Face Of Nation 18-08-2025 : કાલુપુર સ્વામિનારાયણ સમ્પ્રદાયના ભાવિ આચાર્ય વ્રજેન્દ્ર પાંડેએ તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે અને કહ્યું છે કે, તેની પત્ની સહીત તેના પરિવારજનોએ 100 કરોડની માંગ કરી છે સાથે જ આક્ષેપ કર્યો છે કે તેની પત્ની સ્ત્રી મિત્રોમાં રસ ધરાવે છે. પોલીસે ફરિયાદ પણ નોંધી છે અને તપાસ પણ કરી રહી છે. એ વાત અલગ છે કે, પોલીસે નોંધેલી આ ફરિયાદને લઈને અનેક સવાલો ઉભા થાય છે. જો કે મુદ્દાની વાત એ છે કે, એપ્રિલ મહિનામાં અવંતિકા શુક્લા એટલે કે, લાલજીની પત્નીએ ગંભીર આક્ષેપો કરતી અરજી કરી હતી. આ અરજી સોશિયલ સાઇટ્સ ઉપર વાયરલ થઇ. તે કેટલી સાચી કે ખોટી તે પણ એક તપાસનો વિષય છે પણ જો અવંતિકા શુક્લા તેની સાથે થયેલા અન્યાયની પોલીસ ફરિયાદ નોંધાવશે તો લાલજી સહીત તેના પિતા અને પરિવારજનોને કાયદા પ્રમાણે જેલમાં જવાનો વારો આવશે અને તે કદાપિ તેમને પરવળશે નહીં. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અવંતિકા જો ફરિયાદ નોંધાવે તો તેની ફરિયાદ અને ધરપકડથી બચવા માટે લાલજી અને તેના પિતા કૌશલેન્દ્ર પાંડેએ પાણી પહેલા પાળ બાંધી હોય તેમ રાજકારણીઓના શરણે જઈ પોલીસ અધિકારીઓની મહેરબાનીથી અવંતિકા શુક્લા સહીત તેના પરિવાર સામે 100 કરોડની માંગણીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમિત શાહના હાલ કાલુપુર સ્વામિનારાયણ સમ્પ્રદાયના આચાર્ય અને લાલજીના માથે હાથ છે તેવી ચર્ચાઓ ખુદ સ્વામિનારાયણ સમ્પ્રદાયમાં ઉઠી છે. અમિત શાહ અને જય શાહની લાલજી વજેન્દ્ર પાંડે અને તેના પિતા કૌશલેન્દ્ર પાંડે સાથેની મુલાકાતોના અનેક ફોટો પણ જાહેર થયા છે. ઉલ્લેખનીય છે કે, લાલજીના લગ્નનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અમિત શાહના પુત્ર જય શાહ સહીત કેટલાક પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, આ જ સંપ્રદાયના જેતલપુરના એક સ્વામીએ ધર્મકુળની અંદરની વાતો સહીત અનેક સનસનીખેજ ખુલાસાઓ અને તેમની હૈયાવરાળ એક હરિભક્ત આગળ ઠાલવી હતી પણ હાલમાં તે હરિભક્ત વિસ્તૃત વાત કરવા માટે ઇન્કાર કરી રહ્યા છે.
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીની પત્ની અવંતિકા શુક્લાએ લાલજી અને તેના પરિવારજનો દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની એપ્રિલ મહિનામાં અરજી કરી હતી જે સોશિયલ સાઇટ્સ ઉપર ઘણી વાયરલ થઇ છે. હવે આ ફરિયાદ બાદ જો પોલીસ ફરિયાદ નોંધાય અથવા તો કોર્ટના હુકમથી લાલજી અને તેના પરિવારજન વિરુદ્ધ ફરિયાદ નોંધાય તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તે કાર્યવાહી દરમ્યાન જો લાલજી સહીત તેના પિતા અને પરિવારજનોની ધરપકડ કરવાનો વારો આવે તો સમગ્ર દેશ વિદેશમાં તેમની આબરૂ ધૂળધાણી થઇ જાય તેમ કહેવામાં કોઈ બે મત નથી સાથે જ તેઓ ભારત દેશ છોડીને જઈ પણ શકે નહિ તેવી પરિસ્થીતીમાં તેઓએ કદાચ પાણી પહેલા પાળ બાંધીને રાજકીય સપોર્ટ લઇ અવંતિકા પાંડે સહીત તેના પરિવારજનો ઉપર 100 કરોડની માંગણીની ફરિયાદ દાખલ કરી દીધી છે. આ ફરિયાદ થકી અવંતિકા શુકલા અને તેના પિતા સહીત તેના પરિવારજનોને ડરાવવા ધમકાવવાનું એક મજબૂત કાયદાકીય ષડ્યંત્ર કરી નાખવામાં આવ્યું હોવાની પણ અનેક ચર્ચાઓ ઉઠી છે.
આમ નાગરિકની સાથે અન્યાય થાય તો તેને પોલીસ કેસ કરવા માટે અનેક ધક્કા ખાવા પડે છે અને અનેક સવાલોના જવાબો આપવા પડે છે. પરંતુ જો તમારે કોઈ નેતા કે રાજકીય વ્યક્તિનું પીઠબળ હોય તો પોલીસ કદાચ ઘરે આવીને ગુનો નોંધી જવાની પણ સવલત આપતી હોય છે. ઘણા કેસો એવા જોવામાં આવ્યા છે કે, જે કેસોની ફરિયાદ પોલીસે ફરિયાદીના ઘરે જઈને નોંધી હોય. ખેર આ વાત સામાન્ય છે અને સૌ કોઈ જાણે પણ છે. જે લોકોને કાંડ કરવા છે કે કોઈ કાવાદાવાઓ કરવા છે તેઓને રાજકીય લોકો અને પોલીસ અધિકારીઓ સાથે ઘરોબો રાખવો અત્યંત જરૂરી છે પણ જે લોકો ખરા અર્થમાં ધર્મના ગાદીપતિઓ છે જેમને કોઈ કાંડ કે કોઈ કાવાદાવાઓ સહારે ચાલવાનું જ નથી તેમના માટે રાજકારણ કે સરકારી તંત્રના અધિકારીઓ કોઈ મહત્વ ધરાવતા નથી. આવા સાધુઓ અને ગાદીપતિઓ આજે પણ ભારતમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે કે જેમનું મોટું નામ હોવા છતાં તેઓને રાજકારણ કે સરકારી તંત્રના અધિકારીઓ સાથે કોઈ નિસ્બત નથી. તેમને ત્યાં આવનાર રાજકારણીઓ કે અધિકારીઓને પણ સામાન્ય ભક્તની જેમ જ રાખવામાં આવે છે. ધર્મના ગાદીપતિ બનીને બેઠા છે તેવા લોકોને રાજકીય આકાઓના આશીર્વાદ જોઈતા હોય તો તે અજુકતી બાબત કહેવાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).



