Home Exclusive 26મી જાન્યુઆરી : વ્યક્તિ પાસેથી બંધારણના હક્કો છીનવી ફરીથી ગુલામીના માંચડે ચઢાવવામાં...

26મી જાન્યુઆરી : વ્યક્તિ પાસેથી બંધારણના હક્કો છીનવી ફરીથી ગુલામીના માંચડે ચઢાવવામાં આવી રહ્યો છે, ભારત આંશિક આઝાદ !

Face of Nation 26-01-2022 : 26મી જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતમાં પ્રજાસત્તાક દીવસની ઉજવણી કરવામાં આવે છે. આજે આ દિવસે વ્યક્તિ ખરા અર્થમાં બંધારણના હક્કો પ્રમાણે મુક્ત બનીને જીવી રહ્યો છે ? કે જીવી શકે છે ? આ પ્રશ્નના જવાબમાં “ના” જ હોય. આજની સ્થિતિ જોતા કયો વ્યક્તિ ખુલીને તેને ન ગમે તે નેતા સામે કે સરકારી નિર્ણય કે સિસ્ટમની કામગીરી સામે વિરોધ કરી શકે છે ? પ્રજાથી જ સરકારની રચના થાય છે અને પ્રજાથી જ નેતાના હાથમાં સત્તા આવે છે છતાં આજે પ્રજાની કિંમત શું છે ? પ્રજામાંથી કોણ એવો બહાદુર વ્યક્તિ છે કે જે કોઈ પણ પરેશાની વિના સરકારની કામગીરીનો વિરોધ કરી શકે કે બંધારણમાં મળેલા હક્કો પ્રમાણેની કામગીરી કરી શકે.
જે દેશમાં સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ રિટાયર્ડ થતાની સાથે જ સત્તાધારી પક્ષમાં જોડાણ કરીને તેનો રાગ આલેપે ત્યારે ચોક્કસથી તેના દ્વારા કરવામાં આવેલી કામગીરી ઉપર અનેક પ્રશ્નો થાય. જાહેર રોડ ઉપર કે સરકારી કચેરીએ જઈને કોઈ વિરોધ કરે તો ખાખીમાંથી ભગવાને સમર્પિત થયેલી પોલીસ ક્યારેય તટસ્થતાથી કાયદા પ્રમાણે કામગીરી કરે છે ખરા ? ના. કેમ કે પોલીસ વિભાગમાં પણ આજે કોઈ બહાદુર કે બાહોશ કાયદાને સમર્પિત રહીને તટસ્થ કામગીરી કરનારા અધિકારીઓ નથી. સત્તાધારી નેતાઓના તળિયા ચાટીને ફરીથી જે પોલીસ તંત્રના અધિકારીઓ ખુદ ગુલામી તરફ જઈ રહ્યા છે તે દેશની પ્રજા શું સ્વતંત્ર હોવાના દાવા કરી શકે છે ? ના, કદાપિ નહીં.
આજે ભારતભરના નાગરિકો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે. એક દિવસ પૂરતી દેશભક્તિ છલકાશે, લોકો સોશિયલ સાઈટો ઉપર દેશભક્ત હોવાના દેખાવડા કરશે પરંતુ જયારે આપણા પડોશીને કોઈ તકલીફ પડે ત્યારે ઘરમાં ઘૂસીને ચુપકીદી સેવી લઈએ છીએ. કોઈ પણ રાજકીય પક્ષને જયારે પ્રજાનો અતિશયોક્તિ ભર્યો પ્રેમ મળવા લાગે છે ત્યારે તે રાજકીય પક્ષ બેફામ બની જાય છે અને એવા નિર્ણયો લેવા લાગે છે કે ભોગવવાનું પ્રજાના ભાગે આવે છે. જો કે પ્રજા જાગે છે, સમજે છે અને વિચારવા બેસે છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે.
જયાં સુધી દેશને ઇસ ૧૯૪૭માં આઝાદી ના મળી ત્યાં સુધી ૨૬ મી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિન એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો રહયો હતો. ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક ૯ ડિસેમ્બર ઇસ ૧૯૪૬માં મળી હતી. ઇસ ૧૯૪૭માં ૧૫ મી ઓગસ્ટના રોજ દેશને આઝાદી મળી પરંતુ દેશ પાસે પોતાનું બંધારણ ન હતું. આથી ગાંધીજીની ઇચ્છા મુજબ બી આર આંબેડકરના નેતૃત્વમાં ૨ વર્ષ અને ૧૧ દિવસ સુધી મહેનત કરીને દેશનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. દેશના આ સંવિધાનને બંધારણ કમિટીએ ૨૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ અમલ માટે રજુ કર્યુ હતું. ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બધા જ સાંસદો અને વિધાયકોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યાર બાદ ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ દેશમાં લાગુ પાડવામાં આવ્યું હતું. ડો રાજેન્દ્રપ્રસાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. આમ ૨૬ મી જાન્યુઆરીના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને ૧૯૫૦માં ફરી દેશના પ્રજાસત્તાક દિવસ તરીકે પસંદ થયો હતો.
બંધારણ પ્રમાણે જો આજે ભારતનો દરેક નાગરિક જીવતો હોત કે સ્વતંત્રતાથી રહેતો હોત તો આજના દિવસની દરેકે ધામધૂમથી ઉજવણી કરવી જોઈએ પરંતુ આજની પરિસ્થિતિ જોતા એમ કહી શકાય કે, વ્યક્તિ ખરેખર ફરીથી રાજકીય નેતાઓના ઈશારે થઇ રહેલી ગુલામી તરફ જઈ રહ્યો છે.

ભારતને આઝાદમાંથી બદલીને આંશિક આઝાદ ગણવામાં આવ્યું
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારના શાસનમાં લોકતાંત્રિક સ્વતંત્રતામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભારત એક વૈશ્વિક લોકતાંત્રિક દેશમાંથી એક સંકુચિત હિન્દુવાદી દેશનારૂપમાં પરિવર્તિત થઈ રહ્યો છે અને તેની કિંમત સમાવેશી તથા સમાન અધિકારોને તિલાંજલી આપીને ચૂકવાઈ રહી હોવાનું અમેરિકાની લોકતાંત્રિક સંસ્થા ફ્રીડમ હાઉસનું કહેવું છે. આ સંસ્થાએ ભારતનું રેન્કિંગ ‘આઝાદ’ દેશમાંથી ઘટાડીને ‘આંશિક આઝાદ’ કરી દીધું છે. ભારતે વિશ્વમાં લોકતાંત્રિક પ્રક્રિયા અપનાવતા દેશ તરીકેનું તેનું વલણ બદલીને ચીન જેવા તાનાશાહી દેશનું વલણ અપનાવ્યું હોવાનો ફ્રીડમ હાઉસે તેના વાર્ષિક અહેવાલમાં દાવો કર્યો છે.

અમેરિકાના ફ્રીડમ હાઉસે શું નોંધ્યું ?
ફ્રિડમ હાઉસના રેન્કિંગમાં ભારત પહેલાં ‘આઝાદ’ કેટેગરીમાં હતું, પરંતુ હવે ભારતનું રેન્કિંગ ઘટાડીને ‘આંશિક આઝાદ’ કરી દેવાયું છે. આ સંસ્થાએ ‘ડેમોક્રસી અન્ડર સીઝ’ નામના તેના રિપોર્ટમાં કહ્યું કે, વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સરકાર આવી ત્યારથી ભારતમાં નાગરિક સ્વતંત્રતા ઘટી રહી છે. જોકે, રિપોર્ટમાં કહેવાયું છે કે પરિસ્થિતિમાં આ પરિવર્તન વૈશ્વિક પરિવર્તનનો જ એક ભાગ છે. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ રાજદ્રોહના કેસમાં વધારો, મુસ્લિમો પર હુમલા અને લૉકડાઉન દરમિયાન લગાવાયેલા પ્રતિબંધો રેન્કિંગ ઘટાડવાના મુખ્ય પરિબળો ગણાવાયા હતા. ભારત સરકાર તરફથી આ રિપોર્ટ અંગે હજી કોઈ પ્રતિક્રિયા વ્યક્ત થઈ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).