Face Of Nation 05-1-2023 : રાજસ્થાનમાં ઠંડીની અસર વધી રહી છે. ઉત્તર ભારતમાંથી આવતા બર્ફીલા પવનને કારણે માઉન્ટ આબુમાં પારો માઈનસમાં ગયો છે. ખેતરોમાં ઘાસની જેમ બરફ પથરાઈ ગયો છે, ગાડીઓ ઉપર અને માટલામાં બરફ જામી ગયો છે. હાડ થીજવતી ઠંડીને કારણે લોકો ધ્રૂજી ઊઠ્યા છે. તો આવા માહોલની મજા માણવા માટે પ્રવાસીઓ ઊમટી પડતાં હોટલો હાઉસફુલ થઇ ગઈ છે. માઇનસ 6 ડીગ્રીથી ગુરુશિખર પર જવું સહેલાણીઓ માટે અશક્ય બન્યું છે. તો બીજીતરફ રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડા દિવસ અગાઉ વખત તાપમાન માઈનસ બેથી ત્રણ ડીગ્રીએ પહોંચ્યું હતું, જ્યારે આજે તો તાપમાન માઇનસ 6 ડીગ્રી પહોંચતાં અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ-સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂંઠવાઈ પણ રહ્યા છે.
રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો
છેલ્લા એક-બે અઠવાડિયાથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં માઉન્ટ આબુનું તાપમાન માઇનસમાં નોંધાય છે. ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં આબુની મજા કંઈક અલગ હોય છે, જેથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી સહેલાણીઓ આબુ આવતા હોય છે. મહત્ત્વનું છે કે કાશ્મીર-શિમલા જેવા ઠંડા પ્રદેશોમાં ફરવા જવા ગુજરાતીઓને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જોકે આબુ ગુજરાતની બોર્ડરને અડીને આવેલું હોવાથી ગુજરાતીઓને અહીં જવા માટે વધારે ખર્ચ નથી કરવો પડતો. 200-300 રૂપિયાના ભાડામાં જ આબુ પહોંચી જવાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).