Face Of Nation 24-12-2025 : એવું કહેવાય છે કે, વહીવટ સામે પડેલો જિલ્લો એટલે સુરેન્દ્રનગર. આ જિલ્લામાં અત્યાર સુધી બે વાર ઇડીએ કલેકટરો સામે બાંયો ચઢાવી છે. આ બંનેને કદાચ તેમની પ્રામાણિકતાનું ફળ ભોગવવું પડ્યું છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. 1500 કરોડનું જમીન કૌભાંડ સુરેન્દ્રનગરમાં થતું હતું અને દિલ્હીથી ઇડી આવી ત્ત્યાં સુધી શું રાજ્ય સરકાર ઊંઘતી હતી ? આ પ્રશ્ન સહીત અનેક એવા સવાલો સુરેન્દ્રનગરમાં ઇડીની કાર્યવાહી બાદ ઉઠી રહ્યા છે. સુરેન્દ્રનગર કલેકટરના ઘરે ઇડીએ દરોડા પાડતા જ ખળભળાટ મચી ગયો છે. ખરેખર ભ્રષ્ટાચારની વાત કરીએ તો ગુજરાતના મુખ્ય શહેરોમાં ફરજ બજવતા અને ફરજ બજાવી ચૂકેલા તમામ કલેક્ટરોના ત્યાં ઇડી ત્રાટકે તો ખબર પડે કે ભ્રષ્ટાચાર હકીકતમાં કોને કહી શકાય. ખેર ! મુખ્ય મુદ્દાની વાત કરીએ તો સૌ પ્રથમ ઇડીની રેડ બાદ જે પ્રમાણે 1500 કરોડની જમીન કૌભાંડની વાત સામે આવી રહી છે તે આખી વાત શંકા ઉપજાવે તેવી છે કેમ કે કલેકટર કે કલેક્ટર ઓફિસના કોઈ કર્મચારી એકલાની એટલી તાકાત નથી કે તે એક જ જમીનમાં 1500 કરોડનું કૌભાંડ કરી શકે. અહીં નોંધનીય બાબત છે કે, કલેકટરની ઉપર રેવન્યુ ડિપાર્ટમેન્ટ આવે છે. જો કલેકટર ખરેખર ભ્રષ્ટાચારી હોય તો રેવેન્યુ ડિપાર્ટમેન્ટ કે કોઈ રાજકીય નેતાઓની પણ આ કેસમાં ચોક્કસથી સંડોવણી ખુલવી જોઈએ કેમ કે એકલા કલેકટર, ડેપ્યુ.કલેકટર કે નાયબ મામલતદારની આટલી બધી તાકાત જ નથી કે તેઓ એક જ કેસમાં 1500 કરોડનો ભ્રષ્ટાચાર કરી શકે.
ફેસ ઓફ નેશનને મળેલી માહિતી પ્રમાણે સત્તાધારી પક્ષના માનીતા ઉદ્યોગપતિના સોલર પ્રોજેક્ટ સંદર્ભે કલેકટર રાજેન્દ્ર પટેલે કડક વલણ દાખવતા તેમની ઉપર સકંજો કસવા માટે ઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજકીય નેતાઓને પણ નહીં ગાંઠતા ડો.રાજેન્દ્ર પટેલને સકંજામાં લેવા દિલ્હીથી ઇડીને મોકલવામાં આવી છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. સામાન્ય રીતે જો ઇડીની કાર્યવાહી સાચી અને તટસ્થ હોય તો અત્યાર સુધી કેટલાય કલેકટરો અને નેતાઓ ઇડીના સકંજામાં આવી ગયા હોય. ડો.રાજેન્દ્ર પટેલ અગાઉ સાબરકાંઠામાં ડીડીઓ હતા. જ્યાં તેમની છાપ પ્રામાણિક અને બાહોશ અધિકારી તરીકેની હતી. તે કામ કરવામાં માનતા હતા. સુરેન્દ્રનગરમાં આવતા વેંત તેમણે ખનીજ માફિયાઓ ઉપર પણ કાળોકેર વર્તાવ્યો હતો. જેને લઈને નેતાઓના માનીતા ખનીજચોરોએ ફરિયાદો કરી હતી. કોઈ પણ ગેરકાયદે કામો નેતાઓની લાગવગ કે ઓળખાણ વિના શક્ય જ નથી. માત્ર અધિકારીની ઓળખાણથી હવે તમને ગેરકાયદે કામકાજ કરવાનો પરવાનો મળવો અશક્ય છે કેમ કે, નેતાઓના ધ્યાન બહાર જો કોઈ ગેરકાયદે કામકાજ કરી રહ્યું હોય તો અધિકારીઓને પ્રજાના હિતના નામે કડક કાર્યવાહી કરવા દબાણ કરવામાં આવે છે. આ વાત નગ્ન સત્ય છે.
અહીં નોંધનીય બાબત છે કે, રાજ્ય સરકારે અગાઉ ત્રણ જેટલા આઈએએસ અધિકારીઓ સામે ઈન્કવાયરી કરી હતી અને તે સાબિત થઇ હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખાસ કરીને ગુજરાત કેડરના આઈએએસ અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. ધ્રાંગધ્રામાં પણ એક સમયે એડિશનલ કલેકટર એ. રામાનુજને મીઠાઈના પડીકામાં 5000 મૂકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
અહીં એ વાત ચોક્કસ યાદ કરવી પડશે કે, અગાઉ પણ વર્ષ 2022માં સુરેન્દ્રનગરના તત્કાલિન જિલ્લા કલેક્ટર કે. રાજેશનું મોટા જમીન પ્રકરણમાં નામ ખુલતા તેઓની સામે પણ ED અને CBIએ કાર્યવાહી કરી હતી. અહીં સવાલ એ પણ થાય છે કે, ઇડીની નજરમાં કેમ માત્ર સુરેન્દ્રનગર છે ? કેમ ઇડીની નજરે ગુજરાત કેડરના જ આઈએએસ અધિકારીઓ ચઢે છે ? સુરેન્દ્રનગરમાં ખાણ-ખનીજ ચોરોનો આતંક આસમાને છે. ખનીજ ચોરી કરનારા લોકો કરોડો રૂપિયાનો ચૂનો સરકારને ચોપડી રહ્યા છે. જ્યારથી કલેકટર તરીકે ડો.રાજેન્દ્ર પટેલની નિયુક્તિ થઇ ત્યારથી આ ખનીજ ચોરો ઉપર સરકારી તંત્રએ રીતસર કડક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સુરેન્દ્રનગરમાં થાનગઢ, મુળી, ચોટીલા સહીત અનેક સ્થળોએ ગેરકાયદે ખનન કરનારાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ખનીજચોરો રાજકીય નેતાઓ સાથે મુખ્યત્વે ઘરોબો ધરાવતા હોય છે અને એટલે જ તેઓ ઉપર તંત્ર કડકાઈ દાખવતું નથી અને ખનીજચોરો બેફામ બને છે. જો કોઈ અધિકારી આવા ખનીજ ચોરો ઉપર સકંજો કસવાનો પ્રયાસ કરે તો તેની બદલી કરી દેવામાં આવે છે અથવા તો ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
Home Uncategorized વિશેષ અહેવાલ : રાજકીય નેતાઓને સુરેન્દ્રનગર કલેકટર ગાંઠ્યા નહીં અને દિલ્હીથી ઇડી...



