Home Exclusive માલ્યાની ભારતીય બેન્કોને અપીલઃ મારાં નાણાં લઈને જેટ એરવેઝને બચાવી લો

માલ્યાની ભારતીય બેન્કોને અપીલઃ મારાં નાણાં લઈને જેટ એરવેઝને બચાવી લો

ભારતની સરકારી બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને લંડન ભાગી ગયેલ ‌િલકર બેરન વિજય માલ્યાએ ભારતીય બેન્કોને એવી અપીલ કરી છે કે મારા પૈસા લઇને જેટ એરવેઝને બચાવી લો. તેણે અપીલ કરી છે કે મારા પૈસાથી દેવાના ડુંગર તળે ડૂબેલ જેટ એરવેઝનેે ઉગારી લો.માલ્યાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે હું ફરી એક વાર દોહરાવું છું કે મેં પીએસયુ બેન્કો અને અન્ય તમામ લેણદારોને પેમેન્ટ કરવા માટે નામદાર કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ મારી જંગમ મિલકત રાખી છે. બેન્ક મારા પૈસાનો કેમ ઉપયોગ કરતી નથી. આ રકમ જેટ એરવેઝને બચાવવામાં જો કોઇ બીજો રસ્તો ન હોય તો તેમને મદદ કરશે.માલ્યાએ ઉપરાછાપરી ટ્વિટ કરીને લખ્યું છે કે એ જાણીને આનંદ થયો કે પીએસયુ બેન્કોએ જેટ એરવેઝને નોકરી, કનેક્ટિવિટી અને જાહેર સાહસની બચત માટે ગેરંટી આપી છે. કિંગફિશર માટે પણ આમ જ કરવામાં આવ્યું હતું. આ સાથે તેણે લખ્યું છે કે ભાજપના પ્રવકતાએ પીએમ મનમોહનસિંહને મારા પત્રો વાંચીને સંભળાવ્યા હતા અને આરોપ મૂક્યો હતો કે યુપીએ સરકાર હેઠળ પીએસયુ બેન્કોએ કિંગફિશર એરલાઇન્સને ખોટી રીતે સમર્થન આપ્યું હતું. મીડિયાએ મને વર્તમાન પીએમ માટે લખવા ઉશ્કેર્યો હતો. મને આશ્ચર્ય એ વાતનું છે કે એનડીએ સરકાર હેઠળ હવે તો એવું તો શું પરિવર્તન આવી ગયું છે.

માલ્યાએ વધુમાં લખ્યું છે કે મેં કિંગફિશર એરલાઇન્સ અને તેના કર્મચારીઓને બચાવવા માટે કંપનીમાં રૂ.૪,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું હતું, જેને ધ્યાનમાં લેવામાં આવ્યું નહીં. જ્યારે પીએસયુ બેન્ક ભારતની સર્વશ્રેષ્ઠ કર્મચારીઓ અને કનેક્ટિવિટી ધરાવતી એરલાઇન્સને નિષ્ફળ બનાવી રહ્યા છે. એનડીએ સરકારનો આ બેવડો માપદંડ છે.અત્રે ઉલ્લેખનીય છે કે જેટ એરવેઝ પર હાલ રૂ.૮,૦૦૦ કરોડ કરતાં વધુ રકમનું જંગી દેવું છે. કુલ ર૬ બેન્કના જેટ એરવેઝ પાસે જંગી લેણા બાકી નીકળે છે, તેમાં કેટલીક પ્રાઇવેટ અને વિદેશી બેન્કોનો પણ સમાવેશ થાય છે. આ લિસ્ટમાં એસબીઆઇ અને પીએનબીનું નામ પણ છે. જેટના પાઇલટ ચેતવણી આપી ચૂકયા છે કે જો ૩૧ માર્ચ સુધીમાં તેમનાે બાકી પગાર ચૂકવાશે નહીં તો તેઓ હડતાળ પર ઊતરી જશે. જ્યારે વિજય માલ્યા પર બેન્કોના લગભગ રૂ.૯૪૦૦ કરોડ બાકી નીકળે છે તેમની વિરુદ્ધ ૧૭ બેન્કોના કન્સોર્ટિયમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે.