Home Politics તસ્વીર બોલે છે : ધર્મ સત્તા કરતા રાજ સત્તા મોટી છે !

તસ્વીર બોલે છે : ધર્મ સત્તા કરતા રાજ સત્તા મોટી છે !

Face Of Nation 27-01-2026 : જયારે ધર્મ સત્તા રાજ સત્તાને ઘૂંટણિયે પડી જાય ત્યારે તેમ કહેવામાં કોઈ બે મત નથી કે, ધર્મ ખતરામાં છે. જે ભાજપ માટે હિન્દૂ ખતરામાં છે તે જ ભાજપના નેતાઓની તસ્વીરો ધર્મ સભાઓના પોસ્ટરોમાં સાધુ-સંતો કે ગાદીપતિઓ કરતા મોટી જોવા મળે છે અને બસ આ જ તસ્વીરો એમ કહે છે કે, ધર્મ સત્તા કરતા રાજ સત્તા મોટી છે. જયારે ધર્મની આગેવાની લઈને નીકળેલા લોકોના કાંડ ઘણા હોય ત્યારે તેઓને હંમેશા રાજનેતાઓની જરૂર પડે છે. જો ધર્મના રખેવાળો કે ધર્મના ગાદીપતિઓના કોઈ કાંડ જ ન હોય તો રાજસત્તા તેમને નમન કરવા આવે છે નહીં કે ધર્મ સત્તાને રાજસત્તા જોડે નમન કરીને ઉભું રહેવું પડે. સામાન્ય રીતે મીડિયા આ બધી બાબતોને નજરઅંદાજ કરે છે કેમ કે તેમને ધર્મ કે રાજનેતા બેમાંથી એકેયની નારાજગી નથી જોઈતી હોતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની એવી ઘણી બધી તસ્વીરો છે જેમાં સાધુઓ બે હાથ જોડીને કમરથી નીચા નમીને નેતાઓ આગળ ઉભા રહેલા જોવા મળે. ખરેખર આ એક દુર્દશા કહેવાય કે, સાધુ સંતોને રાજસત્તા આગળ ઝુકવુ પડે. ભારતમાં પ્રેમાનંદ મહારાજ જેવા સાધુઓ પણ હયાત છે કે જેઓ ક્યારેય કોઈ રાજનેતા આગળ ઝૂકતા નથી કે ક્યારેય તેમના દરવાજે જતા નથી. આવા સાચા સાધુઓ ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ છે અને સમાજ માટે એક સાચા પથદર્શક છે.
કાલુપુર સ્વામિનારાયણ મંદિર સંચાલિત ઉત્સવ સમૈયો જમિયતપુરા, કલોલ ખાતે યોજાયો. આ મહોત્સવના છેલ્લા દિવસે ભારતના ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી.અમિત શાહના આગમનને લઈને એક પોસ્ટર આ સંપ્રદાયના ઓફિશીયલ પેજ ઉપર મુકવામાં આવ્યું. જેમાં અમિત શાહની તસ્વીર ધર્મના ગાદીપતિઓથી મોટી દર્શાવવામાં આવી. આ તસ્વીર સ્પષ્ટ ચાડી ખાય છે કે, ધર્મ હવે રાજ્સત્તાની ચાપલુસી તરફ વળ્યો છે. અમિત શાહ અને તેમના પુત્ર જય શાહ સાથે ઘરોબો ધરાવતા આ સંપ્રદાયના આચાર્ય અને લાલજીના કાંડથી મોટાભાગના લોકો વાકેફ છે. શું અમિત શાહ કે જય શાહ આ લાલજી કે આચાર્યોના કાંડથી વાકેફ નથી ? જવાબ એ છે કે, જેટલા સંપ્રદાયના અનુયાયીઓ વાકેફ નથી તેટલા મંત્રીઓ અને અધિકારીઓ વાકેફ છે. પણ અહીં મુદ્દો વોટબેંકનો છે. સમય સમયની વાત છે. એક સમય એવો પણ હતો કે, આસારામની વોટબેન્ક મજબૂત હતી ત્યારે ખુદ મોદી મોટેરા આશ્રમમાં આસારામના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર આવતા હતા અને હાથ જોડી બાપુની સામે ઉભા રહેતા હતા. ધર્મના ગાદીપતિઓ માટે રાજકારણીઓના નામનો સહારો ઘણો લાભદાયી છે. જો કે આજના યુગમાં ધર્મ કરતા અધર્મનું જોર વધારે છે તેથી જ નેતાઓ પણ આવા અધર્મના મંચોનો ઉપયોગ વોટબેન્ક માટે બખૂબી કરી લે છે. નેતાઓને પણ ખબર છે કે, ધર્મની આડમાં ધંધા કરનારા ગાદીપતિઓ કેટલા પાણીમાં છે. તાજેતરમાં ભાજપના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે તેમના એક ઈન્ટવ્યુમાં જણાવ્યું હતું કે, “તમે મંત્રી બનો એટલે અમુક સંપ્રદાયો છે, સ્વામી હોય કે ગુરુ હોય તે આવે. પહેલી વખત પ્રસાદ લાવે પછી બે ત્રણ વખત આવી જાય એટલે જમીનનો ટુકડો કાઢે અથવા સસ્પેન્ડેડ અધિકારીની ભલામણ લાવે.” જયનારાયણ વ્યાસની આ વાત તદ્દન સાચી છે કેમ કે આજે આપણે જોઈએ છે કે, મંત્રીઓની કેબિનમાં સ્વામીઓ પહોંચી જાય છે. જયનારાયણ વ્યાસે એમ પણ સ્વીકાર્યું હતું કે, “આ બધી બાબતો પાછળ અમે જ જવાબદાર છીએ કેમ કે કોઈ પણ ભોગે ચૂંટાવું છે.”
ધર્મ સત્તાની વોટ બેન્ક મજબૂત છે એટલે ધર્મ સત્તાનો ઝંડો પકડીને બેઠેલા લોકોના અનેક કાંડ ઉપર ખોટી રીતે ઢાંક પીછોડો કરવા માટે સત્તાધારી નેતાઓ તેમને મદદ કરે છે. ધર્મ સત્તાને ત્યારે રાજ સત્તાની જરૂર પડે છે જયારે તેમણે કોઈ કાંડ કર્યા હોય અને બાદમાં તેને ઉજાગર થાય તે પહેલા ઢાંકવા માટે ખોટા કેસો ઉભા કરવા પોલીસનો સહારો લેવો પડે. આજે ખરેખર હિંદુઓ માટે અને ધર્મના અનુયાયીઓ માટે એક શરમજનક અને દુઃખદ બાબત છે કે, હિન્દૂ ધર્મ ખતરામાં છે. હિન્દુઓના સાધુ સંતો કે જે ગિરનારની તળેટીઓમાં બેઠા છે તે લોકો ક્યારેય રાજ સત્તા આગળ શીશ ઝુકાવવા આવતા નથી કે રાજસત્તા સાથે કોઈ સબંધ પણ ધરાવતા નથી. જેનાથી હિન્દૂ ધર્મ સામે આંગળી નથી ઉઠતી પરંતુ હિન્દૂ ધર્મની આડશ લઈને કેટલાક સંપ્રદાયો ધમધમી રહ્યા છે કે જેઓ માટે પૈસો જ સર્વસ્વ છે અને જેઓ સદા પૈસો જ મારો પરમેશ્વર માનીને અનેક કાંડ કરે છે તેવા લોકો રાજ સત્તા સામે હાથ જોડીને ઉભા રહે છે અને એવું ચિત્ર ઉભું થાય છે કે, ધર્મ સત્તા રાજ સત્તા આગળ ઝૂકી છે. ખરેખર આ બાબત અત્યન્ત શરમજનક છે આવા સમ્પ્રદાયના રખેવાળો માટે અને તેમના અનુયાયીઓ માટે. ફેસ ઓફ નેશન સ્વામિનારાયણ સંપ્રદાયનું વિરોધી નથી પરંતુ જે સત્ય છે એ તો છે જ એમાં કોઈ બે મત પણ નથી. તમે ધર્મના ગાદીપતિ છો. જો તમે જ ભૂલી જાઓ કે તમે શું છો ? ક્યાં સ્થાને છો ? તો તે ચોક્કસ તમારો વાંક છે અને તેથી મોટો વાંક આંધળા ભક્તોનો છે. આંધળી ભક્તિ કરતા ભગવાને આપેલું જ્ઞાન હંમેશા સર્વશ્રેષ્ઠ છે. મનથી કોઈનું ખરાબ ન ઇચ્છવું કે કરવું તે પણ એક ધર્મ જ છે. અધર્મનો ઝંડો પકડીને ચાલી રહેલાનો જયકાર કરવો તે પુણ્ય પણ નથી. ચાંલ્લો કરવાથી ધાર્મિક બની જવાય તે વાત ક્યારેય સાચી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે વધુ એક સાચા સાધુઓના સમૂહનો ભોગ લીધો !

ભક્તો આનંદો ! : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના દાન-ધર્માદાના પૈસે લાલજીનું બાલીમાં “હનીમૂન” થયું ?