Home News અનાર પટેલ એટલું નબળું વ્યક્તિત્વ નથી જેને રાજકારણમાં આવવા માટે સામાજિક હોદ્દાની...

અનાર પટેલ એટલું નબળું વ્યક્તિત્વ નથી જેને રાજકારણમાં આવવા માટે સામાજિક હોદ્દાની જરૂર પડે !

Face Of Nation 21-01-2026 : ખોડલધામ હંમેશા ચૂંટણી સમયે મીડિયાના સમાચારોમાં ચમકે છે. સ્થાનિક મીડિયા અને પત્રકારો કયારેક ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મુખ્યમંત્રીના દાવેદાર બનાવી દે છે તો ક્યારેક આ જ નરેશ પટેલને ચૂંટણીમાં ટિકિટના દાવેદાર બનાવી દે છે. વાત એવી પણ મુકવામાં આવી છે કે, નરેશ પટેલે લેઉવા સમાજના પાટીદાર મુખ્યમંત્રીની માંગ કરી છે તેથી ભાજપ 2027માં અનાર પટેલને મુખ્યમંત્રી તરીકે બેસાડશે. જો કે, આ વાત તદ્દન પાયાવિહોણી અને તથ્ય વિનાની છે. જો કે ચોંકાવનારી વાત તો એવી છે કે, આજદિન સુધી મીડિયાની કોઈ વાતો સાચી ઠરી નથી અને હજુ સુધી નરેશ પટેલ ચૂંટણીમાં કે રાજકારણમાં ખુલીને સામે આવ્યા નથી. ખેર આજે વાત કરીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલની નિમણુંક અંગેની. આ મુદ્દા ઉપર સીધી અને સચોટ વાત કરીએ તો, અનાર પટેલની નિમણૂકને ભાજપ સાથે કોઈ પણ પ્રકારે લેવા દેવા નથી કેમ કે અનાર પટેલ એટલું નબળું વ્યક્તિત્વ જ નથી કે જેને રાજકારણમાં આવવા માટે પ્રથમ સામાજિક હોદ્દાની જરૂર પડે.
ગઈકાલે અનાર પટેલની નિમણુંક ખોડલધામના અધ્યક્ષના સ્થાને કરવામાં આવી. આ નિમણૂકની સાથે જ મીડિયા હાઉસોએ જુદી જુદી હેડલાઈન સાથે એવી બુમરાણ મચાવી મૂકી કે, “ગુજરાતના રાજકારણમાં આનંદીબેનનું કમબેક”, “2027ના મુખ્યમંત્રીનો ચહેરો બદલાશે”, “ખોડલધામ હવે સૌરાષ્ટ્ર બહાર નીકળી ગાંધીનગર સુધી વિસ્તરશે”. ખરેખર મીડિયાએ કોઈ તથ્ય વિના આ બધી હેડલાઈનો આપી દીધી. જો અનાર પટેલને રાજકારણમાં આવવું જ હોત તો અત્યાર સુધી તેમના માટે ઘણા રસ્તાઓ ખુલ્લા હતા. જે લોકો આનંદીબેન અને અનાર પટેલ પરિવારને જાણે છે તેઓનું સારી રીતે માનવું છે કે, અનાર પટેલને સમાજના ખભે પગ મૂકીને રાજકારણમાં આવવાની કોઈ જરૂર જ નથી. અનાર પટેલ ધારે તો સીધા જ રાજકારણમાં એન્ટ્રી લઇ શકે તેમ છે. જેઓએ રાજકારણથી દૂર રહીને સમાજની સેવા થકી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે તે વ્યક્તિત્વને કદાચ સમાજના ખભે પગ મૂકીને રાજકારણમાં આવવાની કોઈ જરૂરિયાત જ ન હોય.
અનારને ખરેખર રાજકારણમાં કોઈ રસ નથી કેમ કે, તેમણે માતા આનંદીબેન સાથે થયેલા રાજકીય દાવપેચો ઘણા નજીકથી જોયા છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેને શપથ લીધા તે જ સમયથી તેમના વિરોધીઓના પેટમાં તેલ રેડાયું હતું અને યેન કેન પ્રકારે આનંદીબેન સરકારને ધ્વસ્ત કરી દેવાના કાવાદાવાઓ કરવાની શરૂઆત પણ થઈ ગઈ હતી. આ વાત આનંદીબેન પટેલ પણ બખૂબી જાણતા હતા. તે સમયે આનંદીબેનના વિરોધીઓએ અનાર પટેલને પણ ટાર્ગેટ કરી કેટલાક આક્ષેપો કર્યા હતા. જેને કારણે આનંદીબેન અને તેમના પરિવારની ઘણી બદનામી થઈ. આ વાત ખુબ જ શરમજનક હતી કે, આનંદીબેનના વિરોધીઓ ખોટી રીતે તેમની દીકરી અનારને ટાર્ગેટ કરીને બદનામીના માંચડે ચઢાવી રહ્યા હતા. આ વાત ખુબ જ નિમ્નકક્ષાના રાજકારણની ચાડી ખાઈ રહી હતી.
ભાજપમાં પ્રવેશવા માટે અને હોદ્દો મેળવવા માટે આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ માટે ઘણા દરવાજાઓ ખુલ્લા હતા પરંતુ તેઓએ તેમની મહેનતથી આગવી ઓળખ ઉભી કરી છે અને ક્યારેય આ દરવાજાઓ તરફ જોવાનો વિચાર પણ કર્યો નથી. છતાં ચૂંટણી સમયે હંમેશા મીડિયાએ તેઓને જુદી જુદી સીટો ઉપરથી ટિકિટના દાવેદાર બનાવી દીધા છે. મીડિયાના આ સમાચારો આજદિન સુધી સાચા પડ્યા નથી. અનાર પટેલ ધારાસભ્ય નથી તેવામાં 2027માં અનાર પટેલને મુખ્યમંત્રી પદના દાવેદાર બનાવવા એ પણ એક તથ્યહીન વાત છે. મીડિયા પણ કોઈ તર્ક વિના સમાચારો રજૂ કરી દે છે. એમ પણ ભાજપ સત્તામાં આવી છે ત્યારથી મીડિયાના સમીકરણો ઊંધા જ પડી રહ્યા છે. મોટાભાગના રાજકીય વિશ્લેષક કે મીડિયા રિપોર્ટો રાજકીય રીતે સાચા ઠરતાં જ નથી. બસ, દે ઠોકા ઠોક મુદ્દાઓ બનાવીને સમાચારો રજૂ કરવામાં આવી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).