Home Uncategorized હિન્દુત્વ સત્તાનો મુદ્દો : મોદીએ હનુમાનજીના ચિત્ર વાળા પતંગ ઉપર હાથ અજમાવ્યો,...

હિન્દુત્વ સત્તાનો મુદ્દો : મોદીએ હનુમાનજીના ચિત્ર વાળા પતંગ ઉપર હાથ અજમાવ્યો, કોઈની ધાર્મિક લાગણી ન દુભાઈ !

Face Of Nation 14-01-2026 : એક રાવણ હતો જેણે હનુમાનજીને બાંધવાનો પ્રયાસ કર્યો હતો અને આજે ભારતમાં હિન્દુત્વનો ઝંડો પકડીને ચાલતા નરેન્દ્ર દામોદર દાસ મોદીએ હનુમાનજીની પ્રતિમાવાળો પતંગ હવામાં ઉડાડ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે, હમણાં જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પક્ષે હનુમાનજીની પ્રતિમા વાળો પતંગ ઉડાડ્યો હોત તો દેશની કહેવાતી જાગૃત જનતા હલ્લાબોલ કરતી. પતંગ ઉત્સવમાં ભાગ લેવા આવેલા દેશ-વિદેશના પતંગબાજોમાંથી એક વ્યક્તિએ હનુમાનજીની પ્રતિમા સાથે પતંગ ચગાવ્યો હતો. જે પતંગ ઉપર દેશના યશસ્વી વડાપ્રધાને હાથ અજમાવ્યો હતો. આ ફોટો અને વિડીયો સોશિયલ સાઇટ્સ ઉપર ખુબ જ વાયરલ થયા છે. જો કે, ધાર્મિક લાગણી દુભાઈ હોય તો પણ કદાચ કોઈ પોલીસ અધિકારી કેસ નોંધવાની હિમત ન કરે કે કોઈ કોર્ટ મોદીને સમન્સ આપી કોર્ટમાં ન બોલાવે.
દુઃખદ બાબત છે કે, આજે ભારત દેશમાં લોકશાહીની હત્યા થઇ ગઈ છે. કેમ કે, મોદીએ હનુમાનજીને પતંગ બનાવીને હવામાં ચગાવ્યા છતાં કોઈ મીડિયાની તાકાત નથી કે હિંદુત્વના નામે ડિબેટ કરી શકે કે પછી કોઈ હનુમાનજીના ભક્તો નથી જેઓ આગળ આવીને લાગણી દુભાયાની પોલીસ ફરિયાદ મોદી સામે કરી શકે. કેમ કે આજે મોદી સર્વસત્તાધીશ છે અને તે ધારે તો ભગવાનને પણ હવામાં ઉડાડી શકે છે અને તેની સામે કોઈ વિરોધનો શૂર પણ ઉઠી શકે નહીં. બસ, આ જ બાબત સ્પષ્ટ ચાડી ખાય છે કે લોકશાહીની હત્યા થઇ ગઈ છે અને મોદી યુગ ક્યારેય આથમશે જ નહીં તેવા અભિમાન સાથે તેજીથી ઉગી ગયો છે.
હિન્દુત્વ ભાજપ માટે માત્ર સત્તાનો મુદ્દો છે અને જે બાબત ક્યારેય ગુજરાતની જનતા સમજી શકી નથી. ભાજપીઓએ હિન્દુત્વનો ઝંડો પકડીને લોકોના મગજમાં એવું ઠસાઇ દીધું છે કે, ભાજપ છે એટલે તમે જીવો છો નહીંતર લઘુમતી કોમના લોકો તમને ઘરમાં ઘૂસીને મારી જશે. ગુજરાતની જનતા એટલી ડરપોક છે કે તેઓએ આ બાબત તેમના મગજમાં ઉતારી પણ દીધી છે. મોદી જયારે જયારે હિન્દૂ મંદિરોમાં કે અન્ય કોઈ દેવસ્થાને ગયા છે ત્યારે ત્યારે મીડિયાએ ભરપૂર કવરેજ આપ્યું છે અને તે દેવસ્થાનોથી મોદીએ “દેશ જેવો વેશ” કહેવત સાર્થક કરી છે. જે દેશમાં ભગવાન રામના મંદિરનો પણ સત્તા માટે ઉપયોગ થતો હોય ત્યાં શું ન થઇ શકે ? ભાજપ અને ભાજપના નેતાઓ માટે રામ હોય કે રાવણ, તમામ સત્તા માટેના મુદ્દાઓ માત્ર જ છે. આવતીકાલે જો રાવણના અનુયાયીઓ વધી જાય તો મોદી રાવણ મંદિરે જઈને પણ માથું ટેકવી આવે તેમ કહેવામાં કોઈ બે મત નથી. પ્રજાના મનમાં પણ એવું ઘુસી ગયું છે કે, મોદી છે તો હિંદુઓ છે. જે દિવસે મોદી નહિ હોય તે દિવસે ભારતમાં હિંદુઓ પણ નહીં હોય. જો આમ જ ચાલ્યું તો થોડા સમયમાં ઠેર ઠેર માત્ર મોદીના જ મંદિરો હશે અને ઘેરઘેર મોદીના ફોટા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે.
નાની નાની બાબતોમાં હિન્દુત્વનો ઝંડો પકડીને ચાલતા ભાજપ કે મોદીએ આજે ગુજરાતના પતંગ મહોત્સવમાં હનુમાનજીના ચિત્રનો પતંગ ચગાવવામાં આવી રહ્યો હતો ત્યારે કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યો નથી. મોદીએ આ પતંગ ઉપર હાથ અજમાવીને જાણે કે સંદેશો આપ્યો કે, હવે હું એટલી ઉંચાઈએ છું કે ભગવાનને પણ હવામાં ચગાવી શકવાની હિંમત ધરાવું છું અને ભગવાનના નામે સત્તા ચલાવું છું તેમ છતાં કોઈ મારો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://chat.whatsapp.com/B70iYWBxAMHJhA5Bgpo5hU આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).