Home Uncategorized ભારતીયો આનંદો ! અમેરિકાના આદેશ સાથે યુદ્ધ વિરામ !, કોંગ્રેસ સત્તામાં હોત...

ભારતીયો આનંદો ! અમેરિકાના આદેશ સાથે યુદ્ધ વિરામ !, કોંગ્રેસ સત્તામાં હોત અને મોદી CM હોત તો શું કહેતા ?

Face Of Nation 09-05-2025 : ખરેખર દેશે આજે ઇન્દિરા ગાંધીની તાકાતને યાદ કરવી જ જોઈએ કે જેણે પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધા પહેલા કોઈની પણ તાકાત કે ધમકીઓ સામે ઝૂકી નહોતી. ઇતિહાસ એ સ્ત્રીની તાકાત અને નેતાગીરીને ક્યારેય નહિ ભૂલે. ખેર આજે વાત કરીએ આજની પરિસ્થિતિની તો અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પાકિસ્તાન યુદ્ધ અટકાવી દીધું છે. આ યુદ્ધ વિરામ કરવા માટે અમેરિકાએ આખી રાત બંને દેશોના નેતાઓ સાથે વાટાઘાટો કરીને વહેલી સવારે જાહેરાત કરી કે, બંને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા છે. હવે મોદી ભક્તોએ આનંદિત થવું જોઈએ કે, તેમના બાહોશ વડાપ્રધાન અને મીડિયાના વિશ્વગુરુને જગત જમાદારે આદેશ કરી દીધો કે, “યુદ્ધ વિરામ”. જો કોંગ્રેસ સત્તામાં હોત તો આજે સમગ્ર મીડિયા ચેનલો માટે યુદ્ધ વિરામના સમાચાર પહેલા મુખ્ય સમાચાર મોદીના નિવેદનો બની જતા. આ નિવેદનોમાં મોદી અમેરિકાને કેટલુંયે ખરું ખોટું કહેતા અને કોંગ્રેસને ભાંડતા. પ્રજા તેને આવકાર પણ આપતી અને રોડે રોડે કોંગ્રેસના પૂતળા દહનનો કાર્યક્રમ પણ થતો.
આશ્વર્યજનક બાબત એ છે કે, બે દિવસથી વિશ્વના મોટા દેશો ભારત અને પાકિસ્તાનના યુદ્ધ મામલે કશું કહેવા તૈયાર નહોતા તેવામાં અચાનક અમેરિકાના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને સમગ્ર યુદ્ધને વિરામ આપી દીધો છે ! આ જાહેરાત અગાઉ સાઉદીના નેતા ભારત પાકિસ્તાનના યુદ્ધની વચ્ચે પાકિસ્તાનમાં પહોંચી જાય છે ! આ બધી રાજકીય પરિસ્થિતિ ઉપર પ્રશ્ન ઉભો થાય તે સ્વાભાવિક છે. પરંતુ તે પ્રશ્નનો જવાબ મળવો મુશ્કેલ છે. જો કે, આ બધા પરિબળો કોઈ મોટી રાજનીતિના સંકેત તરફ આંગળી કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. જે ભારત દેશના નાગરિકો મોદી મોદી કરતા થાકતા નથી તેમના લોકપ્રિય નેતા મોદી આજે વિશ્વ સત્તાના આદેશનું પાલન કરી રહ્યા છે. જો કોંગ્રેસ સત્તામાં હોત તો મોદી એટલા ગાજતા કે આખા ભારતમાં માત્ર મોદીના જ સમાચારો દેખાડવામાં આવતા. તે સમયે યુદ્ધ અને પરિસ્થિતિ બધું જ ભુલાવી દેવામાં આવતું અને માત્ર મોદીના નિવેદનો જ ચાલતા. પણ ખેર ! આજે મોદી સત્તામાં છે અને વિરોધ પક્ષમાં કોંગ્રેસ છે એટલે જ કદાચ નીરવ શાંતિ છે અને રોડ રસ્તા પ્રદર્શન વિનાના છે. મોદી સત્તામાં ન હોત તો કદાચ આક્ષેપો પણ એવા ઉઠતા કે, કોંગ્રેસના નેતાઓ અમેરિકાના ઘૂંટણિયે પડ્યા. જો કે આજની સ્થિતિથી હવે મીડિયા કે પ્રજા શું કહેશે ?? જો પ્રજા કશું ન બોલે અને શાંત રહે અને મોદીની વાહવાહી જ કરે તો પાક્કું પ્રજા માત્ર એકતરફી બની ગઈ છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).