Home Uncategorized ઉત્તર અમેરિકા; ઉટાહ રાજ્યના ઈનોક શહેરમાં એક શખ્સે ઘરમાં ઘૂસીને કર્યો અંધાધૂંધ...

ઉત્તર અમેરિકા; ઉટાહ રાજ્યના ઈનોક શહેરમાં એક શખ્સે ઘરમાં ઘૂસીને કર્યો અંધાધૂંધ ગોળીબાર; 8 લોકોનાં મૃત્યુ જેમાં 8માંથી 5 બાળક!

Face Of Nation 05-1-2023 : ઉત્તર અમેરિકાના ઉટાહ રાજ્યમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે અમેરિકાને હચમચાવી નાખ્યું છે. અમેરિકામાં છાશવારે અંધાધૂંધ ગોળીબારની ઘટના બનતી રહે છે, પણ આવા બનાવો રોકવા કોઈ પગલાં લેવાતાં નથી. ઉટાહ રાજ્યના ઈનોકમાં એક શખ્સે ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 8 લોકોનાં મૃત્યુ થયાં હતા. જેમાં આઠમાંથી 5 બાળક છે. ગોળીબાર કરનારો હુમલાખોર ભાગી ગયો છે. પોલીસ તેને શોધી રહી છે. આ ઘટનાના કારણે અમેરિકામાં ભયનો માહોલ પ્રસર્યો છે.
ઘરના નિયમિત ચેકિંગમાં 8 મૃતદેહ મળ્યા
સોલ્ટ લેક સિટીની પશ્ચિમે આવેલા ઇનોક શહેરમાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ સમયાંતરે દરેક ઘરની નિયમિત તપાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન એક ઘરમાંથી 8 મૃતદેહ મળ્યા હતા. પોલીસે કહ્યું હતું કે જનતા માટે કોઈ ખતરો નથી. આયર્ન કાઉન્ટી સ્કૂલ ડિસ્ટ્રિક્ટના અધિકારીઓએ વાલીઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તમામ પાંચ બાળકો જિલ્લાની શાળાઓમાં ભણે છે. ઇનોક સિટીના મેનેજર રોબ ડોટસને જણાવ્યું હતું કે આઠ મૃતદેહના સમાચારથી બધા ચોંકી ગયા હતા. ઉટાહમાં દરેક વ્યક્તિ આ પરિવારને સારી રીતે જાણતી હતી. તો બીજીતરફ સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે બની હતી. તમામ મૃતકોનાં શરીર પર ગોળીઓનાં નિશાન હતાં. પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને ટીમ ઘટના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. હજુ સુધી પોલીસને હુમલાખોર વિશે કોઈ પગેરું નથી મળ્યું.
વિશ્વની 46% બંદૂકો એકલા યુએસ પાસે છે
નાગરિકો પાસે બંદૂકો રાખવાની બાબતમાં અમેરિકા વિશ્વમાં સૌથી આગળ છે. સ્વિટ્ઝર્લેન્ડના સ્મોલ આર્મ્સ સર્વે (એસએએસ)ના અહેવાલ મુજબ, વિશ્વમાં 85.7 કરોડ સિવિલિયન બંદૂકમાંથી એકલા અમેરિકામાં 39.3 કરોડ સિવિલિયન બંદૂક છે. અમેરિકા વિશ્વની 5% વસતિ ધરાવે છે, પરંતુ વિશ્વની 46% સિવિલિયન બંદૂકો એકલા યુએસમાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).