે સાવધ રહો. સન્યાસી માટે ધર્મ અને રાષ્ટ્રથી વધુ મહત્વનું કંઈ નથી.
18 જાન્યુઆરીએ મૌની અમાસના દિવસે અવિમુક્તેશ્વરાનંદ પાલખીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. જ્યાં પોલીસે તેમને રોક્યા અને પગપાળા જવાનું કહ્યું હતું. અહીં વિરોધ કરવા પર શિષ્યો સાથે ધક્કામુક્કી થઈ. જેનાથી નારાજ અવિમુક્તેશ્વરાનંદ શિબિરની બહાર ધરણા પર બેસી ગયા હતા. બાદમાં મંગળવારે સવારે સરકારી અધિકારી અનિલ કુમાર શંકરાચાર્યના શિબિરે પહોંચ્યા હતા. જ્યાં ગેટ પર એક નોટિસ ચોંટાડી દીધી. તેમાં સુપ્રીમ કોર્ટના 14 ઓક્ટોબર 2022ના એક આદેશનો હવાલો આપતા પૂછવામાં આવ્યું હતું કે, તેમણે પોતાને શંકરાચાર્ય કેવી રીતે ઘોષિત કરી લીધા. ખરેખર પોલીસે ધાર્મિક બાબતોમાં વચ્ચે ન પડવું જોઈએ અને આવી ગંભીર બાબતોમાં પોલીસની હિંમત પણ નથી કે, રાજકીય આદેશ વિના કોઈ કાર્યવાહી કરી શકે તેમ કહેવામાં કોઈ બે મત નથી. કેમ કે, અવિમુક્તેશ્વરાનંદને આપવામાં આવેલી નોટિસમાં ઉલ્લેખવામાં આવેલી બાબતો એ કાંઈ એક જ દિવસનો અભ્યાસ કે રજુઆત નથી. અગાઉથી ઘડવામાં આવેલી રણનીતિ હોઈ શકે છે કેમ કે, નોટિસમાં જે રીતે બધા મુદ્દાઓ લખવામાં આવ્યા છે તે ક્યારેય માત્ર તંત્રની જ કાર્યવાહીથી શક્ય જ નથી. ચોક્કસ આ સમગ્ર બાબતમાં સરકારના કોઈ નેતાની આડકતરી રીતે સંડોવણી હોઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
અનાર પટેલ એટલું નબળું વ્યક્તિત્વ નથી જેને રાજકારણમાં આવવા માટે સામાજિક હોદ્દાની જરૂર પડે !



