Home Special નાગરિકો પરેશાન: ગુજરાતમાં રેવન્યુ સ્ટેમ્પની અછત; વર્ષે ગુજરાતની 9,000 પોસ્ટ ઓફિસમાં પાંચ...

નાગરિકો પરેશાન: ગુજરાતમાં રેવન્યુ સ્ટેમ્પની અછત; વર્ષે ગુજરાતની 9,000 પોસ્ટ ઓફિસમાં પાંચ કરોડથી વધુની કિંમતની રેવન્યુ સ્ટેમ્પનું થાય છે વેચાણ?

Face Of Nation 23-05-2022 : નાની કિંમત હોવા છતાં મોટું કામ કરતી એક રૂપિયાની રેવન્યુ સ્ટેમ્પની ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં છેલ્લા એક સપ્તાહથી કૃત્રિમ અછત સર્જાઈ છે. નવા નાણાકીય વર્ષથી આવેલા કેન્દ્ર સરકારના નિયમોમાં થયેલા ફેરફારોને કારણે ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં હાલ રેવન્યુ સ્ટેમ્પ ઉપલબ્ધ નથી. એને કારણે ઘણા લોકોનાં ટ્રાન્ઝેકશન અટકી ગયાં છે. પરિણામસ્વરુપે નાગરિકો પરેશાન થઈ ગયા છે, જોકે આ સમસ્યાનો આગામી બે દિવસમાં નિકાલ થઈ રેવન્યુ સ્ટેમ્પ રાબેતા મુજબ મળતી થઈ જશે, એવો પોસ્ટ ઓફિસના અધિકારી તરફથી દાવો કરવામાં આવ્યો છે.
દર વર્ષે 5 કરોડની કિંમતની રેવન્યુ સ્ટેમ્પનું વેચાણ
ગુજરાતમાં આવેલી 9 હજાર પોસ્ટ ઓફિસમાંથી દર વર્ષે 5 કરોડની કિંમતની રેવન્યુ સ્ટેમ્પનું વેચાણ થાય છે. આમ તો પોસ્ટ ઓફિસ તરફથી અન્ય સ્ટેમ્પો પોતે જ બહાર પાડે છે. તે છાપે છે તેમ જ વેચાણ પણ કરે છે, પરંતુ રેવન્યુ સ્ટેમ્પ તેઓ રાજ્ય સરકાર પાસેથી ખરીદે છે. એ બદલ તેમને કમિશન ચૂકવવામાં આવે છે. તાજેતરમાં જ એટલે કે પહેલી એપ્રિલ-2022થી કેન્દ્ર સરકારમાં બજેટરી જોગવાઇમાં થોડાક ફેરફાર કરવામાં આવ્યા છે, એટલે કે જે-તે બજેટ હેડ હેઠળ જ વસ્તુની ખરીદી કરવાનો નિયમ લાદવામાં આવ્યો છે. તે બજેટ હેડ હેઠળ જ સરકાર તરફથી બજેટની ફાળવણી કરવામાં આવશે.
5 હજાર કે તેથી વધુ રકમના વ્યવહારમાં રેવન્યુ સ્ટેમ્પ
ગુજરાતની અંદાજે 9 હજાર પોસ્ટ ઓફિસમાંથી સ્ટેમ્પનું વેચાણ થાય છે. એ જ રીતે એક રૂપિયાની રેવન્યુ સ્ટેમ્પનું પણ રેગ્યુલર વેચાણ થાય છે. સરકારી નિયમ મુજબ, 5 હજાર કે તેથી વધુ રકમના વ્યવહારમાં રેવન્યુ સ્ટેમ્પ લગાવવી જરૂરી છે, જોકે ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં એની જરૂર પડતી નથી. કંપની તેમ જ સરકારી કચેરીઓમાં પણ પગાર ડાયરેકટ બેંકમાં જમા થતો હોવાથી આ માથાકૂટમાંથી તેમનો છુટકારો થવા પામ્યો છે, પરંતુ કંપની અને કોન્ટ્રેકટર વચ્ચેનાં ટ્રાન્ઝેકશન અથવા તો પછી LICમાં પાકતી મુદતે ભરવામાં આવતા વાઉચરમાં, કંપનીઓ અને નાની પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓનો 5 હજારથી વધુ પગાર હોય તો વાઉચર પર રેવન્યુ સ્ટેમ્પ પર સહીઓ કરીને જ રકમ ચૂકવવામાં આવે છે. LICમાં ચેકથી કે રોકડથી પ્રીમિયમ ચૂકવો તો પણ તેના તરફથી રેવન્યુ સ્ટેમ્પ મારેલી પહોંચ આપવામાં આવે છે.
ગુજરાત પોસ્ટલ વિભાગને પણ આર્થિક નુકસાન
પોસ્ટ ઓફિસોમાં આ કામગીરી હાલ ચાલુ હોવાથી બજેટની ફાળવણી નહીં થઈ શકી હોવાથી રેવન્યુ સ્ટેમ્પની ખરીદી કરી શકી નથી. એને કારણે રેવન્યુ સ્ટેમ્પની અછત સર્જાઈ છે. એને કારણે ગ્રાહકોને એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં રેવન્યુ સ્ટેમ્પ મેળવવા માટે ધક્કા ખાવા પડે છે. આ પરિસ્થિતિ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે. હજુ આ પરિસ્થિતિ ચાલુ સપ્તાહ સુધી બરકરાર રહે એવી સંભાવના છે. આ સિસ્ટમને કારણે હાલ તો ગુજરાત પોસ્ટલ વિભાગને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
રેવન્યુ સ્ટેમ્પની સિસ્ટમ રદ કરવી જોઈએ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિક કાર્ડનો ઉપયોગ વધારવા માટે નાખેલી ટહેલને પગલે આજે મોટા ભાગે ટ્રાન્ઝેકશન ઓનલાઇન થવા લાગ્યા છે. એમાંય યુવાનો તરફથી મહત્તમ એનો જ ઉપયોગ કરવામાં આવે છે. 20 રૂપિયાથી માંડીને લાખો રૂપિયા યુપીઆઇથી માંડીને અન્ય Paytm વગેરે દ્વારા ટ્રાન્ઝેકશન થાય છે. જ્યારે સરકારી કચેરીઓ તથા મોટી કંપનીઓમાં પગાર સીધો બેંકમાં જમા થવા લાગ્યો છે, જેને કારણે રેવન્યુ સ્ટેમ્પનો ઉપયોગ બંધ જેવો થઈ ગયો છે. ત્યારે સામાન્ય કામોમાં થતા વ્યવહારોમાંથી પણ રેવન્યુ સ્ટેમ્પ લગાવવાની સિસ્ટમ રદ કરવી જોઈએ એવી માગ ઊઠવા પામી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).